સુજ્ઞ વાંચક મિત્રો, ગત સપ્તાહે આપણે કોરોનામાં કોવીદ-૧૯નો ભોગ બનેલાઓની રાત'દિ જોયા વગર ખડે પગે સેવા બજાવતા મેડીકલ સ્ટાફ, કેરર્સ, સફાઇ કામદારો, ફાયર બ્રીગેડ, પોલીસ, એમ્બ્યુલન્સ સેવા આપતા કર્મનિષ્ઠ કર્મચારીઓ, દર્દીઓ, એકલા રહેતા વડિલો, અસહાય વ્યક્તિઓ, વિકલાંગો...વગેરેને ભોજન સહિતની અન્ય જીવન જરૂરિયાતની સામગ્રીઓ પૂરી પાડનાર અને આશ્વાસન તેમજ માર્ગદર્શન દ્વારા આ મહામારીમાં સપડાયેલાઓને સહાય કરનાર કેટલાક ઘર દીવડાંઓની વિગતો ગુજરાત સમાચારના પાન નં. ૧૪ ઉપર આપે વાંચી હશે. માનવતાના આ કાર્યો બ્રિટનભરમાં અનેક મહાનુભાવો અને અગણિત સંસ્થાઓ કરી રહેલ છે. અમે પ્રાપ્ય માહિતીના આધારે આપ સમક્ષ એ રજુ કરતા ગૌરવ અનુભવીએ છીએ.
• જલારામ ટીફીન સર્વિસ તરીકે સુવિખ્યાત કંપની જલારામ લંચ, ડીનર, કેટરીંગ સર્વિસીસે જુદી-જુદી ચેરીટીઓ અને ગૃપો સાથે હાથ મિલાવી હાલના મુશ્કેલીના સમયમાં વિકલાંગ, વડિલો, નિ:સહાયો, ગરીબી રેખા હેઠળ જીવતા લોકો અને જરૂરતમંદો ઉપરાંત ફ્રન્ટ લાઇન ગવર્મેન્ટ સર્વિસીસ જેવી કે, NHS સ્ટાફ, ફાયર સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, યુ.કે.માં ફસાયેલા ભારતીય પ્રવાસીઓ અને વિધ્યાર્થીઓ વગેરેને મદદ કરવાની યોજના વિશાળ પાયે શરૂ કરેલ છે.
શ્રી રીકુલભાઇ પટેલે જણાવ્યું કે, હાલ અમને ફીડ ધ વર્કર્સ ગૃપ, સેવા સિક્યોરિટી ગૃપ, (શ્રી મહેશ વરસાણી) અને ઇન્ડીયન લંડન્સ ઓન ઓરકૂટ (ફેસબુક ગૃપ) આદીએ આ સત્કાર્યમાં સહર્ષ સાથ આપ્યો છે. લાયન્સ ક્લબ ઓફ સડબરીના લાયન સભ્ય તરીકે મને સૌ લાયનોનું માર્ગદર્શન મળી રહ્યું છે.
બેગ્સ અને જરૂરી કેટલીક સામગ્રી મોરીશન્સ (ક્વીન્સબરી શાખા) તરફથી દાનમાં મળે છે.
અમે સરેરાશ રોજના ૨૦૦-૩૦૦ ભોજન NHS સપોર્ટીંગની ૩-૪ હોસ્પીટલોને સપ્લાય કરીએ છીએ.
હાલ હીથ્રો એરપોર્ટ નજીક ફસાયેલ ૧૪ ભારતીય નાગરિકો અને ૪૦ વિધ્યાર્થીઓ જે લોકડાઉનને કારણે તકલીફમાં મૂકાયા છે એમને પણ રોજ ભોજન સેવા પહોંચતી કરી રહ્યા છે.
સાઉથોલમાં ગુરૂદ્વારા તરફથી પણ ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવે છે પરંતુ એ વિસ્તારમાં રહેતા એક વડિલ ડિસેબલ અને લ્યુકેમિયાથી પીડાતાં, ગળેથી ખાવાનું ઉતારવામાં તકલીફવાળા નિ:સહાય શ્રીમતી ભટ્ટને ઢીલી ખીચડી, બાફેલા સ્મેશ કરેલા રસાદાર શાકની જરૂરિયાત હોવાની જાણ થતાં એમની જરૂરત મુજબનું ટીફીન તૈયાર કરવામાં અમને સેવાભાવીઓનો સહયોગ સાંપડ્યો. આવી ખાસ જરૂરિયાતવાળા અમારો સંપર્ક સાધશે તો એ કરવા અમે કોશીષ કરીશું. અમારી વોલંટીયરોની ટીમ સેવાભાવી છે જે ડીલીવરી માટે તૈયાર છે. સૌ સ્વયંસેવકોને ધન્યવાદ.
