લંડનઃ કન્ઝર્વેટિવ સાંસદ તરીકે ૧૫ વર્ષ વિતાવ્યા પછી ડેવિડ કેમરને રાજીનામું આપીને ઘણાને આશ્ચર્યચક્તિ કરી દીધા છે. તેમણે કહ્યું હતું કે, કન્ઝર્વેટિવ બેકબેન્ચિસ થેરેસા મે માટે ખલેલરૂપ બનવા માગતા ન હોવાથી આ રાજીનામું આપ્યું છે. થેરેસા મેએ તેમના સાથીઓને દૂર કર્યા અને ચાવીરૂપ નીતિઓને અભેરાઈએ ચડાવી દેતા જોયા પછી તેમણે આ નિર્ણય લીધો હોવાનો કહેવાય છે. અફવા તો એવી ચાલે છે કે, વડા પ્રધાન તરીકે હોદ્દો સંભાળ્યાં પછી થેરેસા મેએ કેમરન સાથે વાત પણ કરી નથી. જોકે, તેમણે થેરેસાને એમ કહેવા ફોન કર્યો હતો કે તેઓ બેકબેન્ચર તરીકે વધુ સમય કામ કરી શકે તેમ નથી.
૪૯ વર્ષના પૂર્વ વડા પ્રધાને યુકેએ ઈયુ છોડવાનો નિર્ણય લીધો તે પછી શરૂઆતમાં એમ કહ્યું હતું કે, તેઓ સાંસદ તરીકે રહેવા માંગે છે. પરંતુ સોમવારે તેમણે તેઓ બ્રેક્ઝિટ પછી તેમના અનુગામીને લેવાના મહત્ત્વના નિર્ણયોમાં ખલેલરૂપ બની રહેશે તેમ કહી પોતાનો વિચાર ફેરવી નાંખ્યો હતો.
વિટની (ઓક્સફર્ડશાયર)ના સાંસદ તરીકે તત્કાળ અસરથી રાજીનામું આપવાના કેમરનના નિર્ણયથી તેમના મતવિસ્તારમાં પેટાચૂંટણી યોજવી પડશે આ નિર્ણયે સમગ્ર વેસ્ટમિન્સ્ટરને આશ્ચર્યચક્તિ કરી દીધું હતું. ધ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર આ તેમના અનુગામીને એક ચેતવણી છે. મિત્રોએ એમ કહ્યું છે કે કેમરન તેમની શૈક્ષણિક નીતિનો અને ખાસ કરીને ફ્રી સ્કૂલ્સ પ્રોગ્રામનો પાર્લામેન્ટની બહાર રહી બચાવ કરશે.
જોકે, શ્રીમતી મે અને તેમની મજબૂત નેતાગીરીને ભવિષ્યમાં સંપૂર્ણ સમર્થનના ઈરાદા સાથે તેમણે ગ્રામર સ્કૂલ ફરી દાખલ કરવાના વર્તમાન વડા પ્રધાનના નિર્ણયે કોઈ અસર પાડી હોવાનો ઈન્કાર કર્યો છે. જોકે, એમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાના મત વ્યક્ત કરવાની આઝાદી ઈચ્છે છે. શ્રીમતી મેએ કથિતરૂપે કેમરન જેવા ‘પૂર્વ એટોનિયન્સ’થી પોતાને અળગા રાખી વિશેષાધિકાર વાળાઓના યુગનો અંત લાવવાની ખાતરી આપી છે.
એમ મનાય છે કે, કેમરને આ નિર્ણય લેતાં પહેલાં પૂર્વ ટોરી પ્રાઈમ મિનિસ્ટર સર જ્હોન મેજર તથા અન્યો સાથે પરામર્શ પણ કર્યો હતો. તેઓ હવે ૨૦૧૭માં પ્રકાશિત કરવા માટેના સંસ્મરણો પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને કદાચ થોડા નાણા ઊભા કરવા (જોકે, તે ટોની બ્લેર દ્વારા એકત્ર કરાયેલા ૮૦ મિલિયન પાઉન્ડથી વધુ જેટલાં નહીં હોય) લેક્ચર સર્કિટમાં પણ જોડાશે.
