કોરોના કાળમાં શબ્દો પણ ભયભીત

Saturday 05th December 2020 07:06 EST
 
 

લંડનઃ કોરોના મહામારીએ તબીબી નિષ્ણાતોથી માંડીને આમ આદમીને મૂંઝવી નાંખ્યા છે એવું નથી, તેણે જગવિખ્યાત ઓક્સફર્ડ ડિક્શનરીના સંચાલકોને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે. આ ડિક્શનરી મહામારીના અસ્થિરતાભર્યા કોરોના વર્ષમાં ‘વર્ડ ઓફ ધી યર’ની પસંદગી કરી શકી નથી. તેણે બેમિસાલ ૧૨ મહિના ગણાવતા ‘વર્ડ ઓફ ધી યર’ને બદલે ચાલુ વર્ષે એકથી વધુ શબ્દોની યાદી જારી કરી છે.
ઓક્સફર્ડ ડિક્શનરી પ્રકાશિત કરનાર કંપની ઓક્સફર્ડ લેંગ્વેજીસે સ્વીકાર્યું છે કે મહામારીએ અંગ્રેજી ભાષા પર તાબડતોબ અને વ્યાપક અસર કરી છે. પ્રેસિડેન્ટ કાસ્પર ગ્રેથવ્લોલ કહે છે કે અમે ભાષાની દૃષ્ટિએ આવું કપરું વર્ષ ક્યારેય જોયું નથી. દર વર્ષે અમારી ટીમ સેંકડો નવા શબ્દો અને તેના પ્રયોગો ઓળખી કાઢે છે, પણ ૨૦૨૦એ અમને નિ:શબ્દ કરી દીધા છે. તેમાં એટલા બધા નવા શબ્દો આવી ગયા કે પસંદગી કરવી મુશ્કેલ થઈ ગઈ છે.
ખરેખર ઓક્સફર્ડ લેંગ્વેજીસ દર વર્ષે અંગ્રેજી ભાષાનો એવો શબ્દ પસંદ કરે છે જેનો ઉપયોગ દુનિયાભરમાં વ્યાપક રીતે વધ્યો હોય. ઓક્સફર્ડના ૧૧૦૦ કરોડ શબ્દસંગ્રહમાંથી આ શબ્દ પસંદ કરાય છે. અત્યાર સુધી સેલ્ફી, વેપ અને અનફ્રેન્ડ, ટોક્સિક શબ્દની પસંદગી કરાઈ છે. ગત વર્ષે ક્લાઈમેટ ઈમરજન્સી શબ્દ હતો, પણ ૨૦૨૦માં કંપની એકેય શબ્દ પસંદ ન કરી શકી.
હેડ ઓફ પ્રોડક્ટ કેથરીન કોન્નોર માર્ટિન કહે છે કે ચાલુ વર્ષે ‘પેન્ડેમિક’ શબ્દનો ઉપયોગ ૫૭,૦૦૦ ટકા વધી ગયો. ‘કોરોના વાઇરસ’ શબ્દ સૌથી પહેલાં ૧૯૬૮માં વપરાયો હતો અને મેડિકલ સંદર્ભથી બહાર ખૂબ જ ઓછો વપરાયો હતો, પણ ચાલુ વર્ષે તેનો ઉપયોગ વધી ગયો. એપ્રિલમાં તે સૌથી વધુ વપરાયેલા શબ્દ ‘ટાઈમ’થી પણ આગળ નીકળી ગયો.
જાન્યુઆરીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર મહાભિયોગના સમાચારને લીધે ‘ઈમ્પિચમેન્ટ’ શબ્દ પ્રચલિત હતો, પણ એપ્રિલ આવતાં-આવતાં ‘કોરોના વાઈરસ’ આગળ નીકળી ગયો. જ્યારે મેના અંતે ‘બ્લેક લાઈવ્સ મેટર’ જેવા શબ્દોનો પ્રયોગ વધી. તે સમયે ‘પેન્ડેમિક’ શબ્દોનો ઉપયોગ થઇ રહ્યો નહોતો. ગત વર્ષના ‘વર્ડ ઓફ ધી યર’ ક્લાઇમેટ ઇમરજન્સીનો ઉપયોગ મહામારી કરતાં જ ૫૦ ટકા સુધી ઘટી ગયો.
કેથરીન કહે છે કે મહામારીમાં ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ કે ફ્લેટન ધ કર્વ જેવા શબ્દો પણ ઘેર-ઘેર બોલાવા લાગ્યા. ‘લોકડાઉન’ અને ‘સ્ટે-એટ-હોમ’ જેવા વાક્યો ઉપયોગ વધ્યો. અગાઉ રિમોટ વિલેજ, આઇલેન્ડ અને કંટ્રોલ જેવા શબ્દો સાથે સંભળાતા હતા, પણ હવે લર્નિંગ, વર્કિંગ અને વર્કફોર્સ સાથે સંભળાય છે. આમ આ વર્ષે શબ્દો પણ ભયભીત રહ્યા છે.
જોકે તેમણે આશા વ્યક્ત કરી હતી કે ૨૦૨૧નું વર્ષ વધારે આનંદપૂર્ણ અને સકારાત્મક શબ્દો લાવશે.
ઓક્સફર્ડની યાદી પર કોરોના સંબંધિત જે શબ્દોનો પ્રભાવ રહ્યો તેમાં એન્ટિ-વેક્સર (વેક્સિનનો વિરોધી), એન્ટિ-માસ્કર(માસ્ક વિરોધી), એન્થ્રોપોઝ (ફરવા અંગે વૈશ્વિક પ્રતિબંધ), બીસી (બિફોર કોવિડ), બ્લેક લાઈવ્સ મેટર, બબલ, કોવિડિએટ (કોરોના ગાઈડલાઈન ન માનનાર), ફ્લેટન ધ કર્વ, ટ્વિન્ડેમિક(બે મહામારી એક સાથે ત્રાટકવી), અનમ્યૂટ (માઈક્રોફોન ઓન કરવું), વર્કેશન (રજાઓમાં કામ કરવું), ઝૂમબોમ્બિંગ (વિડીયો કોલમાં ઘૂસણખોરી કરવી) જેવા શબ્દો સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter