લંડનઃ પોતાને આધ્યાત્મિક ગુરૂ ગણાવતા રાજિન્દર કાલિયા પર તેમની સાત પૂર્વ શિષ્યાઓએ 8 મિલિયન પાઉન્ડનો દાવો માંડી કથિત બળાત્કારના આરોપ મૂક્યા છે. હાઇકોર્ટ જજને જણાવવામાં આવ્યું હતું કે, રાજિન્દર કાલિયા પોતાને ચમત્કારી બાબા ગણાવે છે જે માંદાને સાજા કરી શકે છે અને તેમના પર દેવીનો આશીર્વાદ છે.
સાત મહિલાઓએ દાવો કર્યો છે કે કોવેન્ટ્રીના 68 વર્ષીય કાલિયાએ ચાર મહિલાઓ પર બળાત્કાર કર્યા હતા તેમાંથી 3 તો સગીર હતી. કાલિયાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, આ મહિલાઓ મૂળભૂત રીતે અપ્રમાણિક છે અને મારા અસીલ તમામ આરોપ નકારી કાઢે છે.
ભારતમાં મોટર સાઇકલનો અકસ્માત થયા બાદ 1986માં રાજિન્દર કાલિયા 21 વર્ષની વયે યુકે આવ્યા હતા. તેમનો દાવો હતો કે અત્યંત ગંભીર ઇજાઓ થવા છતાં હિમાચલ પ્રદેશની મુલાકાત લીધા બાદ તેઓ ચમત્કારિક રીતે ચાલી શક્તા હતા.
ઇંગ્લેન્ડ આવ્યા બાદ કાલિયાએ કોવેન્ટ્રીમાં બાબા બાલકનાથ મંદિરનો પ્રારંભ કર્યો હતો. તેઓ પોતાને ભગવાનનો અવતાર ગણાવતા હતા. હાલ 57 વર્ષની મહિલાએ આરોપ મૂક્યો હતો કે કાલિયાએ છેલ્લા 22 વર્ષમાં 1300 કરતાં વધુ વાર મારા પર બળાત્કાર કર્યો હતો. બીજી એક મહિલાએ કોર્ટને જણાવ્યું હતું કે, હું 13 વર્ષની હતી ત્યારથી કાલિયાએ મારું શારીરિક શોષણ શરૂ કર્યું હતું. 2017માં મેં જ્યારે પોલીસ ફરિયાદ કરી ત્યારે કાલિયાના અનુયાયીઓએ મારા પર એસિડ વડે હુમલો કરવાની ધમકી આપી હતી.