શનિવાર, 16 જુલાઈની એ સલૂણી સાંજ હતી અને ABPL (UK) ગ્રૂપ દ્વારા લંડનથી પ્રકાશિત થતા સમાચાર સાપ્તાહિક ‘ગુજરાત સમાચાર’ અને Asian Voice દ્વારા અમદાવાદની હોટેલ રેડિસન બ્લુ ખાતે આયોજિત એક વિશિષ્ઠ માહિતીસભર કાર્યક્રમ હતો. એક ઓળખને નવેસરથી ઓળખવા અને સન્માનવાનો કાર્યક્રમ હતો.
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનમાં ફર્સ્ટ સેક્રેટરી (ઈકોનોમિક્સ એન્ડ કોમર્સ વિંગ) તેમજ પ્રેસ અને ઈન્ફોર્મેશન વિભાગનો કાર્યભાર સંભાળતા શ્રી રોહિતભાઈ વઢવાણા (આઇએફએસ)નું નવા સ્થળે પ્રમોશન થયું છે અને તેમને રિપબ્લિક ઓફ કેન્યામાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર તેમજ કેન્યાના નાઈરોબીમાં જ વડુ મથક ધરાવતી સંસ્થાઓ UN એન્વાઇરન્મેન્ટ એજન્સી અને UN હેબિટાટ ખાતે ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ તરીકે ફરજ સોંપાઈ છે. વિશેષ ઉલ્લેખ એ કરવાનો છે કે શ્રી રોહિતભાઈ વઢવાણાએ ‘ગુજરાત સમાચાર’માં ‘આરોહણ’ અને Asian Voiceમાં ‘ઈન્ટ્રોસ્પેક્શન’ની લોકપ્રિય કટાર મારફત લોકોને મનોમંથન કરતા શીખવ્યું છે, નવી દિશા સુઝાડી છે અને નવી સમજ ઉભી કરી છે.
શ્રી રોહિતભાઈ વઢવાણાને સન્માનવાનો તેમજ તેમની પાસેથી તેમના બ્રિટનમાં કાર્યકાળ દરમિયાન થયેલા અનુભવોને તેમના જ મુખેથી જાણવાના આ કાર્યક્રમને વરસાદી સાંજે નવો જ રંગ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન લોકલાડીલા ઉદ્ઘોષક શ્રી તુષારભાઈ જોષીએ સંભાળ્યું હતું. શ્રી તુષારભાઈએ તેમના ઘેઘૂર અવાજમાં રંગત જમાવતા શરૂઆત કરી કે આ સભાકક્ષના એરકંડિશનની ભીનાશ, વરસાદી છાંટની ભીનાશ અને અહીં બેઠેલા લોકો કોઈને કોઈ કલાના સ્વરૂપ સાથે સંકળાયેલા છે ત્યારે સહુને સ્પર્શતી સૌથી વધુ ભીનાશ તો માનવીય સંબંધોની, માણસાઈ, માનવીય સંવેદના, પ્રસન્નતા અને પ્રાર્થના અને શુભત્વની ભીનાશ છે.
તેમણે શ્રી રોહિતભાઈનો પરિચય આપતા કહ્યું હતું કે આજે એવા વ્યક્તિત્વને સાંભળવા, વિચારોને જાણવા અને સન્માનવા એકત્ર થયા છીએ તે શ્રી રોહિતભાઈ પોતાના વિશે કહે છે કે ‘Author by hobby and Indian Diplomet by profession’ છે. તેઓ ઈન્ડિયન ડિપ્લોમેટ હોવાની સાથે જ લેખક છે, વિચારક અને શ્રોતા પણ છે. તેમણે અનેક દૈનિકોમાં કોલમ્સ અને પુસ્તકો લખ્યા છે આમ, તેઓ સર્જક છે અને શબ્દોના ચાહક પણ છે. તેઓ ઓખામંડળના વતની હોવાથી તેમનામાં દરિયાની વિશાળતા અને દિલાવરતા ઉદારતા અને ઉમળકો ભરાયેલાં છે. યુકેમાં તેમને જેઓ મળ્યા છે તેમણે આ અનુભવ્યું છે. કેન્યામાં તેઓ ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે જોડાવા જઈ રહ્યા છે. ડેપ્યુટી હાઈ કમિશનર તરીકેની કામગીરી આપના માથે વધુ એક યશકલગી લગાવે તેવી શુભકામના સાથે આપણે તેમને તાળીઓથી વધાવી લઈએ.
