લંડનઃ સામાન્ય રીતે કેન્સર કોઈને થયું છે તો હવે તેનું આયખું કેન્સલ એમ કહેવાતું હોય છે પરંતુ, કેન્સરને જ કેન્સલ કરી નાખનારા એક ‘સુપર દાદી’ની આ વાત છે અને તેમણે એક વખત નહિ, પાંચ પાંચ વખત કેન્સરને મ્હાત આપી કેન્સલ કરી નાખ્યું છે. ગ્રેટર માન્ચેસ્ટરના કાડ્ડેરટનની રહેવાસી નાતાલી કહે છે કે, ‘તમે તમારા જીવનનું પુનઃ નિર્માણ કરી શકો છો તેનું હું જીવતુંજાગતું ઉદાહરણ છું.’
એટલું જ નહિ, 57 વર્ષીય નર્સિંગ લેક્ચરર નાતાલી યેટ્સ-બોલ્ટને 6 મેરેથોન્સ, 3 અલ્ટ્રામેરેથોન્સ અને 3 ટ્રાયાથ્લોન્સ પૂર્ણ કરી છે અને માન્ચેસ્ટરના ક્રિસ્ટી NHS ફાઉન્ડેશનના ડોક્ટરોએ તેમને કેન્સરમુક્ત જાહેર કર્યાં છે.
નાતાલીને સૌપ્રથમ વખત હોજકિન્સ લિમ્ફોમા કેન્સરનું નિદાન કરાયું ત્યારે તેમની ઉંમર માત્ર 22 વર્ષની હતી અને નર્સિંગનો અભ્યાસ ચાલી રહ્યો હતો. તેમણે જરા પણ હિંમત હાર્યા વિના ડીગ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને 37 વર્ષની વયે હોજકિન્સ લિમ્ફોમાએ ઉથલો માર્યો ત્યાં સુધીમાં પીએચ.ડીની ડીગ્રી પણ હાંસલ કરી લીધી હતી.
તેમણે બે વખત હોજકિન્સ લિમ્ફોમા પર વિજય હાંસલ કર્યો અને તે પછી, 43 વર્ષની વયે તેમને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું હતું. સારવાર પછી 2017માં બ્રેસ્ટ કેન્સરે પણ ઉથલો માર્યો પરંતુ, નાતાલીએ મજબૂતાઈથી ત્રણ - ત્રણ વખત બ્રેસ્ટ કેન્સરનો સામનો કર્યો હતો. તેમણે છ વર્ષ સુધી પાલ્બોસિક્લિબ દવા લેવી પડી હતી.
66 વર્ષીય ગેરી સાથે પરણેલાં, બે દીકરી અને બે ગ્રાન્ડચીલ્ડ્રન ધરાવતાં નાતાલીએ 11 ઓપરેશન્સ, કીમોથેરાપીના 30 સેશન્સ અને રેડિયોથેરાપીના 55 રાઉન્ડ્સ સહન કરેલાં છે. આનાથી જરા પણ ગભરાયા વિના જ તેમણે બધી સારવાર દરમિયાન મેરેથોન્સ, અલ્ટ્રામેરેથોન્સ અને ટ્રાયાથ્લોન્સ પણ પૂર્ણ કર્યાં હતાં.