લંડનઃ ઈજિપ્તમાં એરપોર્ટ સિક્યુરિટી ગાર્ડને પીઠ પર ધબ્બો માર્યા બાદ સાઉથ લંડનના સટનમાં રહેતા ૫૧ વર્ષીય બ્રિટિશર ટોની કેમોશિયો પર જાતીય હુમલાનો આરોપ લગાવીને તેમને અટકમાં લેવાયા હોવાનો તેમના પરિવારજનોએ દાવો કર્યો હતો.
પોલીસે આઠ ફેબ્રુઆરીએ હરઘાડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ધરપકડ કરી હતી અને પાછળથી તેમના પર અધિકારી પર હુમલો કરવાનો આરોપ મૂકાયો હતો. તેઓ ૧૮ બ્રિટિશરોના ગ્રૂપ સાથે દસ દિવસથી ઈજિપ્તમાં હતા. તેઓ બ્રિટન પરત ફરવા માટે એરપોર્ટ પહોંચ્યા ત્યારે આ બનાવ બન્યો હતો. તેઓ સિક્યુરિટી વટાવીને આગળ વધ્યા હતા ત્યારે એક ગાર્ડે ત્યાંની પ્રણાલી મુજબ તેમને ધબ્બો માર્યો હતો. કેમોશિયોએ આભાર વ્યક્ત કરવા માટે તેને વળતો ધબ્બો માર્યો હતો. તેમના મૈત્રીપૂર્ણ વર્તન સામે એરપોર્ટ અધિકારીએ વાંધો ઉઠાવ્યો હતો અને પોલીસે તેમને જેલના સેલમાં પૂરી દીધા હતા.