ABPL ગ્રૂપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગુજરાત સમાચાર અને Asian Voiceની સુવર્ણ જયંતીનું વર્ષ છે. ગ્રૂપના સંચાલક શ્રી સી.બી.ને આપણે સહુ ઓળખીએ છીએ. સી.બી. પટેલ આપણી સાથે Zoom પર આ કાર્યક્રમમાં સામેલ થયા છે. આપણા બધાનો સી.બી. પટેલ અને ABPL ગ્રૂપ સાથે વિશેષ પારિવારિક નાતો છે.
આ પ્રસંગે સૂર અને સ્વરના સાધિકા માયાબહેન દીપકે સુંદર પ્રાર્થનાના સૂર રેલાવ્યાં હતાં. વિશ્વમાં માનવ પોતાના પર વિજય મેળવી શકે તો સર્વવિજય થઈ શકે અથવા વિજયની અપેક્ષા જ ન રહે. ઈશ્વર પાસે આપણે એવી જ પ્રાર્થના કરીએ કે મનની એટલી શક્તિ આપો કે બીજા પર વિજય મેળવતા પહેલા પોતાના પર વિજય પ્રાપ્ત કરી શકીએ. આ પ્રાર્થના છેઃ
હમ કો મન કી શક્તિ દેના, મન વિજય કરે
દૂસરો કી જય સે પહલે, ખુદ કો જય કરે...
હમ કો મન કી શક્તિ દેના
આ પ્રસંગે અમદાવાદ ઓફિસના બ્યૂરો ચીફ શ્રી નીલેશ પરમારે પુષ્પગુચ્છથી રોહિતભાઈ અને તેમના પત્ની ફેમિદાબહેનનું સ્વાગત કર્યું હતું. ગુજરાત હાઈ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ શ્રી સુબોધચંદ્ર શાહનું સ્વાગત શ્રી અજયભાઇ ઉમટે કર્યું હતું.
લંડનથી ઝૂમ સાથે કાર્યક્રમમાં જોડાયેલા પબ્લિશર-એડિટર ઇન ચીફ સી.બી. પટેલ વિશે તુષારભાઈએ કહ્યું હતું કે, ‘તેમની સાથે ફોન પર વાતનો આરંભ થાય ત્યારે ઓમ નમઃ શિવાયનો નાદ સંભળાય. તેઓ કહેતા આવ્યા છે કે હું 111 વર્ષ જીવવાનો છું. તેમનામાં આ વયે પણ આટલી ચૂસ્તી-સ્ફૂર્તિ છે. વિચાર છે. તેઓ અસ્ખલિતપણે વિચારતા રહે છે કે આવનારા વર્ષોમાં આમ કરવું છે, આવનારા દાયકામાં આમ કરવું છે. આ બંને અખબારો અને સંસ્થાને સતત આગળ લઈ જવા છે. તેમણે આખી વાતને યજ્ઞમાં પરિવર્તિત કરી છે. સીબી પટેલ માટે આ યજ્ઞકર્મ છે.
રોહિતભાઇની વિદ્વતામાં પણ આધ્યાત્મિક્તાઃ સી.બી. પટેલ
સી.બી. પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે ‘જય ભારત જય ગુજરાત. પવિત્ર ભારતભૂમિમાં આપ સહુ અમદાવાદ ખાતે એકત્ર થયા છો. હું રોહિતભાઈ અને ફેમિદાબહેનનું સ્વાગત કરું છું. રોહિતભાઈ અને ફેમિદાબહેનનું સ્વાગત એક બૂકેથી કરાયું તેની પાછળ ઐક્યની ભાવના છે. અમદાવાદમાં મારા સાથી કાર્યકર્તાઓએ સુંદર વ્યવસ્થા કરી છે. અમદાવાદના મૂશળધાર વરસાદમાં પણ આપ સહુ આવ્યા છો તેમાં આપની કૃપા અને સહકારને હું વંદન કરું છું.
તેમણે કહ્યું કે રોહિતભાઈ, આપ આફ્રિકા જઈ રહ્યા છો, કેન્યામાં જઈ રહ્યા છો ભારતવર્ષના ભવિષ્ય માટે આફ્રિકાનો સંબંધ મહત્ત્વનો છે. ઐતિહાસિક સંબંધ તો છે પરંતુ, કેન્યામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે જઈ રહ્યા છો. ઈન્ડિયા હાઉસ સાથે મારો 57 વર્ષનો જૂનો સંબંધ રહ્યો છે. ઈન્ડિયા હાઉસમાં કે ભારતના MEAના ઘણા બધા અધિકારીઓ સાથે પરિચય રહ્યો છે. આ બધામાં સૌથી જુવાન, તેજસ્વી અને ઉચ્ચ પ્રકારની પ્રકૃતિવાળા આપણા રોહિતભાઈ છે. આજના કાર્યક્રમના વિષય ‘અનવેઈલિંગ બ્રિટન’ બાબતે રોહિતભાઈ પાસેથી ઘણું જાણવા જેવું છે.
