લંડનઃ યુનાઈટેડ નેશન્સે કોરોના મહામારીથી વિશ્વમાં તીવ્ર ભૂખમરો સર્જાવા ચેતવણી આપી છે. ઓછામાં ઓછાં ત્રણ ડઝન દેશના ૨૬૫ મિલિયન લોકો ભૂખમરાથી પીડાશે તેમ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ડાયરેક્ટર ડેવિડ બિસ્લેએ જણાવ્યું છે. કોરોનાનો ફેલાવો રોકવા વિશ્વમાં વેપારવણજ સહિત તાળાબંધી કરાઈ છે તેની અસર નાણાકીય બજારોને પણ થઈ છે. કોરોનાથી બે લાખથી વધુ મોત થયાં છે ત્યારે સમગ્ર વિશ્વ અભૂતપૂર્વ આરોગ્ય અને આર્થિક કટોકટીમાંથી બહાર નીકળવા માર્ગ શોધી રહ્યું છે.
કોરોનાથી ભૂખમરાનું જોખમ વધશે. યુએન દ્વારા ખાદ્યસંકટ અંગે વિશ્વની સ્થિતિ પર જારી રિપોર્ટમાં કહેવાયું છે કે આ વર્ષે વિશ્વના ૫૫ દેશોમાં ૧૩૫ મિલિયન લોકો ભૂખમરાની સ્થિતિમાં જીવે છે. કોરોનાથી આ સંખ્યા બે ગણી વધી ૨૬૫ મિલિયન થશે. આમ એક વર્ષમાં વધુ ૧૩૦ મિલિયન લોકો સામે ભૂખમરાનું જોખમ છે. રિપોર્ટ મુજબ જો અન્ય કોઇ સંકટ આવ્યું કે તનાવ સર્જાશે તો વધુ ૧૮૩ મિલિયન લોકોને ભૂખમરાનો સામનો કરવો પડશે.