મુંબઈઃ વર્ષ ૨૦૧૮ શરૂ જ થયું છે ત્યાં ભારતમાં એક મોટો વિમાન અકસ્માત થતાં બચી ગયો હતો. લંડનથી મુંબઈ આવી રહેલી જેટ એરવેઝની ફ્લાઈટમાં પાઈલટ વચ્ચે કોકપિટમાં જ મારપિટ શરૂ થઈ ગઈ હતી અને બંને વચ્ચેનું ઘમસાણ એ હદે વધી ગયું હતું કે, તેમાં સવાર ૩૦૦થી વધુ મુસાફરોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. નવાઈની વાત એ હતી કે, પાઈલટ્સ પતિ-પત્ની હતા અને કોકપિટમાં ફ્લાય દરમિયાન જ બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેઓ થપ્પડબાજી ઉપર પણ ઉતરી આવ્યા હતા. જેટ એરવેઝની ફ્લાઈટ ૯W ૧૧૯ મુંબઈ આવવા માટે લંડનથી ઉડી હતી. ફ્લાઈટ હવામાં હતી જ્યારે પાઈલટ અને કો.પાઈલટ વચ્ચે ઝઘડો થયો હતો. આ ફ્લાઈટના પાઈલટ અને કો. પાઈલટ પતિ-પત્ની હતા. આ દરમિયાન બંને વચ્ચે મારપીટ પણ થઈ હતી. મારપીટના કારણે રોષે ભરાયેલી પત્ની કોકપિટમાંથી બહાર આવી ગઈ હતી. તેના કારણે પ્લેનમાં સવાર મુસાફરોમાં ભય ફેલાઈ ગયો હતો. બંને વચ્ચે પડયા અને અન્ય ક્રૂ મેમ્બર્સ દ્વારા સમજાવટ કરવામાં આવી અને મહિલા પાઈલટ કોકપિટમાં પાછી ગઈ હતી. આ ઘટના એ હદે જોખમી થઈ ગઈ હતી કે, મોટી દુર્ઘટના થવાના પૂરા અણસાર હતા.