લંડનઃ કોરોના વાઈરસનો પ્રસાર જાન્યુઆરીથી જ શરૂ થયો હોય અને બ્રિટનની અડધોઅડધ વસ્તીને તેનો ચેપ લાગ્યો હોવાની સંભાવના અને આશંકા ઓક્સફર્ડ યુનિવર્સિટીના તાજા અભ્યાસમાં દર્શાવાઈ છે. ઓક્સફર્ડમાં થીઅરીટિકલ એપિડીમિઓલોજીના પ્રોફેસર સુનેત્રા ગુપ્તાના નેતૃત્વ હેઠળ સેંશોધકોની ટીમે કોવિડ-૧૯ના ઈન્ફેક્શન દરનો અભ્યાસ કર્યો છે.
ઓક્સફર્ડના ઈવોલ્યુશનરી ઈકોલોજી ઓફ ઈન્ફેક્શિયસ ડિસીઝ ગ્રૂપ દ્વારા તૈયાર મોડેલ દર્શાવે છે કે કોવિડ-૧૯ સૌ પહેલા જાન્યુઆરીની મધ્યમાં એટલે કે સૌપ્રથમ કેસ જાહેર થયો તેના આશરે બે સપ્તાહ અગાઉ અને પ્રથમ મૃત્યુની જાહેરાત થઈ તેના એક મહિના અગાઉ યુકે પહોંચી ગયો હોઈ શકે. આનો અર્થ એ છે કે તેને ફેલાવા માટે ઘણો સમય મળ્યો હોય. પ્રોફેસર સુનેત્રા ગુપ્તાએ કહ્યું હતું કે, ‘આ થીઅરીનું મૂલ્યાંકન કરવા પરીક્ષણો જરૂરી છે. આપણે રોગચાળાના કયા તબક્કામાં છીએ તે સુનિશ્ચિત કરવા વ્યાપક સ્તરે સીરોલોજિકલ સર્વેઝ-એન્ટિબોડી ટેસ્ટિંગ આરંભવાની જરૂર છે.’
બ્રિટનમાં ઈન્ફેક્શન અને મૃત્યુના આંકડામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. મંગળવાર, ૨૪ માર્ચે વધુ ૧૪૨૭ પેશન્ટના ઉમેરા સાથે ચેપગ્રસ્તોની સંખ્યા ૮૦૦૦ને પાર પહોંચી હતી. પેશન્ટનું પરીક્ષણ માત્ર હોસ્પિટલમાં કરવાના સરકારના વિવાદાસ્પદ નિર્ણયના પરિણામે રોગચાળાનું સાચું કદ છુપું રહ્યું છે, તે કદાચ ૪૦૦,૦૦૦ની આસપાસ હોઈ શકે તેવો દાવો થાય છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીનું સંશોધન સરકારની પોલિસી નિર્ધારિત કરતા ઈમ્પિરિયલ કોલેજ લંડનના અભ્યાસથી તદ્દન વિરોધી મત દર્શાવે છે. ઈમ્પિરિયલ કોલેજ લંડનના અભ્યાસના પરિણામે નિયંત્રણો વિના આ રોગચાળો ૨૫૦,૦૦૦ જિંદગી છિનવી લેશે તે ભયથી સરકારે અસાધારણ લોકડાઉન લાગુ કર્યું છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતું કે લોકડાઉનના પગલાં ‘વિનંતીઓ નથી, તે નિયમો છે.’