અબુજાઃ કન્ઝર્વેટિવ લીડર કેમી બેડનોકે તેનો જ્યાં ઉછેર થયો છે તે નાઈજિરિયાની ટીકા કરવાથી નાઈજિરિયન વાઈસ પ્રેસિડેન્ટ કાશિમ શેટ્ટિમા ભારે નારાજ થયા હતા. માઈગ્રેશન વિશે ભાષણ કરતા તેમણે કહ્યું હતું કે બેડનોક તેમના મૂળ દેશનું ભારે નીચાજોણું કરી રહેલ છે.
તેમણે અન્ય દેશોમાં સ્થળાંતર કરી ગયેલા પ્રભાવશાળી લોકોની યાદી દર્શાવતા પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેજસ્વી યુવાન સુનાકે કદી તેમના પૂર્વજોના દેશનું નીચાજોણું કર્યું નથી. નાઈજિરિયન સરકારે બેડનોક સામે તેમના મૂળ દેશનું ખરાબ બોલવા વિશે આક્ષેપ લગાવ્યો હતો. જોકે,કાશિમ શેટ્ટિમાએ કહ્યું હતું કે પોતાના મૂળ દેશને કલંકિત કર્યો હોવાં છતાં અમે બ્રિટિશ કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર કેમી બેડનોક માટે ગર્વ અનુભવીએ છીએ. તેમને પોતાનો મત દર્શાવવાનો અધિકાર છે. તેઓ પોતાના નામમાંથી કેમી હટાવી શકે છે પરંતુ, ધરતી પર સૌથી મહાન અશ્વેત દેશ નાઈજિરિયા હોવાની હકીકત બદલાશે નહિ.’
નાઈજિરિયામાં ઉછરેલાં કેમી બેડનોકે વારંવાર કહ્યું છે કે નાઈજિરિયા ભ્રષ્ટ દેશછે. તેમણે દેશમાં સમાજવાદની અસર વિશે પણ ટીકા કરેલી છે. બેડનોકના માતાપિતા નાઈજિરિયન છે.