અમને પ્રાપ્ય માહિતી મુજબ ઇસ્ટ લંડનમાં સુવિખ્યાત જે.બી. ફુડ્સ તરફથી વિવિધ હોસ્પીટલોમાં મોટા પાયે ભોજન પહોંચાડવાની વ્યવસ્થાનું સુંદર, અનુમોદનીય કામ થઇ રહ્યું છે. એની વીડીયો પણ વાયરલ થઇ છે.
જે.બી. ફુડ્સના શ્રી ભાનુભાઇ એમની વોલંટીયર ટીમ સાથે બારનેટ હોસ્પીટલ, બેઝલ્ડન હોસ્પીટલ, સાઉથેન્ડ હોસ્પીટલ, વોટફર્ડ હોસ્પીટલ, વ્હીપક્રોસ યુનિવર્સીટી હોસ્પીટલ, ન્યુહામ જનરલ હોસ્પીટલ, સ્ટ્રેટફોર્ડ ફાયર સ્ટેશન, ફોરેસ્ટગેટ ફાયર સ્ટેશન, વિવધ ફાર્મસીઓ હોસ્પીસ વગેરે સ્થળોએ જઇ મોટા પાયે ભોજન પહોંચાડવાની સેવા આપી રહ્યા છે. એ સૌ સેવાભાવીઓને અભિનંદન.
• કાઉલી,અક્ષબ્રીજ ખાતે આવેલ આદ્યશક્તિ માતાજી મંદિરના શ્રી જશવંતભાઇ માઇચા ચાર પૂજારીઓની મદદથી લંડન બરો ઓફ હીલીંગબરો કાઉન્સિલની સ્થાનિક કોમ્યુનિટીમાં કોવીદ-૧૯નો ભોગ બનેલ જરૂરતમંદો, વિકલાંગો માટે શાકભાજી તથા ફળોના બોકસીસ બહાર રાખીએ છીએ અને બે કલાકમાં તો તમામ બોકસીસ ખાલી થઇ જાય છે. શ્રી જશવંતભાઇના જણાવ્યા મુજબ "આ સાથે અમે લગભગ હજારેક ફુડ પેકેટ્સનું વિતરણ પણ કર્યું છે. અમારૂં સેવા કાર્ય ચાલુ છે.”
• હેરો, લંડન સ્થિત શ્રીમતી નીતાબહેન અને એમના પતિ શ્રી શૈલેષભાઇ બારડ (એસ.કે.પટેલ)એ ૨૩ માર્ચ ૨૦૨૦થી સો જેટલા NHS કર્મચારી, ડોકટર્સ, નર્સો અને અન્ય સ્ટાફ, ફાયરબ્રિગેડના કર્મચારીઓ, ફાર્મસી તથા પોલીસો માટે અઠવાડિયામાં ત્રણ વખત તાજા ગરમ ભોજનના પાર્સલ બનાવીને યોગ્ય સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા આ દંપતિ અને પરિવારજનો કરી રહ્યા છે. નીતાબેન જણાવે છે કે, એમને આવી ઉત્તમ સેવા કરવાની પ્રેરણા સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા સેવા કાર્ય દ્વારા મળેલ છે. સેવા કરવાનો મોકો આપણે જવા ન દેવો જોઇએ એમ તેઓ માને છે.