રોહિતભાઈએ ત્રણ વર્ષ યુકેમાં કામ કર્યું છે તેનો ઉલ્લેખ કરતા સી.બી. પટેલે કહ્યું હતું કે રોહિતભાઈને કામ કરતા અને કરાવતા જોયા છે. કોઈના તરફથી આપના માટે નારાજગી વ્યક્ત કરતા સાંભળ્યા નથી. આ ઘણું અઘરું છે. ભારત અને કેન્યા માટે અવસર રહેશે પરંતુ, આપના કેન્યા જવાથી યુકેના ભારતીયોને નુકસાન જશે. હું માનું છું કે આવતીકાલના ઈતિહાસમાં સ્વબળે ઘણા મોટા પદ પર પણ રોહિતભાઈ જશે. તમારી પ્રકૃતિ પરિપક્વ છે. તમારી વિદ્વતામાં પણ આદ્યાત્મિકતા છે. એમ કહેવાય છે કે ડિપ્લોમેટ હોય તેને અન્ય બાબતોમાં રસ ન હોય પરંતુ, તમે વિપશ્યનામાં પણ જઈ આવ્યા છો. તમારી કોલમ પણ વાંચું છું. તમારી કાર્યશક્તિ છે, પ્રામાણિકતા છે અને પરિપક્વતા છે. ભારત માટે અને કેન્યામાં મોટી સંખ્યામાં વસતા ભારતીયોનું આપ જતન કરશો તેમને વધુ બળવત્તર કરશો. ભારત અને કેન્યા વચ્ચે વધુ આદાનપ્રદાન પણ થશે રોહિતભાઈને સાંભળવા એક લહાવો છે. આવો જુવાન ગુજરાતી IFS જોવા મળે તે સદભાગ્ય છે. રોહિતભાઈને મારી શુભેચ્છાઓ છે.
રોહિતભાઇ ખુદ પ્રેરણાદાયી વ્યક્તિત્વ છેઃ અજય ઉમટ
નવગુજરાત સમય અખબારના એડિટર ઈન ચીફ શ્રી અજયભાઈ ઉમટે કહ્યું હતું કે ‘ભલે રોહિતભાઈ બાય પ્રોફેશન ડિપ્લોમેટ છે પરંતુ, તેઓ સવ્યસાચી છે. ડિપ્લોમસીમાં સફળ હોવાની સાથે લેખક તરીકે પણ સફળ છે. તમે જો પત્રકાર તરીકે આવ્યા હોત તો મારા જેવાને અને કૃષ્ણકાન્તને પણ મુશ્કેલી પડી હોત. કોઈ લેખકને તમે વાંચો અને તેમને શોધતા જાવ તો તમને મળે જ છે. આ રીતે રોહિત વઢવાણા અમને મળ્યા હતા. કવિતા, નિબંધ, નવલકથા તો લખે જ છે. સૌથી સારી વાત તો એ છે કે સાથે જ મોટિવેટિંગ રાઈટર તરીકેની તેમની કામગીરી સૌથી વધુ ચર્ચા જગાવનારી અને અપીલ કરનારી છે. રોહિતભાઇ પોતે જ મોટિવેટિંગ વ્યક્તિત્વ છે.
અજયભાઇએ કહ્યું હતું કે જે વ્યક્તિ ડિપ્લોમેટ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે તેમનું શિક્ષણ ઓખામંડળના છેવાડાના વિસ્તારમાં થયું છે. ભાણવડમાં પિતા કામ કરતા હતા તે ફેક્ટરી બંધ થઈ તો શાળાએ જવાનું બંધ થયું. ધોરણ 11 અને 12 જાતમહેનતે પસાર કર્યાં. ટ્યુશન્સ કર્યા, અમદાવાદમાં ભણવા આવ્યા અને તેમણે IFS (ઈન્ડિયન ફોરેન સર્વિસ)માં જવાનો નિર્ધાર કર્યો હતો. UPSCની પરીક્ષા આપીને તેમણે આ સફળતા પ્રાપ્ત કરી. તેમણે પોતાની સફળતા બધા સાથે વહેંચી છે. તેમણે UPSCની પરીક્ષાઓ બાબતે બધાને માર્ગદર્શન આપ્યું છે. તેમના માર્ગદર્શને ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા અપાવી છે. ગુજરાત માટે ગર્વ અનુભવી શકાય તેવી વ્યક્તિ તરીકે તેઓ ‘સન ઓફ સોઈલ’ એટલે માટી સાથે જોડાયેલા માનવી છે.
