લંડન, બીજિંગઃ પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરન સાથે શાંઘાઈમાં આયોજિત ખાનગી ડિનર લેવા માટે ચીની બિઝનેસમેન્સે માથાદીઠ £૧૨,૦૦૦ ચુકવ્યા હતા. કેમરને ૭૫૦ મિલિયન પાઉન્ડના નવા યુકે-ચાઈના ઈન્વેસ્ટમેન્ટ ફંડની ચર્ચા કરવા ચીનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, કેમરને બીજિંગમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે પણ ડિનર મુલાકાત યોજી હતી.
બીબીસીના અહેવાલ અનુસાર નવ જાન્યુઆરીએ વોલ્ડ્રોફ એસ્ટોરિયા હોટેલમાં આયોજિત શાંઘાઈ ઈન્ટરનેશનલ બોલ અને વિમેન લીડર્સ ફોરમના ઉચ્ચસ્તરીય સામાજિક કાર્યક્રમમાં શ્રીમંત બિઝનેસમેન્સ પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન કેમરન સાથે મુલાકાત અને તેમની સાથે સેલ્ફી લઈ શકે તેના આકર્ષણ સાથે ૧૦૯,૮૦૦ યુઆન (૧૨,૫૧૯ પાઉન્ડ) ચુકવે તેને પ્રોત્સાહન અપાયું હતું. ફાર ઈસ્ટમાં કેમરન નખશીખ ઈંગ્લિશ જેન્ટલમેન અને સફળ રાજકારણી ગણાય છે. સોશિયલ મીડિયામાં આ કાર્યક્રમની જાહેરાત કરાઈ હતી અને મર્યાદિત બેઠકો તેમજ આમંત્રિત મહાનુભાવોને મળવાની મોટી તક હોવાથી તેનો વેળાસર લાભ લેવા જણાવાયું હતું. ગત નવેમ્બરમાં શાંઘાઈમાં યોજાયેલા વિક્ટોરિયાઝ સીક્રેટ વાર્ષિક શોની સરખામણીએ પૂર્વ વડા પ્રધાન સાથે મુલાકાતની કિંમત ઘણી સસ્તી હોવાનો દાવો પણ પ્રચારમાં કરાયો હતો.
કેમરન ચીન અને તેના વેપારી પાર્ટનર્સ વચ્ચે બંદરો, માર્ગો અને રેલ નેટવર્ક્સ સુધારવા માટેના ભંડોળના વાઈસ ચેરમેન છે. કેમરને ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે બીજિંગમાં ભોજન માણ્યું હતું અને યુકે-ચીનના સુવર્ણયુગ સંબંધો તથા યુકે-ચાઈના ફંડ વિશે ચર્ચા પણ કરી હતી. ચાન્સેલર ફિલિપ હેમન્ડે ચીનની વેપાર મુલાકાત લીધી ત્યારે શ્રેણીબદ્ધ સમજૂતીઓ થઈ હતી, જેમાં યુકે-ચાઈના ફંડ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.