ક્રોયડનઃ સંખ્યાબંધ ખરીદારો અને કોમ્યુનિટી ગ્રૂપ્સને આકર્ષતા સૌથી મોટા ક્રોયડન દિવાળી મેળાનું આયોજન ૨૨ ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું. ક્રોયડન હિન્દુ કાઉન્સિલના નેજા હેઠળ ચેરપર્સન મિસ મયુરા પટેલ દ્વારા આયોજિત મેળાનું આ બીજુ વર્ષ હતું. ક્રોયડન દિવાળી મેળાનું ઉદ્ઘાટન પૂર્વ મેયર મંજુ શાહુલ હમીદ, CHCના સ્થાપક ડો. જગદીશ શર્મા અને હિન્દુ કાઉન્સિલ યુકેના સત્ય મિન્હાસના હસ્તે કરવામાં આવ્યું હતું.
ગણેશ ભગવાનની પ્રાર્થના પછી સિતારવાદનનો લાભ સર્વેએ લીધો હતો. રાગસુધા વિન્જામુરીના સુર ભારતી અને સંસ્કૃતિ, ગુજરાતી વિમેન ઈન યુકે, કુંતલ્સ ડાન્સ કંપની તેમજ સંસ્ક્રિતી ગુરુ જૂથોના નૃત્યકારો દ્વારા પરફોર્મેન્સે વાતાવરણમાં રંગત જમાવી હતી. અન્ય કળાકારોએ પણ કળાપ્રદર્શન કર્યું હતું.
આ મેળામાં મહારાષ્ટ્ર મંડળ ઓફ લંડનના સભ્યો દ્વારા ઢોલ બીટ્સ અને લેઝિમ્સના કરતબોએ લોકોનું મન મોહી લીધું હતું. ભાંગડા નૃત્યમાં તો લોકોએ પણ સામેલ થઈને મોજ માણી હતી. ગીત અને નૃત્યોમાં ઓડિયન્સ સામેલ થવા સાથે આ કાર્યક્રમ ભારે સફળ રહ્યો હતો.
મિસ મયુરા પટેલે આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેઓ ગત ૨૮ વર્ષથી પોતાના કાર્યક્રમો અને ડાન્સ પ્રવૃત્તિઓ સાથે ક્રોયડન કોમ્યુનિટી અને લંડનના અન્ય બરોઝની સેવા કરતાં આવ્યાં છે.