રાજકારણ કે વિદેશી બાબતો વિશે આ કાર્યક્રમમાં કશું બોલવાનું નથી તેવો સંદર્ભ ટાંકતા અજયભાઇએ હળવાશભર્યા અવાજે કહ્યું હતું કે આ મર્યાદા છતાં એક વાત ચોક્કસ કહીશ કે રોહિતના આવવાથી એટલો ફરક પડ્યો છે કે લંડનમાં સરકાર પણ ઉથલી ગઈ છે.
બહુમતી ગુજરાતીને વેપારમાં વિશેષ રસઃ જસ્ટિસ સુબોધચંદ્ર શાહ
નિવૃત્ત જસ્ટિસ શ્રી સુબોધચંદ્ર શાહે જણાવ્યું હતું કે, ‘રોહિતભાઈને હું પહેલી વખત મળ્યો છું. રિટાયર થતા સુધી એમ હતું કે અમે સારું બોલી ન શકીએ. લખી શકીએ, સહી કરી શકીએ. પરંતુ, નિવૃત્તિ પછી ખબર પડી કે બોલવામાં જ વધુ મજા છે. સારા વક્તાઓને સાંભળવાની પણ મજા છે. સી.બી. અંકલનું આમંત્રણ હોવાથી ના પાડવાનો પ્રશ્ન જ નથી પરંતુ, વઢવાણનો વતની છું તેથી વઢવાણા સાથે કોઈ કડી મળે, છેડો અડશે તેવી પણ આશા હતી. બહુમતી ગુજરાતીઓને વેપાર કરવો, નાણા કમાવવા છે, બીજું કાંઈ નથી કરવું. IFS માફક જ મેં રિટાયર થયા પછી જ્યુડિશિયલ સર્વિસીસ ચાલુ કરાવવા, છોકરાઓને જજ IRS, IFS બનાવવા માટે ક્લાસીસ શરૂ કર્યા છે. જૈનોના ડોનેશન્સ થકી શરૂઆત કરી છે અને ગુજરાતમાંથી 20 છોકરા ત્યાંથી IAS / IFS થયા છે. ગુજરાતની બહાર જઈને સર્વિસ કરવી અને IFS થઈને ભારતની બહાર જઈને સર્વિસ કરવી મુશ્કેલ બની રહે છે. ગુજરાતની સ્ત્રીઓ માટે ગુજરાત અને ભારતની બહાર જવું ભારે મુશ્કેલ બની રહે છે. આ સંદર્ભે ફેમિદાબહેન માટે તાળીઓ પાડવી વધુ જરૂરી છે.
રોહિતભાઇની ભારત-યુકે વચ્ચે સેતુરૂપ કામગીરી પ્રશંસનીયઃ કૃષ્ણકાંત ઉનડકટ
જાણીતા કટારલેખક અને ‘સંદેશ’ દૈનિકના એક્ઝિક્યુટિવ એડિટર કૃષ્ણકાંતભાઈ ઉનડકટે સંબોધન કરતા જણાવ્યું હતું કે ‘બોલવાની મારી કોઈ માનસિક તૈયારી જ ન હતી. હું રોહિતભાઈને સાંભળવા જ આવ્યો હતો. રોહિતભાઈ સાથે વાત કરતા તેમના લેખો અને શબ્દોની વાત થઈ ત્યારે શબ્દોનું કનેક્શન હોય ત્યાં ત્યાં સંવેદના આવે છે. લંડન/યુકેમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં કોઈને યશ જતો હોય તો તે સી.બી. પટેલને જાય છે. આવો સરસ કાર્યક્રમ યોજવા બદલ સી.બી., અને ‘ગુજરાત સમાચાર’ની ટીમને અભિનંદન આપું છું.
