લંડનઃ ભારતના પશ્ચિમ બંગાળની એક હોસ્પિટલમાં ડોક્ટર પર બળાત્કારની ઘટનાના પડઘા બ્રિટનમાં પણ જોવા મળ્યા હતા. યુકેમાં વસતા ભારતીય મૂળના ડોક્ટરોએ પીજી ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં તાત્કાલિક પગલાંની માગ કરી હતી.
બ્રાઇટન એનએચએસમાં ફરજ બજાવતા ડો. દિપ્તી જૈન કોલકાતાની આજ હોસ્પિટલમાં તાલીમ લઇ ચૂક્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, મેં 30 વર્ષ પહેલાં આ હોસ્પિટલમાં કોઇપણ પ્રકારના ભય વિના કામ કર્યું હતું. અમારું સફેદ ક્લિનિકલ એપ્રોન એક લક્ષ્મણ રેખા સમાન હતું અને દરેક વ્યક્તિ મને દાક્તર દીદી કહીને સંબોધતી હતી. અચાનક સ્થિતિ કેવી રીતે બદલાઇ ગઇ કે હવે મહિલાઓ અને બાળકો સુરક્ષિત નથી. અમને અમેરિકા, કેનેડા, યુએઇ સહિત સમગ્ર વિશ્વમાંથી ભારતીય મૂળના સહયોગીઓના સંદેશા પ્રાપ્ત થઇ રહ્યાં છે. અમે સમગ્ર દાક્તરી આલમની પડખે છીએ. ન્યાયમાં વિલંબ એ ન્યાય ન મળવા બરાબર જ છે.
માન્ચેસ્ટરના ડો. ગૌરી બત્રાએ જણાવ્યું હતું કે, આઝાદીના 78મા પર્વ દરમિયાન આપણા યુવા અને અદ્વિતિય દેશમાં જે થઇ રહ્યું છે તે જોઇને અમે આક્રંદ કરી રહ્યાં છીએ. મેં પણ ભારતની હોસ્પિટલમાં એકલા સંખ્યાબંધ રાતો ફરજ બજાવી હતી પરંતુ ક્યારેય અસુરક્ષિતતા અનુભવી નહોતી.
કેમ્બ્રિજ સ્થિત ડો. સોનેલા બસાકે જણાવ્યું હતું કે, ભારત સરકારે હોસ્પિટલોમાં કર્મચારીઓની સુરક્ષા માટેની વ્યવસ્થામાં બદલાવ કરવો જોઇએ.
ન્યાયની માગ કરતા યુકેના ભારતીય ડોક્ટરોનો ખુલ્લો પત્ર
યુકેમાં કાર્યરત ભારતીય ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થીઓએ કોલકાતાની આર જી કાર મેડિકલ કોલેજમાં બળાત્કાર બાદ હત્યા કરાયેલી ટ્રેઇની ડોક્ટર માટે ન્યાયની માગ કરતો ખુલ્લો પત્ર લખ્યો હતો. પત્રમાં પશ્ચિમ બંગાળ સરકારની નિષ્ક્રિયતાને પણ વખોડી કાઢવામાં આવી હતી. લંડનમાં ઇન્ડિયા હાઉસ ખાતે મૃતક પીડિતાને ન્યાયની માગ સાથે શાંતિપૂર્ણ દેખાવ કરાયાં હતાં. એડિનબરો અને લીડ્સ જેવા શહેરોમાં પણ ભારતમાં આંદોલન કરી રહેલા ડોક્ટરોના સમર્થનમાં પ્રદર્શન કરાયાં હતાં.