લંડનઃ કોરોના મહામારીને પાંચ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે. 8 ડિસેમ્બર 2019ના રોજ ચીનના વુહાનમાં કોવિડનો પહેલો કન્ફર્મ દર્દી નોંધાયો હતો. તેના લગભગ એક મહિના બાદ યુકેમાં યોર્ક ખાતે બે વ્યક્તિમાં કોરોના સંક્રમણ સામે આવ્યું હતું. 5 માર્ચ 2020ના રોજ 70 વર્ષીય મહિલા કોરોનાનો યુકેમાં પ્રથમ ભોગ બની હતી અને તેનું મોત નોંધાયું હતું.
ચીનથી શરૂ થયેલી આ મહામારીએ યુકેમાં પણ કાળો કેર વર્તાવ્યો હતો. યુકેમાં કોરોનાના 2,49,10,387 કેસ નોંધાયા હતા અને 2,32,112 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. 2,29,54,691 દર્દી કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થયાં હતાં. કોરોના મહામારીના કારણે યુકેમાં 23 માર્ચ 2020ના રોજ પ્રથમ લોકડાઉન જાહેર કરાયો હતો. 4 જુલાઇ 2020ના રોજ ઇંગ્લેન્ડમાં પબ, રેસ્ટોરન્ટ અને હેર ડ્રેસર્સ વગેરે ખોલવાની સાથે લોકડાઉનમાં છૂટછાટ અપાઇ હતી. જોકે ત્યારબાદ પણ સ્થિતિ નિયંત્રણમાં ન આવતાં 5 નવેમ્બર 2020ના રોજ દેશમાં બીજા લોકડાઉનની જાહેરાત કરાઇ હતી. જોકે શાળા, યુનિવર્સિટી અને નર્સરીને છૂટછાટ અપાઇ હતી. 02 ડિસેમ્બર 2020ના રોજ બીજા લોકડાઉનનો અંત આવ્યો હતો.
કોરોના મહામારી સામે બ્રિટને સાહસપૂર્ણ બાથ ભીડી હતી પરંતુ કોરોના મહામારી દરમિયાન ભણવા મળેલા વૈજ્ઞાનિક પાઠ આપણે વિસરી ગયાં છીએ. લેન્કેશાયર પબ્લિક હેલ્થ ડિરેક્ટર ડો. શક્તિ કરૂણાનિથી કહે છે કે મહામારીને પાંચ વર્ષ વીતી ગયાં છે પરંતુ આપણે આજે પણ વિદ્યાર્થીઓને થયેલા શિક્ષણના નુકસાન, આર્થિક અસુરક્ષા અને સામાજિક એકલવાયાપણાની કિંમત ચૂકવી રહ્યાં છીએ. આજે પણ આપણે લોકોના માનસિક આરોગ્યની અસરોનો સામનો કરી રહ્યાં છીએ.
કરૂણાનિથી કહે છે કે મહામારીએ આપણને જાહેર આરોગ્યના મહત્વ અંગે ઘણા પાઠ શીખવ્યાં હતાં પરંતુ આપણે તે માટે જરૂરી પગલાં લીધાં નથી.
ક્લિનિકલ ડિરેક્ટર ડો. નીરવ શાહ કહે છે કે કોરોના મહામારીએ દર્દીઓની સારવાર માટેની નવી પદ્ધતિઓ વિકસાવી છે. હોસ્પિટલો શીખી શકી છે કે મહામારીના સમયમાં કેવી રીતે સાથે મળીને કામ કરવું.