રોહિતભાઈ ડિપ્લોમેટ હોવાની સાથે લેખક છે અને લેખક ઋજુ હોય છે, પોતાને ઓળખવાનો પ્રયાસ કરતો રહે છે. કલાકાર પોતાની જાત સાથે સૌથી વફાદાર રહે છે. રોહિતભાઈએ કોરોનાકાળમાં બ્રિટન અને ભારત વચ્ચે સેતુ બનીને મહત્ત્વની કામગીરી બજાવી છે તે ઉલ્લેખનીય છે.
મિત્ર અને માર્ગદર્શક સી.બી. સૌથી પ્રેરણાદાયી વ્યક્તિત્વઃ રોહિત વઢવાણા
‘અનવેઈલિંગ બ્રિટન’ કાર્યક્રમના અતિથિવિશેષ અને મુખ્ય વક્તા શ્રી રોહિતભાઈ વઢવાણાએ આ સુંદર કાર્યક્રમ યોજવા બદલ સી. બી. પટેલનો આભાર વ્યક્ત કરવા સાથે વક્તવ્યની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘લંડનમાં મારો પહેલા દિવસ 30 એપ્રિલ 2019નો હતો અને બીજા જ દિવસથી કામગીરી શરૂ કરી દીધી હતી. પહેલી મેના રોજ હાઈ કમિશન પ્રિમાઈસીસ અને ઘણી જ્ગ્યાએ મહારાષ્ટ્ર / ગુજરાત દિનની ઉજવણી થઈ હતી અને ત્રીજા જ દિવસે નેહરુ સેન્ટર કે જે ભારતીય હાઈ કમિશનનું કલ્ચરલ સેન્ટર છે ત્યાં સી.બી. સાથે રૂબરૂ મુલાકાત થઈ હતી અને ત્યારથી ઘણું બધું કામ સાથે કરવાનું થયું, અને તે અત્યારે પણ ચાલુ છે. મારા પોસ્ટિંગ દરમિયાન તેમનો પ્રેમ મળ્યો છે. સી.બી. સૌથી પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. મારા મિત્ર અને માર્ગદર્શક બની રહેવા બદલ અને ભારતીય કોમ્યુનિટીની પડખે રહેવા બદલ સી.બી.નો આભાર. સીબી અનેક પ્રકારના કાર્યક્રમ ત્યાં કરતા જ રહે છે. યુકેના ઈન્ડિયન કોમ્યુનિટી / ગુજરાતીઓમાં સી.બી. મોસ્ટ પોપ્યુલર વ્યક્તિ છે. હાલમાં જ મેં ‘ગુજરાત સમાચાર’ અને Asian Voiceની અમદાવાદ ઓફિસની પણ મુલાકાત લીધી છે. અમદાવાદ અને લંડનની ટીમ સારી રીતે અને સાથે મળીને કામ કરે છે. ખૂબ સમર્પિત ટીમ એક પરિવારની માફક કામ કરે છે.
તેમણે UPSCની સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે જણાવ્યું હતું કે આ એક સંઘર્ષ છે, તૈયારી છે. ગરીબ પરિવારના હોય કે અમીર હોય, મહેનત સરખી જ કરવી પડે છે. બધાએ સંઘર્ષ કરવો પડે છે. મારું માનવું અને જાણવું છે કે કોઈના માટે સંઘર્ષ ઓછો હોતો નથી. ક્યારેક એવું લાગે છે કે સાધનસંપન્ન પરિવારમાંથી આવનારા લોકો માટે વધુ સંઘર્ષ રહે છે કારણ કે તેઓ વધુ માનસિક દબાણનો સામનો કરે છે. બેઠકોની ઓછી સંખ્યાના કારણે આ સૌથી મુશ્કેલ સ્પર્ધાત્મક પરીક્ષા છે. દસ લાખ સ્પર્ધકોમાંથી માત્ર 1000નું સિલેક્શન થાય છે અને હું પહેલા પ્રયાસે સફળ થયો ન હતો. ગમેતેટલામો પ્રયાસ હોય કોઈ ચિંતા નહિ તૈયારી કરતા રહો. મારી ખાસ વિનંતી છે કે સંતાનોને સમય આપજો, આ કામ સમય આપ્યા વિના થાય તેમ નથી. થાય કે ન થાય તેવા પણ કોઈ માપદંડ હોતાં નથી. તેમને પૂરતો સમય આપજો, તૈયારી કરવા દો. કેરિયર હવે માત્ર ભારતીય કન્સેપ્ટ જ રહ્યો છે. પશ્ચિમના દેશોમાં કેરિયર જેવું કલ્ચર હવે રહ્યું નથી.