• NHS ટ્રસ્ટને મેડીકલ સાધનો દા.ત. સ્ટાફ માટે રક્ષણાત્મક સંશાધન, દર્દીઓની સંભાળ માટે સ્પેશીયલાઇઝડ સાધનો, જેના માટે સેન્ટ્રલ ફંડીંગમાંથી સહાય નથી મળતી એ ખરીદવાની તાતી જરૂર છે. એ પ્રોજેક્ટ માટે ફંડ એકત્ર કરવા £૨૫,૦૦૦નું ટાર્ગેટ વૈષ્ણવ સંઘ યુ.કે.એ મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે લંડન નોર્થ વેસ્ટ યુનિવર્સિટી NHS ટ્રસ્ટની એકઝીક્યુટીવ ટીમ અને હેરોના મેયર કાઉન્સિલર શ્રી નીતિન પારેખના સહકારથી કર્યું છે. મદદ કરવા ઇચ્છનારે http:\\ uk.virginmoneygiving.com/fund/vsuk-nhs
• સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ શ્રી ભીમજી ભૂડિયા જણાવે છે કે, NHS તરફથી કોવીદ-૧૯થી પીડાતા દર્દીઓ માટે એમને જરૂરી મેડીકલ સાધનોનું લીસ્ટ એમના તરફથી આવી ગયું છે. ૫ વેન્ટીલેટર્સ, ૬ ઇનફ્યુશન પમ્પ, ૬ વોમેટ્રીક પંપ જેની કુલ કિંમત £ 50,550 થાય છે. આપણું બજેટ ૩૦,૦૦૦ પાઉન્ડ હતું એ વધી જાય છે..હાલના સંજોગોમાં આ સાધનોની તાત્કાલિક જરૂરત હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્ટેનમોરના પ્રેસિડેન્ટ તેમજ સૌ કોઇ એ જરૂરીયાતને ધ્યાનમાં રાખી NHS ની વિનંતિને માન્ય રાખે છે.
• ગુજરાતના વાંકાનેર ગામની આસપાસના અંતરિયાળ ગામો જે આવા કટોકટીના સમયમાં લગભગ ઉપેક્ષિત થતા હોય છે ત્યાં રહેતી સગર્ભા સ્ત્રીઓ અને એમના પરિવારો ત્રણ-ત્રણ દિવસથી ભોજનથી વંચિત રહ્યાં છે તેઓ માટે શ્રીમદ રાજચંદ્રના લવ એન્ડ કેર ચેરિટી તરફથી કોરોના વાયરસ રીલીફ ઇનીશીએટીવના ઉપક્રમે રાંધેલું અનાજ અને રાશન કીટ્સ પહોંચાડવાનું પુણ્યનું કામ થઇ રહ્યું છે. વધુ વિગતઃ http://loveandcare.srmd.org / coronavirus-relief
• પ્રિયંકા શાહ મલ્કાને પોતાની નૃત્ય કલાનો ઉપયોગ NHS ચેરીટીને સપોર્ટ કરવા કરી રહેલ છે. શનિવાર ૨૫ એપ્રિલે સવારના ૧૦.૩૦ વાગ્યાના સેશનમાં instragramlive@priyankasm999માં ડાન્સ રજુ કરશે અને નાના બાળકો માટે પણ દર મંગળવાર અને ગુરૂવારે સવારે ૧૧.૩૦ વાગે આયોજન કર્યું છે. £526 એકત્ર કર્યા છે. justgiving.com/fundraising/priyankashah-malkan
• યુ.કે. અને યુરોપભરમાં BAPS સ્વામિનારાયણ મંદિરની સેવા: કોવીદ-૧૯ પેનડેમીકનો ભોગ બનેલાઓ માટે સ્વામિનારાયણ મંદિર, નીસડને રાષ્ટ્રીય સ્તરે મુશ્કેલીના સમયમાં દેશના નાગરિકોને મદદરુપ થવા "કોમ્યુનિટી કેર પ્રોગ્રામ" હાથ ધર્યો છે. ૭૦૦થી વધુ સ્વયંસેવકો ૫૪ કરતા વધુ વિસ્તારોમાં પહોંચી વડિલો, વ્યક્તિગત અને સંસ્થાકીય જરૂરતમંદોને જીવન જરૂરિયાતની રોજબરોજની ચીજ-વસ્તુઓ, શાકભાજી, ફળો, ભોજન, શોપીંગ, દવાઓ વગેરેનું વિતરણ કરી માનવતા દાખવી રહ્યા છે.
