સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસ એટલે કે કોવિડ-૧૯ મહામારીએ ત્રાહિમામ મચાવ્યો છે ત્યારે મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસની ઉજવણી ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે. આમ તો રમઝાન ઉત્સવ શરૂ થઇ ગયો છે પરંતુ ઉત્સવની ઉત્સુકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ સામે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે વૈશ્વિક સ્તરે દુનિયાના અલગ અલગ દેશોમાં રમઝાન માસની ઉજવણી ખૂબ જ શાંતપૂર્ણ રીતે શરૂ થઇ હોવાનું જણાય છે.
સામાન્ય રીતે મુસ્લિમ ધર્મના આ સૌથી વધુ પવિત્ર માસમાં ભારે ચહલપહલ જોવા મળતી હોય છે. પરંતુ મોટાભાગના દેશોમાં લોકડાઉન હોવાથી હાલમાં એવી પરિસ્થિતિ જોવા મળતી નથી. કોરોના વાઇરસ મહામારી જેવા સંજોગો અગાઉ ક્યારેય પણ જોવા મળ્યા નથી અને ભારે આનંદ ઉલ્લાસ સાથે ઉજવાતા આ પર્વ હાલમાં એક પારિવારિક ઉત્સવ બની ગયો છે. આમ તો સામાન્ય સંજોગોમાં તે સામૂહિક બંદગી અને સમૂહમાં એકબીજાને મળતા હોય તેવા દ્રશ્યો ઇફ્તારની સમી સાંજે જોવા મળતા હતા.
કોરોના વાઇરસ મહામારીને કારણે અસરગ્રસ્ત દેશોના મુસ્લિમ ધર્મના અનુયાયીઓએ ઉજવણીમાં ફેરફાર કર્યો છે. તેની સાથે ઇસ્લામ ધર્મના સૌથી પવિત્ર સ્થળો મક્કા અને મદિનામાં પણ નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે.
એક અસામાન્ય સંજોગોમાં સાઉદી અરેબિયન સરકારે મક્કામાં અલ મસ્જિદ અલ હરામ (ધી ગ્રેટ મોસ્ક - સૌથી મોટી મસ્જિદ) અને મદિનામાં અલ મસ્જિદ અન-નબવી (પયગંબર સાહેબની મસ્જિદ) બંધ રાખવાનો આદેશ ફરમાવ્યો છે. આમ તો રમઝાન માસમાં આ સ્થળે ભારે જનમેદની ઉમડતી હતી પરંતુ આધુનિક ઇતિહાસમાં સૌપ્રથમવાર રમઝાન માસમાં આ બન્ને મસ્જિદો બંધ રાખવામાં આવી છે. જે એ બાબતને પ્રદર્શિત કરે છે કે મહામારી કેટલી જીવલેણ છે અને તેનો સામનો કરવા માટે આ જરૂરી છે.
સાઉદી પ્રેસ એજન્સી (એસપીએ)ના જણાવ્યા પ્રમાણે રવિવારે કિંગ સલમાન દ્વારા તેમના રાજ્યમાં કર્ફ્યુ આંશિક રીતે ઉઠાવી લેવાની જાહેરાત કરી હતી. દરેક પ્રદેશમાં સવારના નવથી સાંજના પાંચ વાગ્યા સુધી કર્ફ્યુ ઉઠાવી લેવાની જાહેરાત થઇ છે. જે ૧૩ મે સુધી રહેશે. આ શાહી ફરમાન મક્કામાં ૨૪ કલાકનો કર્ફ્યુ યથાવત રહેશે અને તેની નજીકના વિસ્તારોમાં કે જેને આઇસોલેશનમાં મુકવામાં આવ્યા છે ત્યાં પણ યથાવત પરિસ્થિતિ રહેશે.
દેશ દ્વારા જોકે કેટલીક વાણિજ્યિક અને આર્થિક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે જેમાં જથ્થાબંધ અને છુટક સ્ટોર્સ અને શોપિંગ સેન્ટર અને મોલ્સ બુધવારથી ફરીથી શરૂ થશે. જે ૧૩ મે સુધી ખુલ્લી રહેશે. અગાઉના આદેશોમાં જે પ્રવૃત્તિઓને છુટછાટ આપવામાં આવી છે તેમાં આ વધારાની છુટછાટ આપવામાં આવી છે.
જોકે શાહી ફરમાનમાં તે બાબત ઉપર ભાર મુકવામાં આવ્યો છે કે જે કેન્દ્રોમાં સોશિયલ ડિસ્ટન્સીંગનો અમલ નહીં થાય ત્યાં છુટછાટ ઉઠાવી લેવામાં આવશે. જેમાં બ્યુટી ક્લિનિક, બાર્બર સલૂન, સ્પોર્ટ્સ, હેલ્થ ક્લબ, રીક્રિએશન સેન્ટરો, સિનેમા, બ્યુટી સલૂન, રેસ્ટોરાં, કેફે અને અન્ય પ્રવત્તિઓ સંબંધિત સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવી છે એમ એસપીએનો અહેવાલ દર્શાવે છે.