બ્રિટનની રાજકીય ચહલપહલનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે બ્રિટનથી વધુ રસપ્રદ વિષય અત્યારે કોઈ હોઈ શકે નહિ. અત્યારે વડા પ્રધાનને પસંદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઈલેક્શન નથી, કેમ કે ઈલેક્શન તો થયેલું છે ત્યાંની લોકસભા / હાઉસ ઓફ કોમન્સમાં 650માંથી 358 જેટલી બેઠક કન્ઝર્વેટિવ પાર્ટી પાસે છે. પક્ષના નેતાગીરીની સ્પર્ધા ચાલે છે. છેલ્લે બે ઉમેદવાર રહેશે જેમાંથી પાર્ટીના રજિસ્ટર્ડ મેમ્બર્સ દ્વારા મતદાનથી એકની પસંદગી નેતા અને વડા પ્રધાન તરીકે કરાશે.
બ્રિટનની ઇકોનોમીમાં ભારતીયોનું મૂલ્યવાન પ્રદાન
બ્રિટનની 66 મિલિયનની વસ્તીમાં ભારતીય કોમ્યુનિટીનું પ્રમાણ આશરે 1.6 મિલિયન અથવા બે ટકાથી પણ ઓછું છે પરંતુ, ત્યાંની ઈકોનોમીમાં તેનું યોગદાન 6 ટકાથી પણ વધુ છે. ભારતમાં સૌથી મોટા રોકાણકારોમાં યુકે છઠ્ઠું સ્થાન ધરાવે છે. આની સામે ભારત યુકેમાં બીજા ક્રમનું એટલે કે યુએસએ પછી સૌથી મોટું ઈન્વેસ્ટર છે. ભારતીય રોકાણ ત્યાં રોજગાર નિર્માણ કરે છે. યુકે સરકાર, લીડરશિપ અને લોકો પણ ભારત અને ભારતીયોના યોગદાનને સ્વીકારે છે અને તેથી ભારતના લોકોને હંમેશાં પોઝિટિવલી આવકાર્યા છે. કોમ્યુનિટીનું વધારે યોગદાન હોય તે ડિપ્લોમેટ્સ માટે સારી વાત ગણાય છે. અમે જે દેશમાં જઈએ ત્યાં કોમ્યુનિટીનું વર્તન, વર્ચસ્વ, યોગદાન અને તેને સ્વીકૃતિ મહત્ત્વની બાબત છે. મારું પોસ્ટિંગ ફર્સ્ટ સેક્રેટરી (ઈકોનોમિક્સ શાખા) તરીકે હતું અને બીજો હવાલો મીડિયા અને પ્રેસ વિભાગનો અપાયો હતો. અમે કોમ્યુનિટીના કાર્યોમાં પણ જતા ત્યારે તે કામ પણ મળવા લાગ્યું. અમને ઘણી મઝા આવી. અમે લોકોને મળતા, બધા સાથે મિત્રતા પણ બંધાઈ અમે ત્યાં સારી રીતે રહ્યા. અમે લોકોને મદદરૂપ પણ થઈ શક્યા.
‘દિવાળી સુધીમાં FTA સાકાર થઇ શકે છે’
અન્ય મહત્ત્વની બાબત Free Trade Agreement (FTA)ની છે. આ રાજકીય બાબત નથી, આર્થિક બાબત છે અને તેનો લાભ બધાને થશે. આ કરાર દિવાળી સુધીમાં સાકાર થઈ શકે છે. આ સમજૂતી અમલી થતાં જ ભારત માટે FTA ધરાવતો યુકે ત્રીજો દેશ બનશે. ભારત હાલમાં યુએઈ અને ઓસ્ટ્રેલિયા સાથે સમજૂતી કરાર કરી ચૂક્યું છે. ભારત અને યુકે વચ્ચે સંબંધ સારા છે, વેપાર સારો છે. આ સમજૂતી કરાર તેને વધુ સુદૃઢ બનાવશે.
અમે પહેલી વખત, એટલે કે પોસ્ટિંગ માટે યુકે ગયા પરંતુ, ત્યાં પહેલી વખત વિદેશમાં ગયા હોઈએ તેમ લાગ્યું નહિ. અમારું ટ્રાન્ઝિટ એકોમોડેશન વેમ્બલીમાં હતું. તમે વેમ્બલીમાં સાંજે ફરવા નીકળો ત્યારે વાંદરાટોપી પહેરીને માણસ ભીંડા વેચતો હોય અને ફોન પર કાઠિયાવાડી ભાષામાં અહીં વાત કરતો હોય તે દૃશ્ય સામાન્ય છે. ગુજરાતી ભાષામાં પાન ખાઈને અહીં થૂંકવું નહિના પાટિયા પણ જોવા મળ્યા છે.
