લંડનઃ યુનાઈટેડ નેશન્સે કોરોના વાઈરસ મહામારીથી વિશ્વમાં તીવ્ર ભૂખમરો સર્જાવાની ચેતવણી આપી છે. ઓછામાં ઓછાં ત્રણ ડઝન દેશના ૨૬૫ મિલિયન લોકો ભૂખમરાથી પીડાશે તેમ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ડાયરેક્ટર ડેવિડ બિસ્લેએ સુરક્ષા પરિષદને જણાવ્યું છે. કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા વિશ્વભરમાં વેપારવણજ સહિત તાળાબંધી કરાઈ છે તેની અસર નાણાકીય બજારોને પણ થઈ છે. કોરોના મહામારીથી બે લાખથી વધુ મોત નીપજ્યાં છે ત્યારે વિશ્વની સરકારો અભૂતપૂર્વ આરોગ્ય અને આર્થિક કટોકટીમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવા પ્રયાસ કરી રહી છે.
કોરોના વાઇરસને કારણે ભૂખમરાનું જોખમ વધી શકે છે. યુએન દ્વારા ખાદ્યસંકટ અંગે વિશ્વની સ્થિતિ પર જારી એક રિપોર્ટમાં કહેવાયું છે કે આ વર્ષે વિશ્વના ૫૫ દેશોમાં ૧૩૫ મિલિયન લોકો ઘોર ભૂખમરાની સ્થિતિમાં જીવી રહ્યા છે. કોરોનાને કારણે આ સંખ્યા બે ગણી વધીને ૨૦૨૦માં ૨૬૫ મિલિયન થઇ જશે. એટલે એક વર્ષમાં વધુ ૧૩૦ મિલિયન લોકો સામે ભૂખમરાનું જોખમ છે. રિપોર્ટ મુજબ જો અન્ય કોઇ સંકટ આવ્યું કે તનાવની સ્થિતિમાં વધુ ૧૮૩ મિલિયન લોકોને પણ ભૂખમરાનો સામનો કરવો પડશે. વિશ્વ ખાદ્ય કાર્યક્રમના અર્થશાસ્ત્રી આરિફ હુસૈને કહ્યું હતું કે કોરોના મહામારી પહેલાંથી જ મુશ્કેલી વેઠી રહેલા કરોડો લોકોને ભારે આફતમાં મૂકી શકે છે.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા સંભવિત ભૂખમરાની ચેતવણી અપાઈ છે ત્યારે જી-૨૦ના કૃષિપ્રધાનોએ વિશ્વના સૌથી ગરીબ, નિરાધાર અને વિસ્થાપિત લોકોને ખાદ્યાન્નનો પૂરતો પૂરવઠો મળી રહે તેની ચોકસાઈ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઈસ્ટ આફ્રિકામાં તીડના ટોળાંએ સમગ્ર પાકનો નાશ કરવાથી ૭૦ મિલિયન લોકો પર ભૂખમરાનું સંકટ તોળાયું છે.