લંડનઃ કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા જાહેર કરાયેલી સ્મોલ બિઝનેસ ગ્રાન્ટ્સ, બાઉન્સ બેક લોન્સ, ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ સ્કીમ તેમજ સેલ્ફ એસેસમેન્ટ પેમેન્ટ્સ યોજનાઓમાં ખોટી અરજીઓ કરી હતી. કોર્ટે મની લોન્ડરિંગ અને છેતરપીંડીના ષડયંત્ર સહિતના ગુનાઓમાં કુલ 12 અપરાધીને દોષી જાહેર કર્યા હતા જેમાંથી 9ને જેલની સજા સંભળાવાઈ હતી.
સજા જાહેર કરાયેલા અપરાધીઓમાં સાજિદ હૂસૈન (5 વર્ષ), કાઈરાત ડીઆસ (7 વર્ષ, 7 મહિના), ઉમર યુસુફ (8 વર્ષ), સમીર અલી મોહમ્મદ (4 વર્ષ,9 મહિના), નોઆહ દીન (5 વર્ષ, 3 મહિના), ઉસ્માહ બિન તારિક (4 વર્ષ), તાસ્દાક હુસૈન (4 વર્ષ,9 મહિના), ઈમાન હુસૈન (4 વર્ષ,9 મહિના), નકીબ શાકુર્ત(4 વર્ષ,9 મહિના)નો સમાવેશ થાય છે. અન્ય અપરાધી અલ-હેરિસ હૂસૈનને 2 વર્ષની સજા બે વર્ષ માટે સસ્પેન્ડ કરાઈ છે જ્યારે ઝીશાન અહેમદની સજા હવે જાહેર કરાશે.
સાજિદ હુસૈનને પાકિસ્તાનમાં મૃત્યુદંડ કરાયો હતો
મલ્ટિમિલિયન પાઉન્ડની બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના સાજિદ હુસૈનને એક સમયે પાકિસ્તાનમાં ડેથ પેનલ્ટીની સજા ફરમાવાઈ હતી. સાજિદ પાકિસ્તાનમાં જમીન વિવાદમાં ભરાયેલો હતો. તેણે આખરે એક હત્યાની કબૂલાત કરી હતી અને તેને મૃત્યુદંડની સજા જાહેર કરાઈ હતી. જોકે, સજાને ઉલટાવી દેવાતા તેને 10 વર્ષ પછી પછી મુક્ત કરવલામાં આવ્યો હતો. જેલમાં એક કેદીએ તેને કોવિડ-19 ફ્રોડના માસ્ટરમાઈન્ડ કાઈરાત ડીઆસ સાથે પરિચય કરાવ્યો હતો. ગેંગના સક્રિય સભ્ય સાજિદે સ્મોલ બિઝનેસ ગ્રાન્ટ્સ, બાઉન્સ બેક લોન્સ, ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ તેમજ સેલ્ફ એસેસમેન્ટ પેમેન્ટ્સ યોજનાઓમાં છેતરપીંડી આચરી હતી.