લંડનઃ 56 દેશોના કોમનવેલ્થ સંગઠનના સેક્રેટરી જનરલ પેટ્રિસિયા સ્કોટલેન્ડે જણાવ્યું હતું કે, કોમનવેલ્થ માટે ભારતની ટેકનિકલ સહાય અત્યંત મહત્વની છે. ભારતની ટેકનિકલ સહાય વિકાસના પડકારોનો સામનો કરવામાં વિકાસશીલ દેશો માટે મોટી આશા સમાન છે કારણ કે ભારત આ પ્રકારના પડકારોનો સફળતાપુર્વક સામનો કરી ચૂક્યો છે.
લંડનમાં કોમનવેલ્થ દેશોના એજ્યુકેશન મિનિસ્ટરોની 22મી કોન્ફરન્સમાં સ્કોટલેન્ડે કોમનવેલ્થ દેશોને ટેકનોલોજીકલ વિકાસમાં મદદ કરવાની ભારતની ઇચ્છાને બિરદાવી હતી. તેમણે કોમનવેલ્થના શૈક્ષણિક લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કોમનવેલ્થ દેશોના શિક્ષણ મંત્રીઓને શિક્ષણ પ્રાપ્તિ આડેના અવરોધો નાબૂદ કરવામાં મદદ માટે અપીલ કરી હતી.
સ્કોટલેન્ડે જણાવ્યું હતું કે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે ટેકનિકલ વિકાસને કોમનવેલ્થ પરિવાર સાથે વહેંચવા માગે છે. ઘણા વિકાસશીલ દેશો માટે આ એક મોટી આશા સમાન છે. આ માટે હું ભારત સરકારનો આભાર વ્યક્ત કરવા માગુ છું. મને વિશ્વાસ છે કે આપણે ભારત દ્વારા અપાતા આર્થિક અને અન્ય યોગદાન પર આધાર રાખી શકીશું. મને આશા છે કે ભારત કોમનવેલ્થના કાર્યક્રમોને નોંધપાત્ર સહકાર આપતો રહેશે.