કોરોનાનું એપીસેન્ટરઃ અડધોઅડધ મૃત્યુ યુરોપમાં

Friday 03rd April 2020 04:57 EDT
 
સ્પેનમાં લોકડાઉનની જાહેરાત બાદ નાગરિકોને સમજાવી રહેલી પોલીસ
 

લંડન, રોમ, માડ્રિડ, પેરિસઃ યુરોપ ખંડમાં કોરોના વાઈરસનો ચેપ દાવાનળની જેમ ફરી વળ્યો છે. ઈટાલી પછી હવે સ્પેનમાં કોરોના વાઈરસથી મૃત્યુનો આંક વધી રહ્યો છે. મૃત્યુઆંક બાબતે સ્પેન ૭૭૧૬ની સંખ્યા સાથે વિશ્વમાં ઈટાલી (૧૧૫૯૧) પછી બીજા ક્રમે આવી ગયું છે અને ચીન ૩,૩૦૫ મૃતાંક સાથે ત્રીજા અને અમેરિકા ૩૧૭૦ મોત સાથે ચોથા તેમજ ફ્રાન્સ ૩૦૨૪ મૃતાંક સાથે પાંચમા ક્રમે છે. હકીકત એ છે કે ૨૦૧૯ના ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરમાંથી કોરોના વાઈરસનો ઉદ્ભવ થયો હતો અને હવે ત્યાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. સ્પેનમાં એક જ દિવસે સૌથી વધુ ૭૭૩ મૃત્યુનો દૈનિક આંક નોંધાયો હતો. સ્પેનમાં વાઈરસથી ચેપગ્રસ્તોની સંખ્યા પણ વધીને ૮૭,૯૫૬ થઈ છે. વધુ નોંધપાત્ર બાબત એ પણ છે કે અમેરિકામાં કોરોના વાઈરસથી ૩૧૭૦ના મૃતાંક સાથે ચેપગ્રસ્તોની સંખ્યા કુદકેભૂસકે વધીને વિશ્વમાં સૌથી વધુ ૧૬૪,૨૬૬ના આંકડે પહોંચી છે. સમગ્ર વિશ્વમાં ચેપગ્રસ્તોની કુલ સંખ્યા ૭૮૬,૩૫૦થી વધુ તેમજ મૃત્યુઆંક ૩૭૮૩૦થી ઉપર પહોંચ્યો છે. 

બીજી તરફ, ઈટાલી, સ્પેન, યુકે, જર્મની અને ફ્રાન્સમાં ૨૪,૩૮૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. ન્યૂઝ એજન્સીઓના રિપોર્ટ મુજબ યુરોપમાં પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખથી વધારે છે. ફ્રાન્સની સરકારે લોકડાઉનને ૧૫ એપ્રિલ સુધી લંબાવ્યું છે.
સ્પેનમાં ૧૪ માર્ચથી અભૂતપૂર્વ લોકડાઉન લાગુ કરાયા છતાં, મૃતકો અને ચેપગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. સંખ્યા આસમાને પહોંચી રહી છે ત્યારે સરકારે ૨૪ માર્ચે ઈમર્જન્સી સમયગાળાને વધુ બે સપ્તાહ- ઈસ્ટરના આગલા દિવસ ૧૧ એપ્રિલ સુધી લંબાવવા સંસદની મંજૂરી માગી છે રોગચાળાના પ્રસારને રોકવાની કામગીરીમાં સ્પેનિશ આર્મીને પણ સામેલ કરાઇ છે. હેલ્થ મિનિસ્ટ્રીના ઈમર્જન્સીઝ કોઓર્ડિનેટર ફરનાન્ડો સિનોને આંકડાઓ જાહેર કરતા જણાવ્યું હતું કે અમે મહામારીના શિખર તરફ જઈ રહ્યા છીએ. લોકડાઉનથી યોગ્ય પરિણામ મળી રહ્યું છે કે કેમ તે ટુંક સમયમાં સ્પષ્ટ થઈ જશે.
સ્પેનમાં વાઈરસના કારણે સૌપ્રથમ મોત ૩ માર્ચે થયું હતું પરંતુ, ત્રણ સપ્તાહમાં જ ઈટાલી અથવા ચીનની સરખામણીએ મૃત્યુઆંક ઝડપથી ઉછળ્યો છે. સ્પેનમાં ૩,૪૩૪ મૃત્યુ થયાં તે તબક્કે ઈટાલીમાં ૧,૨૬૬ મૃત્યુ થયા હતા જ્યારે ચીનમાં તે આંકડો માત્ર ૨૫૯ હતો. ૧૩ ફેબ્રુઆરી સુધી વૈશ્વિક ચેપગ્રસ્તોમાં ૯૯ ટકા ચીનમાં હતા પરંતુ, સ્પેનના અતિશય ઊંચા મૃત્યુઆંકથી સ્પષ્ટ થાય છે કે યુરોપ કોવિડ-૧૯ મહામારીનું કેન્દ્ર બની ગયું છે. અન્ય ઘણા દેશોની માફક સ્પેનમાં પણ પરીક્ષણો માટે તબીબી પુરવઠાના અભાવ, સારવાર અને અગ્રહરોળના વર્કરોના રક્ષણનો અભાવ દેખાઈ આવે છે. પરિસ્થિતિ એવી અભૂતપૂર્વ છે કે મેડિકલ સિસ્ટમ ભાંગી પડવાના આરે આવી છે. ૫,૪૦૦ અથવા કુલ સંખ્યાના ૨૦ ટકા હેલ્થકેર વર્કર્સ પણ વાઈરસ માટે પોઝિટિવ જાહેર થયા છે.