તેઓ જાહેર જીવનમાં રહેવાની યોજના ધરાવે છે ત્યારે ફ્રી સ્કૂલ્સ ઉપરાંત, કદાચ આંતરરાષ્ટ્રીય સહાય અને ભ્રષ્ટાચારનો સામનો કરવાના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે પોતાના મિત્રોને એમ કહ્યાનું મનાય છે કે તેઓ બેકબેન્ચ પર રહીને માર્ગારેટ થેચરની સતત ટીકા કરતા સર એડવર્ડ હીથ અથવા ડાઉનિંગ સ્ટ્રીટ છોડ્યા પછી લેબર સાંસદ ટોની બ્લેરનું ઉદાહરણ અનુસરવા ટાળતા હતા.
ભારતીયોએ તો મિત્ર ગુમાવ્યો
બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટી એ વાતનો ઈન્કાર તો કરી શકે તેમ નથી કે વર્ષો સુધી લેબર પાર્ટીના સમર્થક રહ્યા પછી કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપવા તેમને આકર્ષનારા અને તેમનો ટેકો મેળવનારા કેમરન જ હતા. પ્રથમ પેઢીના બ્રિટિશ ઈન્ડિયનોએ પણ તેમને જીતવાના ડેવિડ કેમરનના મક્કમ નિર્ધારને નિહાળ્યો છે અને ‘ગુજરાત સમાચાર - એશિયન વોઈસ’ સાથે ૨૦૧૫ની સામાન્ય ચૂંટણી પહેલાંના એક્સક્લુઝીવ ઈન્ટરવ્યુમાં કેમરને રમૂજમાં પોતાને ‘બ્રિટનના પ્રથમ એશિયન પ્રાઈમ મિનિસ્ટર’ ગણાવ્યા હતા.
તેમણે સમગ્ર દેશમાં મંદિરો અને કોમ્યુનિટી સેન્ટર્સની નિયમિત મુલાકાતો લીધી હતી. તેમણે ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળી અને વૈશાખીના વાર્ષિક ઉત્સવોની ઊજવણી દાખલ કરી હતી જેમાં કોમ્યુનિટીના નેતાઓ હાજર રહેતા હતા અને ૨૦૧૦માં તેમણે વેમ્બલી એરિનામાં મોરારિ બાપુની રામકથામાં પણ હાજરી આપી હતી. તેમણે સુંદર લાલ સાડીમાં સજ્જ પત્ની સામન્થા સાથે દિવાળીમાં સ્વામિનારાયણ મંદિરની મુલાકાત પણ લીધી હતી.
કેમરને ભારત સાથે સંબંધોના નિર્માણ પર વિશેષ ભાર મૂક્યો હતો અને તેમાં મોટી ભૂમિકા ભજવવા બ્રિટિશ ઈન્ડિયન ડાયસ્પોરાને જણાવ્યું હતું. આના પરિણામે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાની સ્થાપના થઈ હતી. તેમની મુદ્દત દરમિયાન જ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુકેની મુલાકાત લીધી હતી અને વેસ્ટમિનસ્ટર સ્કવેરમાં મહાત્મા ગાંધીની નવી પ્રતિમાનું સ્થાપન કરાયું હતું. કેમરને જ ભારત અને ભારતીયો સાથેના સંબંધો વિક્સે તેની ચોક્સાઈ માટે સાંસદ પ્રીતિ પટેલને સૌ પ્રથમ ઈન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન તરીકે નિયુક્ત કર્યા હતા. તેમણે ભારતની ૩ સત્તાવાર મુલાકાત (જુલાઈ - ૨૦૧૦, ફેબ્રુઆરી - ૨૦૧૩, અને નવેમ્બર - ૨૦૧૩) લીધી હતી, જે યુકેના અન્ય કોઈપણ વડા પ્રધાનની સરખામણીએ વધુ હતી.