લંડનઃ જીવલેણ કોવિડ-૧૯ મહામારીના કારણે યુકેમાં લોકડાઉન સાથે બિઝનેસીસ બંધ છે ત્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલી કોરોના વાઈરસ જોબ રિટેન્શન સ્કીમ યુકેના તમામ એમ્પ્લોયર્સ માટે ઓછામાં ઓછી ત્રણ મહિનાની મુદત માટે ખુલ્લી છે. આ હંગામી યોજના કોરોના વાઈરસથી જેમની કામગીરીને અસર પહોંચી હોય તેવા નોકરીદાતાઓની મદદ માટે મૂકાઈ છે.
નોકરીદાતાઓ તેમના રજા પર ઉતારી દેવાયેલા કર્મચારીઓના સામાન્ય માસિક વેતનખર્ચના ૮૦ ટકા રકમનો ક્લેઈમ કરવા પોર્ટલનો ઉપયોગ કરી શકશે. માસિક વેતન ૨૫૦૦ પાઉન્ડ સુધીનું હોઈ શકે છે. એમ્પ્લોયર્સ આ સમયગાળામાં કોઈ પણ સમયે સ્કીમનો ઉપયોગ કરી શકે છે. યુકેના તમામ એમ્પ્લોયર્સ, જેમણે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે PAYE પેરોલ સ્કીમની સ્થાપના કરી શરૂઆત કરી હોય તેમના માટે આ યોજના ખુલ્લી છે.
આ સબસિડીને પાત્ર બનવા માટે રજાઓ પરના કર્મચારી પોતે અથવા સંસ્થા વતી કોઈ કામ કરી શકશે નહિ. આમાં સર્વિસ આપવા કે આવક મેળવવાનો સમાવેશ થાય છે. કર્મચારી રજાઓ (ફર્લો) પર હોય ત્યારે તેમના વેતન સામાન્ય ઈન્કમ ટેક્સ અને અન્ય કપાતોને પાત્ર ગણાશે.