૩૪ હોસ્પીટલો, પોલીસ સ્ટેશનો, ફાયર સ્ટેશનોના સ્ટાફ તેમજ મહત્વપૂર્ણ સંસ્થાનોને ફુડ પહોંચાડવા સાથે એમના કાર્યની સરાહના કરતાં પત્રો પાઠવી કદરદાની દાખવે છે. BAPS ના આધ્યાત્મિક ગુરૂ પૂ. મહંત સ્વામિ મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક સમાજની સેવા અર્થે સેવાભાવી ભક્તો પ્રવૃત્ત બન્યા છે. લંડનભરમાં રોજના ૭૦૦થી વધુ ટિફીન પહોંચાડી રહ્યા છે. કોવીદ-૧૯ વિષયક જાગૃતતા લાવવા તથા ઘરમાં રહેતા બાળકોને કઇ રીતે સક્રિય રાખવા એની ગાઇડ લાઇન પણ આપી માનવતાનો સાચો ધર્મ બજાવી રહ્યા છે જણાવતી વિગતાવાર પ્રેસ રિલીઝ સંસ્થાના શ્રી યોગેશ પટેલ દ્વારા પ્રસિધ્ધ કરાઇ છે.
• સૂર્યકાન્ત જાદવ અને સેવા સિક્યોરિટી ગૃપના ૯ સ્વયંસેવકો મળીને ભોજન, નાસ્તો, ફળો અને પીણાં ફ્રન્ટ લાઇન ડોકટર્સ, નર્સો, પેરામેડીક સ્ટાફ અને ફાયર ફાઇટર્સ, પોલીસ વગરેને પહોંચાડવાનું સત્કાર્ય કરી રહ્યા છે જેમાં મીરા કેટરર્સ તરફથી રસોઇ કરી ભોજન આપવામાં આવે છે એનો તેઓ આભાર માને છે.
ગુજરાતીઓનો બહુમત વિસ્તાર મનાતા હેરો વિસ્તારના મેયર કાઉન્સિલર શ્રી નીતિનભાઇ પારેખનો સંપર્ક સાધી સ્થાનિક હાલચાલ પૂછ઼યા તો એમણે જણાવ્યું કે, કોવીદ-૧૯ સામેનો પડકાર ઝીલવામાં બધા સાથ આપી રહ્યા છે. કોમ્યુનિટીના સેવાભાવી મહાનુભાવો સ્વેચ્છાએ સેવા આપવા આગળ આવી રહ્યા છે. જરૂરતમંદોને શોપીંગ કરવામાં, ફુડ પહોંચતું કરવામાં મદદરૂપ થઇ રહ્યા છે. સ્વામિનારાયણ મંદિરો, લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન, નવનાત વણિક એસોસિએશન, વૈષ્ણવ સંઘ યુ.કે. વગેરે જરૂરતમંદો માટે વોલંટીયર સેવા પૂરી પાડી રહ્યા છે. ઓનલાઇન યોગા દ્વારા ફીટ રહેવાના પ્રયાસ ચાલુ છે. સોસીયલ મીડીયા દ્વારા જનસંપર્ક કરી એકલતા ટાળી રહ્યા છે. કાઉન્સિલ બધું સારી રીતે ચાલે એ માટે પૂરતા પ્રયત્નો કરી રહેલ છે. મોટાભાગના સરકારી ગાઇડ લાઇન અનુસરી રહ્યા છે પરંતુ મુઠ્ઠીભર અન્યો માટે માથાભારે બની રહ્યા છે. એજવેરના ચાંદોસપાર્કમાં કેટલાક લોકો ભેગાં મળી ક્રિકેટ રમી રહ્યા હતા એમને અધિકારીઓએ પકડી પાર્ક બંધ કરવાની ફરજ પડી.
આવા કટોકટીભર્યા કપરા સંજોગોમાં દરેકે સરકારી આચાર સંહિતાનું પાલન કરી ઘરમાં પોતે સલામત રહી બીજાને સલામતી રક્ષવામાં અને અન્યોને મદદરૂપ થવામાં સક્રિય બનવાની જરૂર છે.
સૌ સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકોને "ગુજરાત સમાચાર" અભિનંદન પાઠવે છે અને એમની અનુમોદના કરતા સમાચાર પ્રસિધ્ધ કરવાનું અમારૂં કર્તવ્ય બજાવી રહ્યા છીએ.
દરેક સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી વ્યક્તિઓ સન્માન અને અભિનંદનને પાત્ર છે. જે કોઇ સંસ્થા આવા સમાજિક કાર્યમાં પ્રવૃત્ત હોય તેઓએ ગુજરાત સમાચાર, એશિયન વોઇસને પોતાની કામગીરી વિષે માહિતી email: [email protected] પર મોકલી આપવા વિનંતિ. (વધુ આવતા સપ્તાહે...)