યુકે એક એવો દેશ છે જેને આપણે ઘણી સારી રીતે જાણીએ, ઓળખીએ છીએ. ત્યાંના કલ્ચર, રીતભાત વિશે આપણે જે વાંચ્યું છે કે વંચાવવામાં આવ્યું છે. પરંતુ, ઘણી બાબતો જાણતા નથી. ત્યાં તમે ગમે તે કામ કરતા હો, ડિપ્લોમેટ હોય કે દુકાનદાર કે ડ્રાઈવર હોય, કોઈ ફરક પડતો નથી. કામ અને અંગત જીવન વચ્ચેનો તફાવત જાળવે છે જે અહીં થતું નથી. વર્ક અને લાઈફનું બેલેન્સ જાળવીને સ્ટ્રેસને ઓળખતા શીખીએ. અહીં 4 દિવસ વર્કના પ્રયોગ થઈ રહ્યા છે. આપણે સૌથી વધુ સ્વચ્છતાની જાળવણી રાખવાની શીખવાની જરૂર છે. ઈરાન સૌથી સ્વચ્છ દેશ જણાયો છે. ગુજરાત સમાચારમાં ‘આરોહણ’માં મેં લખ્યું હતું કે અમદાવાદ બદલાઈ રહ્યું છે. ટ્રાફિક ખરાબ થઈ રહ્યો છે. આપણે ટ્રાફિક સેન્સનો ખ્યાલ આપણા લોકો ગમે ત્યાંથી રસ્તો કાઢીને નીકળી જાય છે. આપણે તેમાં સંયમ રાખવાની જરૂર છે. આ બધી બાબતો નાની છે પરંતુ, સ્ટ્રેસ દૂર કરનારી છે. એજ્યુકેશન સહિત ઘણું બધું શીખવાની જરૂર છે.
છેલ્લો મહત્ત્વનો મુદ્દો પર્યાવરણનો છે. અંગત અને સામૂહિક રીતે પર્યાવરણ વિશે જાગરુકતા રાખીએ તે પણ જરૂરી છે. અતિશય ગતિને ધીમી પાડવાની જરૂર છે. આપણી હાલત ઉકળતા પાણીમાં બેઠેલા દેડકા જેવી છે. નેટ ઝીરો એમિશન, કાર્બન ન્યુટ્રાલિટી તરફ આગળ વધવું હિતાવહ છે. યુકેમાં ભારે ગરમીના કારણે રેડ એલર્ટ જારી કરવો પડ્યો છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડને તો જરૂર ન હોય તો ટ્રાન્સપોર્ટનો ઉપયોગ નહિ કરવાની સલાહ પણ આપી છે. આ ગંભીર બાબત છે. જવાબદાર કોણ છે તેમાં ન પડીએ, આપણે પણ ભોગવી રહ્યા છીએ. થોડું થોડું સમજીએ, ફેલાવીએ તો સારું રહેશે.
કૃષ્ણકાંતભાઈ ઉનડકટે રોહિતભાઈને તેમના યુકેમાં કાર્યકાળ દરમિયાન સૌથી સંવેદનશીલ ઘટના કઈ તેવો પ્રશ્ન કર્યો હતો. તમને લંડન યાદ આવે તો શેના માટે યાદ આવે. આનો ઉત્તર વાળતા રોહિતભાઈએ કોવિડનો સમયગાળો સૌથી સંવેદનાત્મક બની રહ્યો હોવાનું જણાવ્યું હતું. મારા અડધાથી વધુ કાર્યકાળમાં કોવિડનો મુદ્દો બની રહ્યો હતો. ફ્લાઈટ્સ બંધ થવાથી વિદ્યાર્થીઓ, પેરન્ટ્સ અને પર્યટકો સહિત બધા ફ્લાઈટ્સ પહેલા પણ વિઝા અને દવાઓની, સારવારની સમસ્યા સર્જાઈ હતી. આ સમયે ભારતીય હાઈ કમિશન વતી આપણા ડોક્ટર્સ સાથે મળી મેડિકલ હેલ્પલાઈન શરૂ કરી હતી. બીજી સંસ્થાઓ પણ મદદ કરવા આગળ આવી હતી. આ રીતે આ ઘટના સંવેદનાત્મક બની રહી હતી. બીજી લહેર દરમિયાન પણ તેમણે આવી જ કામગીરી બજાવી હતી.
