લંડનઃ યુકે બ્રેક્ઝિટ પછી નવા વેપારી સંબંધો બાંધવા સજ્જ થઈ રહ્યું છે ત્યારે ક્વીન એલિઝાબેથ દ્વિતીય ૫૦થી વધુ કોમનવેલ્થ દેશોના નેતાઓ માટે બકિંગહામ પેલેસ અને વિન્ડસર કેસલના દ્વાર ખુલ્લાં કરી રહ્યાં છે. આગામી વર્ષે ઉનાળામાં કોમનવેલ્થ દેશોના વડા પ્રધાનો અને પ્રમુખો શાહી નિવાસોમાં બેઠકો માટે એકત્ર થવાના છે. કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મીટિંગ (ચોગમ) માટે સ્થળોની યાદીમાં પહેલી વખત શાહી નિવાસોનો સમાવેશ કરાયો છે. કોમનવેલ્થ ઘણી ઝડપથી અર્થતંત્રના કદના ધોરણે ઈયુને પાછળ રાખી દેશે તેવા ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સનના નિર્દેશની સાથોસાથ આ સમિટની જાહેરાત કરાઈ છે.
બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે ‘કોમનવેલ્થ સાથે સારી વેપાર સમજૂતીઓ હાંસલ કરવાનું અને ઈયુની બહાર યુકે કેવી રીતે અસ્તિત્વ જાળવી શકશે તેનું મહત્ત્વ આનાથી જોવા મળે છે. ‘યુકે છેક ૧૯૭૩માં કોમન માર્કેટમાં જોડાયું ત્યારે ૨૮ દેશોનો આ સમૂહ ગ્લોબલ જીડીપીના ૩૮ ટકા ધરાવતો હતો અને કોમનવેલ્થ ત્યારે આનો પણ ચોથો હિસ્સો ધરાવતું ગ્રૂપ હતું. વર્તમાનમાં ઈયુ અને કોમનવેલ્થ જીડીપી આઉટપૂટની દૃષ્ટિએ લગભગ સરખાં છે અને કોમનવેલ્થ ભારે ગતિએ આગળ વધી રહ્યું છે. આપણા માટે ઈયુનું તો મહત્ત્વ છે અને આપણા રોકાણો અને વેપાર માટે તે મહત્ત્વપૂર્ણ રહેશે પરંતુ, કોમનવેલ્થ સાથે સમજૂતીઓની તક પણ આપણી પાસે છે.’
ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂ ઝીલેન્ડના સ્થાપિત અર્થતંત્રો તેમજ ભારત, મલેશિયા અને સાઉથ આફ્રિકાના ઉભરતાં બજારો સહિત બાવન દેશનું કોમનવેલ્થ નેટવર્ક કુલ ૨.૪ બિલિયન વસ્તી ધરાવે છે. સમગ્ર કોમનવેલ્થ વચ્ચે ૨૦૨૦ સુધીમાં એક ટ્રિલિયન ડોલર એટલે કે ૮૨૧ બિલિયન પાઉન્ડનો વેપાર થવાનો અંદાજ મંડાયો છે.
ચોગમ સમિટની તૈયારીઓ માટે ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન અને હોમ સેક્રેટરી અમ્બર રડના વડપણ હેઠળ મિનિસ્ટરોના નવા જૂથની રચના પણ કરાઈ છે. આ જ રીતે, કેબિનેટ ઓફિસનું ગ્રૂપ અન્ય દેશો સાથે લાયેઝનની કામગીરી બજાવશે.