લંડનઃ વર્લ્ડ કેમલ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ જીતી ગયેલો ૨૦ વર્ષીય બ્રિટિશર કાસિમ હુસૈન એનિમલ રાઈટ્સના વિવાદમાં સપડાયો હતો. ‘પેટા’ દ્વારા આ સ્પર્ધાને ‘ક્રૂરતાપૂર્ણ’ ગણાવાઈ હતી. વેસ્ટ યોર્કશાયરના બ્રેડફોર્ડનો કાસિમ હુસૈન વાર્ષિક સ્પર્ધામાં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયો હતો. આ સ્પર્ધામાં ઊંટની તાકાત જોવાં માટે તે બેઠું હોય ત્યારે તેની પીઠ પર વજનદાર પત્થરો મૂકવામાં આવે છે અને પછી તેને ઉભું કરાય છે.
હુસૈનનું ચાર વર્ષીય ઊંટ શીઝદા રથ્રીલા તેની પીઠ પર થેલામાં ૧,૮૦૦ કિલો વજનના પથ્થરો મૂકાયા છતાં, જાતે ઉભું થઈ ૨૦,૦૦૦ પ્રેક્ષકોની સામે વજન સાથે ચાલ્યું હતું. વિજય મેળવવા છતાં હુસૈન આ સ્પર્ધાને પ્રાણીઓ સાથે દુર્વ્યવહાર ગણાવનારા એનિમલ રાઈટ્સ ગ્રૂપ ‘પેટા’ની આકરી ટીકાનો ભોગ બન્યો હતો.
હુસૈને જણાવ્યું હતું, ‘૨૦ લોકોની ટીમ આ ઊંટોની સારસંભાળ રાખે છે. આપણે પણ સતત ઊંટની સાથે રહેવું પડે છે. કેટલીક વખત તો ઊંટને કંઈ થાય નહિ તેની તકેદારી રાખવા તેના રૂમમાં તેની પાસે જ સૂઈ જવું પડે છે.’
હુસૈને ઉમેર્યું હતું કે ઊંટોને દરરોજ પૂરતા પ્રમાણમાં એટલે કે સામાન્ય વજનની ત્રણ ગાયને જે ખોરાક અપાય તેટલો ખોરાક અપાય છે. ઊંટોને દરરોજ એક કલાક સુધી ચલાવવામાં આવે છે. તેણે કહ્યું હતું કે આ ખરાબ અનુભવ થવા છતાં તે ૨૦૨૦માં ફરીથી આ સ્પર્ધામાં ભાગ લેશે.