લંડનઃ બ્રિટનમાં વિકસાવાયેલી વેક્સિનના માંકડા (Rhesus Macaque) -વાંદરા પર સફળ પ્રયોગ પછી કોરોના વાઈરસની સારવાર બાબતે આશા ઉજળી બની છે. આ પ્રયોગમાં કોઈ આડઅસર વિના જ છ માંકડામાં કોવિડ-૧૯ની એન્ટિબોડીઝ પેદા થવા સાથે તેમની ઈમ્યુન સિસ્ટમ વધુ તાકાતવર બની હતી.
વિશ્વમાં કોરોના વાઈરસની વેક્સિન-રસી અંગે જોરશોરથી સંશોધનો ચાલી રહ્યાં છે ત્યારે અમેરિકા અને બ્રિટનના કેટલાક સંશોધકોએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંશોધનોના પ્રાથમિક પરિણામો આશાજનક ગણાવ્યાં છે. સંશોધકોએ છ માંકડાના સમુહ ઉપર કરેલો રસીનો પ્રયોગ સફળ રહ્યો છે. વેક્સિન અપાયાના ૨૮ દિવસમાં જ માંકડાઓના ચેપગ્રસ્ત શરીરમાં કોવિડ-૧૯ના એન્ટિબોડીઝ પેદા થવા લાગ્યા હતા અને વાઈરસ તેમના ફેફસાંમાં ઘૂસે તે પહેલા જ તેની સામે લડવામાં તેમને સફળતા મળી હતી.
સંશોધકોએ જણાવ્યું છે કે પહેલા છ માંકડાને રસી અપાઈ અને પછી તેમને કોરોના વાઈરસનો ચેપ લગાવાયો હતો. કેટલાક માંકડામાં માત્ર ૧૪ દિવસમાં કોરોના સામે લડી શકે તેવા એન્ટિબોડીઝ વિકસ્યા હતા અને કેટલાકમાં ૨૮ દિવસ લાગ્યા હતા.
સંશોધકોએ એમ પણ જણાવ્યું હતું કે વેક્સિન અપાયેલા પ્રાણીઓમાં લોઅર રેસ્પિરેટરી સિસ્ટમમાં વાઈરલ લોડ નોંધપાત્ર રીતે ઘટ્યો હતો. કોરોના વાઈરસ ફેફસાંમાં પહોંચી વધુ જીવલેણ બને છે. અગાઉ, બ્રિટિશ ઔષધનિર્માતા AZN.L, ઓક્સફર્ડ વેક્સિન ગ્રૂપ અને જેનર ઈન્સ્ટિટ્યૂટના સંશોધકો સાથે મળીને વેક્સિન વિકસાવવાના કામે લાગ્યા હોવાની જાહેરાત કરાઈ હતી.
ઓક્સફર્ડ યુનિવર્સિટીની આ રસીનો પ્રયોગ હવે માણસો પર શરુ કરાયો છે. સંશોધકોએ કહ્યું છે કે માંકડામાં આ રસીના પરીક્ષણના પરિણામો આશાસ્પદ છે પરંતુ, માનવીઓ પર પરીક્ષણોમાં આવાં જ પરિણામો મળે તેની કોઈ ગેરન્ટી નથી. કોઇ પણ રસીની શોધમાં તેનું પ્રાઈમેટ્સ-માંકડા પર સફળ થવાનું મહત્ત્વપૂર્ણ ગણાય છે. જોકે, લેબોરેટરીમાં ઘણી રસી પ્રાઈમેટ્સને રક્ષણ આપી શકે છે પરંતુ, માનવીઓમાં નિષ્ફળ પણ નિવડે છે. આમ છતાં, નકારાત્મક પરિણામ દેખાયું નથી તે ઉત્સાહજનક છે. વેક્સિનની ટ્રાયલ માટે સ્વેચ્છાએ આગળ આવેલા ૧,૦૦૦ લોકોને આ રસી અપાઈ છે જેનું પરિણામ એક મહિનામાં મળવાની આશા છે.
વિશ્વના ઘણા દેશોમાં વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે જે માનવ પરીક્ષણના તબક્કા સુધી પહોંચી છે. મોડર્ના કંપનીના MRNA.O , ફાઈઝર કંપનીનું PFE.N, બાયોએન.ટેક કંપનીનું 22UAy.F તેમજ ચીનની કાનસિંનો બાયોલોજિક્સ કંપનીના 6185.HK વેક્સિન મુખ્ય છે. આમ તો વેક્સિન માટે ૧૦૦થી વધુ સંશોધનો ચાલે છે પરંતુ, ત્રણ લાખથી વધુ મોત અને ૪૦ લાખથી વધુ સંક્રમિતો છે ત્યારે વેક્સિન વિકસાવનારાઓ સામે સૌથી મોટી સમસ્યા વિશાળ પાયા પર તેના ડોઝના ઉત્પાદનની છે.