સાઉદી સત્તાવાળાઓએ દેશના કેટલાક ભાગમાં નિયંત્રણો હળવા કરવા છતાં કાબાની સૌથી મસ્જિદની આસપાસ એક ખાલીપો એટલે કે સૂમસામ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. આમ તો આ સ્થળ સમગ્ર વર્ષ દરમિયાન ભારે જનમેદનીથી ભરાયેલું જોવા મળતું હતું. અહેવાલ એમ પણ જણાવે છે કે જુલાઇથી શરૂ થનાર વાર્ષિક હજયાત્રા પણ તાજેતરના ઇતિહાસમાં કદાચ સહુપ્રથમવાર રદ કરી શકાય તેમ છે, કેમ કે સાઉદી અરેબિયાએ મુસ્લિમ સમાજને તેની અપીલ પણ કરી છે.
વિશ્વમાં બીજાં સ્થળોએ પણ ચિત્ર અલગ નથી
ભારતમાં રાજકીય અને ધાર્મિક નેતાઓએ મુસ્લિમ સમાજના લોકોને રમઝાનની નમાઝ તેમના ઘરે જ અદા કરવા અપીલ કરી છે. કેમ કે કોરોના વાઇરસ સામેની લડાઇમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારી દ્વારા એક વીડિયો સંદેશમાં વિનંતી કરવામાં આવી છે કે લોકો બિનજરૂરી બહાર ન નીકળે, નમાઝ અને તરબી (ધાર્મિક પ્રાર્થના) ઘરેથી જ અદા કરવામાં આવે. ફતેહપુર મસ્જિદના શાહી ઇમામ મુફ્તી મુકરમ અહેમદ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે જેઓ ક્વોરેન્ટાઈન હેઠળ છે અને ઉપવાસ રાખી શકતા નથી તેઓ કાઝાનો ઉપયોગ કરી શકે છે.
પાકિસ્તાનમાં કટ્ટરવાદી મૌલવીઓ દ્વારા વડાપ્રધાન ઇમરાન ખાન પર દબાણ લાવીને રમઝાન માસ દરમિયાન મસ્જિદોમાં સામુહિક બંદગીની મંજૂરી મેળવવામાં આવી છે. જોકે તે શરતી મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયનો પાકિસ્તાનમાં તબીબો અને વિરોધપક્ષો દ્વારા ભારે વિરોધ થઇ રહ્યો છે કેમ કે કોરોનાને કારણે પાકિસ્તાનમાં પણ નવ મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
સમગ્ર વિશ્વમાં જ્યાં મુસ્લિમોની સહુથી વધારે વસતી છે તેવા ઇન્ડોનેશિયા દેશમાં મહામારીએ માત્ર ધાર્મિક ઉત્સવ ઉપર જ અસર કરી છે એવું નથી પરંતુ ત્યાંના ધંધા રોજગારને પણ અસર કરી છે. સામાન્ય રીતે રમઝાનના એક મહિના દરમિયાન ત્યાં ભારે જાહોજલાલી જોવા મળતી હતી.
ઇનેડોનેશિયામાં મસ્જિદો રૂઢિચુસ્ત અસેહ પ્રાંતમાં આવેલી છે. એપી ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ સ્થળ રેડ ઝોન એરિયામાં નથી એવું ત્યાંના ટોચના ધાર્મિક સંગઠન દ્વારા જાહેર કર્યા બાદ મસ્જિદોમાં ભારે ભીડ જોવા મળી રહી છે અને સામાન્ય સંજોગોની જેમ જ અલ્લાહની બંદગી અદા કરવામાં આવી રહી છે. આ પ્રદેશનું સંચાલન ઇસ્લામિક કાયદા હેઠળ સ્વાયત કરાર દ્વારા થાય છે.
એજન્સીના જણાવ્યા પ્રમાણે સીંગાપોર અને બ્રુનેઇની નજીકના મલેશિયાએ તેમના જાણીતા રમઝાન બજારો બંધ રાખવાની જાહેરાત કરી છે. સામાન્ય રીતે સંખ્યાબંધ નાના વેપારીઓ માટે તે આવકનો એક સ્રોત ગણાતો હતો. પ્રતિબંધને કારણે તેમાંથી કેટલાક વેપારીઓએ હવે ઓનલાઇન બીઝનેસનો વિકલ્પ અપનાવ્યો છે.