લંડનઃ ભારતના કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ટ્રેઇની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં ભારતીય ડાયસ્પોરાએ ગુરુવારે રાત્રે યુકેના વિવિધ શહેરોમાં દેખાવો કરી ન્યાયની માગ કરી હતી. તેમણે ફક્ત ભારતની હોસ્પિટલો જ નહીં પરંતુ તમામ પ્રકારના કાર્યસ્થળ ખાતે મહિલાઓની સુરક્ષામાં વધારો કરવા અને ભારતમાં મહિલાઓ પ્રત્યેની માનસિકતામાં બદલાવનું આહવાન કર્યું હતું.
લંડનમાં પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ યોજાયેલા દેખાવોમાં મોટી સંખ્યામાં એનએચએસમાં કામ કરતાં અને અગાઉ કોલકાતાની હોસ્પિટલમાં તાલીમ લેનારા ભારતીય મૂળના ડોક્ટરો સામેલ થયાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, દાયકાઓ પહેલાં કોલકાતામાં મહિલાઓની સુરક્ષા ઘણી સારી હતી. આજે સમગ્ર ભારતની હોસ્પિટલોમાં મહિલા ડોક્ટરોની સુરક્ષા અને સુવિધાઓ બદતર સ્થિતિમાં પહોંચી છે. અમે બળાત્કાર અને હત્યામાં સંડોવાયેલા દોષિતોને આકરી સજાની માગ કરી રહ્યાં છીએ.
ભારતીય મૂળની એક ડોક્ટરે જણાવ્યું હતું કે, ભારતમાં આવેલી એઇમ્સ હોસ્પિટલની મેં 2024ના પ્રારંભે મુલાકાત લીધી હતી. ત્યાંની વ્યવસ્થા જોઇને મારું માથુ ચક્કર ખાઇ ગયું હતું. પથારીઓમાં બેડ લાઇસ અને ઉંદરો ફરતાં હતાં. બાથરૂમમાં લોક અને પાણીની વ્યવસ્થા જ નહોતી.
કલકત્તા નેશનલ મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરનાર ડો. ટીના ગુપ્તાએ જણાવ્યું હતું કે, ભારતની હોસ્પિટલોમાં રેસ્ટ રૂમ હોતા જ નથી અને સુરક્ષા એટલી અસરકારક નથી. જરૂર પડે પોલીસ અદ્રશ્ય થઇ જતી હોય છે. 20 વર્ષ પહેલાં અમને અસુરક્ષાની જરાપણ લાગણી થતી નહોતી. ભારતમાં મહિલાઓ પ્રત્યેની માનસિકતા હવે બદલાઇ ગઇ છે. અગાઉ પુરુષો મહિલાઓનું વધુ સન્માન જાળવતા હતા.
એનએચએસમાં સર્જન તરીકે કામ કરતા રુદ્ર વૈદ્યરાયે જણાવ્યું હતું કે, અમે કોલકાતામાં કામ કરતા હતા ત્યારે આ પ્રકારની કોઇ ઘટના અંગે કલ્પના પણ કરી શકાતી નહોતી. તેમની દીકરી રિતિશા કહે છે કે સ્થિતિમાં જરાપણ સુધારો થવાના બદલે વધુ બદતર બની છે.
ભારતીય મૂળના સ્નેહ સન્ની કહે છે કે આ પુરુષોની માનસિકતાનું પરિણામ છે. તેમણે મહિલાઓને એક ચીજવસ્તુ તરીકે જોવાનું બંધ કરવું જોઇએ. ભારતમાં હું હંમેશા પોતાને અસુરક્ષિત અનુભવતી હોઉ છું. મારે એક દીકરો છે અને હું તેને મહિલાઓનું સન્માન કરતાં શીખવું છું. આપણે આપણા બાળકોને શિક્ષણ આપવું જોઇએ.
ગુરુવારે રાત્રે બર્મિંગહામના સિટી સેન્ટર ખાતે પણ ભારતીય ડાયસ્પોરાએ દેખાવો કર્યાં હતાં. વિક્ટોરિયા સ્ક્વેરમાં દેખાવકારોએ પીડિતાના પરિવાર માટે ન્યાયની માગ કરી હતી. દેખાવોના આયોજક સોહિની બિશ્વાસે જણાવ્યું હતું કે, આ ફક્ત એક કેસ નથી. ભારતમાં દરેક મહિલા કોઇને કોઇ પ્રકારે બળાત્કાર, છેડતી અને જાતીય શોષણનો સામનો કરતી હોય છે. ભારતમાં મહિલા સુરક્ષા માટે સારા શિક્ષણ, નીતિઓ અને કાયદાની જરૂર છે.