લંડનઃ હાઈ સ્ટ્રીટ કાફેઝના ગરમ પીણાં, હોટ ચોકોલેટ્સ અને ફ્લેવર્ડ કોફીમાં ભારે જોખમી પ્રમાણમાં ખાંડ અને કેલોરીઝ હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. સ્ટારબક્સના એક પીણાંમાં ખાંડનું પ્રમાણ ૨૫ ટીસ્પૂન હોવાનું જાણવા મળ્યું હતું. ત્રીજા ભાગના પીણામાં કોકા કોલાની સમાન અથવા તેનાથી વધુ ખાંડનું પ્રમાણ જણાયું હતું. કોકા કોલાના એક કેનમાં નવ ટીસ્પૂન ખાંડ હોય છે.
એક્શન ઓન સુગર ચેરિટીએ ૧૩૧ ગરમ ફ્લેવર્ડ પીણાંનું વિશ્લેષણ કર્યું હતું અને પરીક્ષણ હેઠળના ૯૮ ટકા ડ્રિન્ક્સને તેના ઊંચા સુગર પ્રમાણ અંગે લાલ પોષણ મૂલ્ય લેબલ અપાય તેમ છે. મોટા ભાગના ગરમ પીણાં અને કોફીમાં ૧૨થી ૨૫ ટીસ્પૂન ખાંડનું પ્રમાણ હતું. ચેરિટીએ કહ્યું હતું કે આપણા આહાર અને ડ્રિન્ક્સમાં આટલા ભારે પ્રમાણમાં ખાંડ જોવા મળતું હોય તો સમગ્ર યુરોપમાં ઓબેસિટીનો સર્વોચ્ચ દર હોય તેમાં કોઈ નવાઈ નથી. પરીક્ષણમાં સ્ટારબક્સ, કોસ્ટા કોફી, કાફે નીરો, કેએફસીના વિવિધ પીણાંને આવરી લેવાયાં હતા.