લંડનઃ એક કહેવત છે કે ‘એક મછલી સારે તાલાબ કો ગંદા કરતી હૈ.’ આ જ પ્રમાણે યુનિવર્સિટી કોલેજ લંડનના નિષ્ણાત ડોક્ટર હ્યૂજ મોન્ટેગોમેરીનું કહેવું છે કે કોરોના વાઈરસનો એક પેશન્ટ અન્ય ૫૯,૦૦૦ સુધી લોકોને ચેપ લગાવી શકે છે. તેમણે ચેનલ-૪ સમક્ષ જણાવ્યું હતું કે આ વાઈરસ ‘અતિશય ચેપી’ છે અને સામાન્ય ફ્લુના વાઈરસ કરતાં બમણો ફેલાવો કરે છે. એક વ્યક્તિથી સામાન્ય ફ્લુનો ચેપ અન્ય ૧૪ને લાગી શકે છે ત્યારે કોરોના વાઈરસનો ચેપ ૫૯,૦૦૦ સુધી લોકોને લાગી શકે છે. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા બ્રિટિશરોને સલાહ આપી હતી.
યુનિવર્સિટી કોલેજ લંડનના ઈન્ટેન્સિવ કેર મેડિસીનના પ્રોફેસર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હ્યૂજ મોન્ટેગોમેરીએ ચેનલ-૪ના ‘કોરોના વાઈરસઃ હાઉ ટુ આઈસોલેટ યોરસેલ્ફ’ પ્રોગ્રામમાં જણાવ્યું હતું કે,‘ જો મને સામાન્ય ફ્લુ થાય તો હું સરેરાશ ૧.૩ અથવા ૧.૪ વ્યક્તિને ચેપ લગાવી શકું. જો તે ૧.૩ અથવા ૧.૪ વ્યક્તિ અન્યોને તે જ પ્રમાણમાં ચેપ ફેલાવે અને ૧૦ વખત ચેપ પ્રસરે તેવી સ્થિતિમાં મારા થકી ૧૩ કે ૧૪ વ્યક્તિને ચેપ લાગ્યાનું કહી શકાય.’
સામાન્ય ફ્લુની સરખામણીએ કોરોના વાઈરસ અતિશય ચેપી છે અને તેથી દરેક વ્યક્તિ વધુ ત્રણને તેનો ચેપ લગાવતા રહે છે. આવું જ વિષચક્ર ૧૦ વખત ચાલે તો આવા જ સંજોગોમાં એક વ્યક્તિ સંભવિતપણે અન્ય ૫૯,૦૦૦ લોકોને ચેપ લગાવી શકે છે તેમ ડો. મોન્ટેગોમેરીએ દર્શાવ્યું હતું. તાજેતરના સપ્તાહોમાં આ વાઈરસના ચેપે બ્રિટનમાં ભારે ઝડપ મેળવી છે અને ૧૧,૬૫૮ ચેપગ્રસ્તો સાથે મૃત્યુઆંક ૫૭૮નો થયો છે. એક સપ્તાહમાં આ ચેપથી યુકેનો મૃત્યુદર છ ગણો વધ્યો છે.
ડો. મોન્ટેગોમેરીએ કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી સારી તક છે તેવી સલાહને બ્રિટિશરોએ અવગણવી ન જોઈએ. આના કારણે ઓછી સંખ્યામાં લોકો બીમાર થશે અને ચેપનું પ્રમાણ પણ ઘટશે. જો તમે એમ માનતા હો કે તમને ચેપ લાગશે નહિ તો તમે બેજવાબદાર છો. આ માત્ર તમારી વાત નથી, આ અન્ય તમામની વાત છે. કેટલાક લોકોને હળવાં લક્ષણો જણાય તો પણ તેમણે એકાંકવાસમાં રહેવું જરૂરી છે. આપણી પાસે મર્યાદિત સ્રોતો છે, મર્યાદિત સંખ્યામાં ડોક્ટર્સ, વેન્ટિલેન્ટર્સ, નર્સીસ છે.’