રોહિતભાઈએ સંબોધનના સમાપનમાં જણાવ્યું હતું કે ‘યુકે જરૂર ફરવા જજો. આપણે ઘણું શીખવાનું છે. ભારતીયો પ્રત્યે આદર અને સન્માન છે અને તે વધી રહ્યું છે. વર્તમાન કેબિનેટમાં ભારતીય મૂળના મંત્રીઓ લોકપ્રિય બની રહ્યા છે, પ્રસિદ્ધ છે. આપણી ત્યાં પ્રતિષ્ઠા છે’.
ગુજરાત સરકારના પૂર્વ સનદી અધિકારી અને કવિ, લેખક ભાગ્યેશભાઈ જ્હાએ જણાવ્યું હતું કે, ‘મારા જીવનમાં ત્રણ બાબતની ખાસ કાળજી રાખું છું. એક તો એ છે કે વહેલા ઉઠીને એક મિનિટ પણ બગાડવી નહિ, બીજું એ કે આપણા વિશે કોઈએ કશું કહ્યું છે તેની પર્સનલી ચોકસાઈ વિના કોઈની પણ વાત જાણ્યા વિના માનવી નહિ અને જે સભામાં ભોજની વ્યવસ્થા હોય ત્યાં ભાષણ ઓછું કરવું. તમે નાઈરોબી જઈ રહ્યા છો તમને ખબર હશે કે લંડનમાં બહુ લોકો યુગાન્ડાથી છે. પ્રાણીઓના માઈગ્રેશનને જોવાથી ભારે આઘાત લાગી શકે છે. સીબી તો સીબી છે. સીબી તો શિબિ રાજાનું આધુનિક વર્ઝન છે. તમે કેન્યા જાઓ છો તેની શુભેચ્છા.
રોહિતભાઈ અને ફેમિદાબહેનના માનમાં ABPL (UK) ગ્રૂપ દ્વારા રાત્રિભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમંત્રિતો ભોજનનો રસાસ્વાદ માણી છૂટા પડ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો
• જસ્ટિસ (નિવૃત્ત) શ્રી સુબોધચંદ્ર શાહ (ગુજરાત હાઇ કોર્ટ) • પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ - કન્સલ્ટિંગ એડિટર અને વરિષ્ઠ કોલમલેખક (સંદેશ દૈનિક) • ભાગ્યેશ જ્હા, આઇએએસ - અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર • અજય ઉમટ - એડિટર ઇન ચીફ (નવગુજરાત સમય દૈનિક)
• પ્રણવભાઇ પારેખ - ઓફિસર ઓન સ્પે. ડ્યુટી (મુખ્ય મંત્રી કાર્યાલય) • કૃષ્ણકાંતભાઇ ઉનડકટ - એક્ઝિક્યુટિવ એડિટર અને કોલમલેખક (સંદેશ દૈનિક) • જ્યોતિ ઉનડકટ - ડિજિટલ એડિટર (ગુજરાત ફર્સ્ટ ટીવી) • નયન દવે - વરિષ્ઠ પત્રકાર (ફાઇનાન્સિયલ એક્સપ્રેસ) • ડો. કેયુર બુચ - ઓર્થોપેડિક સર્જન (સિમ્સ હોસ્પિટલ) અને કુંજલબહેન બુચ • ડો. ચિરાગ ભોરાણિયા - આસી. ડિરેક્ટર (માહિતી અને પ્રસારણ મંત્રાલય - ભારત સરકાર) • ભાવિનીબહેન જાની - ફિલ્મ અને થિયેટર અભિનેત્રી • સુખવિન્દર સૈની - બિઝનેસમેન, નાઇરોબી • અમીન શેખ • જિગર રાણા (લેખક - વક્તા અને મેને. પાર્ટનર, મૃદંગ મેનેજમેન્ટ) • કિંજલ જોષી - ફ્રિલાન્સ પત્રકાર • દિગંત સોમપુરા - કન્સલ્ટીંગ એડિટર - ગુજરાત ટાઇમ્સ (યુએસ) • હર્ષેન્દુ ઓઝા - વરિષ્ઠ અધિકારી - માહિતી વિભાગ, ગુજરાત સરકાર • રિતુરાજ મહેતા - મેનેજિંગ ડિરેક્ટર (રિતુરાજ ગ્રૂપ) • રોનક શાહ - નવભારત સાહિત્ય મંદિર • આનંદ શાહ - અમોલ પ્રકાશન