લંડન, કમ્પાલાઃ કેમ્બ્રિજ યુનિવર્સિટીએ યુગાન્ડાના આદિવાસી હસ્ત કૌશલ્યની 39 કલાકૃતિઓ દાયકાઓ પછી શનિવાર 8 જૂને લોન સ્વરૂપે પરત મોકલ્યા છે. આ કલાકૃતિઓનો સંગ્રહ કેમ્બ્રિજ ખાતે મ્યુઝિયમ ઓફ આર્કિઓલોજી એન્ડ એન્થ્રોપોલોજીની માલિકીનો છે અને શરૂઆતના ત્રણિ વર્ષના ગાળા માટે યુગાન્ડાને તેની લોન અપાઈ છે. કમ્પાલાસ્થિત યુગાન્ડા મ્યુઝિયમ આગામી વર્ષે હંગામી પ્રદર્શનમાં આ કૃતિઓ મૂકે તેવી શક્યતા છે.
મ્યુઝિયમ ઓફ આર્કિઓલોજી એન્ડ એન્થ્રોપોલોજીના સીનિયર ક્યુરેટર માર્ક ઈલિયટે જણાવ્યું હતું કે આ કલાકૃતિઓ મૂળ જ્યાંની છે તે કોમ્યુનિટીઓને પરત મોકલવા વિશે વિશે મ્યુઝિયમથી મ્યુઝિયમ વચ્ચે વર્ષોથી વાતચીત ચાલી રહી હતી. કેમ્બ્રિજ સદીઓથી યુગાન્ડાની આશરે 1,500 માનવવંશીય કલાકૃતિઓની માલિકી ધરાવે છે તેમાંથી યુગાન્ડાના ક્યુરેટર્સ દ્વારા નાનકડા હિસ્સાની પસંદગી કરવામાં આવી હતી. ક્રેમ્બ્રિજને મોટા ભાગની કલાકૃતિ ખાનગી સંગ્રહમાંથી દાન તરીકે મળી છે જ્યારે કેટલીક આઈટમ્સ 1890 અને 20મી સદીના પ્રારંભકાળમાં યુગાન્ડામાં સક્રિય એન્ગ્લિકન મિશનરી દ્વારા અપાયેલી છે.
કેમ્બ્રિજ સાથે યુગાન્ડાની સમજૂતી ફરીથી આગળ વધારી શકાય છે જેમાં કાયમી લોન તેમજ આગળ જતાં સ્થાનિક માલિકી વિશે પણ વિચારાશે તેમ યુગાન્ડા સરકારના મ્યુઝિયમ્સ અને મોન્યુમેન્ટ્સ કમિશનરે જણાવ્યું હતું. યુગાન્ડાએ 1962માં યુકેથી આઝાદી પ્રાપ્ત કરી હતી અને 39 કલાકૃતિ પરત મેળવવામાં 60 વર્ષથી વધુ સમય લાગ્યો છે.