એડિનબરાઃ કોમનવેલ્થ સમિટ માટે કોઈ તારીખ નિશ્ચિત કરાઈ નથી તે છતાં કેન્યાના સંરક્ષણ પ્રધાન મોનિકા જુમાનું ૩૧ ઓગસ્ટે થયેલું નોમિનેશન આશ્ચર્ય પમાડે તેવું છે. કોમનવેલ્થના સેક્રેટરી જનરલ અને લાંબા સમયથી કન્ઝર્વેટિવ સરકારના લક્ષ્ય રહેલા લેડી સ્કોટલેન્ડ સમક્ષ મોનિકા જુમા તરફથી પડકાર ઉભો થયો છે. જુમાને કેન્યાના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાનું સમર્થન છે. કેન્યાટાએ જુમાના રાજદ્વારી અનુભવની પ્રશંસા કરી હતી અને આગાહી વ્યક્ત કરી હતી કે તે સર્વસંમત ઉમેદવાર બનશે. આ હોદ્દા માટે વહેલામાં વહેલા ઓક્ટોબરમાં અથવા આગામી માર્ચમાં મતદાન યોજાઈ શકે તેવું કેન્યાનું માનવું છે.
મેફેરમાં લેડી સ્કોટલેન્ડે ૩૩૮,૦૦૦ પાઉન્ડના ખર્ચે તેમના એપાર્ટમેન્ટના કરાવેલા નવીનીકરણ સહિત ઓફિસમાં ખર્ચ અને તેમના નેતૃત્વની પદ્ધતિમાં સરકારે વિશ્વાસ ગુમાવ્યો હોવાનું બ્રિટિશ ફોરેન ઓફિસ દ્વારા કહેવાય છે.
જુમાએ જણાવ્યું કે તેઓ દ્રઢપણે માને છે કે જાહેરસેવાના સફળ રેકર્ડ અને પ્રતિબદ્ધતા સાથે તેઓ દૂરંદેશી, વ્યૂહાત્મક અને ઈનોવેટિવ નેતા છે. તેમણે સરકારી સેવામાં અને પ્રાઈવેટ સંસ્થાઓમાં સંશોધનમાં અને નીતિ સંસ્થાઓમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે એકતા સાધી છે.
સ્કોટલેન્ડ QC ગોર્ડન બ્રાઉનની લેબર સરકાર હેઠળ પ્રથમ મહિલા એટર્ની જનરલ બન્યા હતા. તેઓ છઠ્ઠા કોમનવેલ્થ સેક્રેટરી જનરલ છે અને ઍ એપ્રિલ, ૨૦૧૬થી હોદ્દા પર છે.