સ્પેનિશ રાજકુમારી મારિયાનું નિધન

કોરોના મહામારીમાં સ્પેનનાં રાજકુમારી મારિયા ટેરેસાનું સારવાર દરમિયાન પેરિસમાં મૃત્યુ થયું હતું. સ્પેનના મેડ્રિડમાં તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ૮૬ વર્ષના રાજકુમારીના નિધન અંગે તેમના ભાઈ પ્રિન્સ સિક્સટો એનરિક ડી બોરબોને ફેસબુકમાં માહિતી આપી હતી. કોઈ રોયલ પરિવારના સભ્યનું નિધન કોરોનાના કારણે થયું હોય એવો પહેલો કેસ સામે આવ્યો છે. સ્પેનનાં ૮૬ વર્ષના રાજકુમારી મારિયા ટેરેસા કોરોનાથી સંક્રમિત થયા હતા.

સ્પેનના નાયબ વડા પ્રધાન પણ સંક્રમિત

સ્પેનનાં નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટ અનુસાર ચાર દિવસથી કાલ્વોની તબિયત ઠીક ન હતી. તેઓ ઘરમાં આઇસોલેશનમાં રહીને સરકારી કામકાજ કરી રહ્યા હતાં. બુધવાર રાત્રે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્પેન સરકારે કાલ્વોના સ્ટાફ અને તેમના સંપર્કમાં આવેલા બીજા લોકોને પણ ક્વોરેન્ટાઇનમાં રાખવાનો આદેશ કર્યો છે. એક મેડિકલ બોર્ડ આ તમામની દેખરેખ કરશે. રાજધાની માડ્રિડમાં અંતિમવિધિ સેવા પણ ભારે મુશ્કેલીમાં છે. માડ્રિડના સત્તાવાળાએ પેલેસિયો દ હેઈલો આઈસ સ્કેટિંગ રિન્કને કામચલાઉ શબગૃહમાં ફેરવી નાખી છે. માડ્રિડના મેયર જોસ લુઈસ માર્ટિનેઝ-આલ્મીડાએ TVE પબ્લિક ટેલિવિઝનને જણાવ્યું હતું કે,‘ જે પ્રમાણમેં લોકોનાં મોત થઈ રહ્યાં છે તેની સરખામણીએ અમારી પાસે તમામ દફન અને અંતિમસંસ્કાર હાથ ધરવાની વધુ ક્ષમતા નથી.’ સ્પેનિશ રાજધાનીએ એક વિશાળ પ્રદર્શન સેન્ટરના હિસ્સાને ૧૫૦૦ બેડ સાથેની ફિલ્ડ હોસ્પિટલમાં ફેરવી નાખ્યો છે જેનું વિસ્તરણ કરી ૫,૫૦૦ દર્દીને સમાવી શકાશે.

ઈટાલીમાં મૃત્યુઆંકના રેકોર્ડ્સ તૂટે છે

કોરોના વાઈરસે ઈટાલીમાં કાળો કેર વર્તાવ્યો છે. ચીન કરતાં પણ કોરોના વાઈરસનો વધારે માર સહન કરી રહેલા ઈટાલીમાં રોજે રોજ મૃતાંકના રેકોર્ડ્સ તૂટી રહ્યા છે. ઈટાલીમાં મૃતાંક શુક્રવાર ૨૭ માર્ચ શુક્રવારે ૯૬૯, ૨૪ માર્ચ મંગળવારે ૭૪૩ તેમજ ૨૧ માર્ચ, શનિવારે ૭૯૩ રહ્યો હતો. આ સાથે જ ઈટાલીમાં કુલ મૃતાંકની સંખ્યા સમગ્ર વિશ્વમાં સૌથી વધારે છે.
ચીનના વુહાનથી ફેલાયેલા આ વાઈરસે સૌથી મોટી ખૂવારી ઈટાલીમાં મચાવી છે. અહીં ૧૦૭૮૦થી વધુ લોકોએ કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવ્યા છે. મૃત્યુઆંકની દ્રષ્ટિએ સ્પેન ૬૮૦૩ મોત સાથે બીજા તેમજ ૩૩૦૪ લોકોના મૃત્યુ સાથે ચીન ત્રીજા ક્રમે આવી ગયું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના ૭૨૪,૦૦૦ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી, ૩૪,૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. વાઈરસથી ચેપગ્રસ્ત ૧૫૧,૮૩૩ પેશન્ટ્સ સારવાર બાદ સાજા થઈ ગયા છે.

ફ્રાન્સમાં એક દિવસમાં ૩૦૦થી વધારેના મોત

ફ્રાન્સમાં એક દિવસમાં ૩૦૦થી વધારે લોકોએ કોરોના વાઈરસના સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો છે. ફ્રાન્સની સરકારે લોકડાઉનને ૧૫ એપ્રિલ સુધી લંબાવી દીધું છે. ફ્રાન્સ યુરોપનો ત્રીજો સૌથી વધારે પ્રભાવિત દેશ છે. અહીં ૧૯૯૫ લોકોના મોત થયા છે અને કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૨૯૬૪ છે. કોરોના મહામારીથી અગાઉ, ફ્રાન્સમાં એક દિવસમાં ૨૪૦ના મોત થવાથી સરકાર ચિંતિત છે. સમગ્ર દેશમાં લોકડાઉનને અહીં બીજું સપ્તાહ છે. ચોંકાવનારી વાત તો એ છે કે અહીં ૬૦ વર્ષથી નીચેની વયના દર ત્રીજા દર્દીએ લાઈફ સપોર્ટ સિસ્ટમની જરૂર પડે છે. ૭૦ વર્ષની વધુ વયની ૮૫ ટકા વ્યક્તિ જીવ ગુમાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter