લંડનઃ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીએ તેના ઈતિહાસમાં ગુલામોનો વેપાર ફળ્યો હોવાનું સ્વીકારવા સાથે અશ્વેત વિદ્યાર્થીઓને સ્કોલરશિપ્સ વધારવા અને આ ખતરનાક વેપાર બાબતે સંશોધનનું ફંડ વધારવાની જાહેરાત કરી છે. આ ઈન્ક્વાયરીના પગલે યુનિવર્સિટી હવે નવી સ્ટ્રીટ્સ અને બિલ્ડિંગ્સના નામ અશ્વેત ગ્રેજ્યુએટ્સ પરથી આપશે. યુનિવર્સિટીએ ત્રણ વર્ષ અગાઉ ગુલામીથી પ્રાપ્ત લાભ મુદ્દે તપાસ કમિશનની રચના કરી હતી.
બેન્ક ઓફ ઈંગ્લેન્ડથી માંડી ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓએ બ્રિટનની સમૃદ્ધિ અને ખુદ તેઓને ગુલામીના અન્યાયપૂર્ણ વેપારમાંથી થયેલા લાભમાં ગુલામીની ક્રેન્દ્રીય ભૂમિકાનું પુનઃમૂલ્યાંકન કરી રહી છે. તેમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પણ સમાવેશ થયો છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે તેણે રચેલા તપાસ કમિશનને યુનિવર્સિટીએ કદી ગુલામોની અથવા પ્લાન્ટેશન્સની પ્રત્યક્ષ માલિકી ધરાવી હોય તેના પુરાવા મળ્યા નથી. આમ છતાં, ગુલામીમાંથી તેને નોંધપાત્ર લાભ મળ્યો હતો. તપાસ કમિશનના તારણો અનુસાર યુનિવર્સિટીના દાનવીરોએ ગુલામોના વેપારમાંથી ભારે કમાણી કરી હતી, ગુલામી સાથે સંકળાયેલી કંપનીઓમાં યુનિવર્સિટીએ ઈન્વેસ્ટમેન્ટ્સ કર્યા હતા અને પ્લાન્ટેશન્સની માલિકી ધરાવતા પરિવારો પાસેથી તગડી ફી મેળવી હતી.
યુનિવર્સિટી કોલેજીસના ફેલોઝ ગુલામોના વેપારમાં સંડોવાયેલી ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે સંકળાયેલા હતા તેમજ રોયલ આફ્રિકન કંપનીના રોકાણકારો પણ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હતા. યુનિવર્સિટીએ આ બંને કંપનીના રોકાણકારો પાસેથી ડોનેશન્સ મેળવ્યા હતા તેમજ ગુલામોના વેપારમાં સક્રિય સાઉથ સી કંપનીમાં સીધાં રોકાણો પણ કર્યા હતા. ગુલામીમાં સંડોવણીના ઉલ્લેખ વિના જ ઘણા લોકોને યુનિવર્સિટીમાં સન્માન અપાયું છે અને તેમની પ્રતિમા પણ સ્થપાઈ છે.