લંડનઃ ફ્રાન્સની સેનેટને સંબોધન કરતા કિંગ ચાર્લ્સ તૃતીયે ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇને વેગ આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જ આપણા અસ્તિત્વ સામેનો સૌથી મોટો પડકાર છે. બ્રિટનની રાજગાદી પર આરૂઢ થયા પછી પહેલીવાર ફ્રાન્સની સેનેટને સંબોધન કરતા કિંગ ચાર્લ્સે બાયોડાયવર્સિટીની કટોકટીને વધુ અસરકારક રીતે હાથ ધરવા આહવાન કર્યું હતું. કિંગ ચાર્લ્સ લક્ઝમબર્ગ પેલેસમાં ઓર્નેટ ચેમ્બરમાં સંબોધન કરનાર પ્રથમ બ્રિટિશ રાજવી હતા. પોતાના 18 મિનિટના સંબોધનમાં કિંગ ચાર્લ્સે મુખ્યત્વે ક્લાઇમેટ ચેન્જના મુદ્દા પર ભાર મૂક્યો હતો.
ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ પર્યાવરણની જાળવણી માટે કિંગ ચાર્લ્સ દ્વારા ચલાવાતા અભિયાનની પ્રશંસા કરી હતી. ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં કિંગ ચાર્લ્સના યોગદાનને પણ મેક્રોંએ વધાવ્યું હતું. તેમણે કિંગ ચાર્લ્સને જણાવ્યું હતું કે, જી-7 સમિટ ખાતે તમે કરેલું સંબોધન મને આજે પણ યાદ છે. તમે વર્ષો પહેલાં ક્લાઇમેટ ચેન્જ સામે અભિયાન શરૂ કર્યું હતું.
બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલાએ ગત સપ્તાહે ફ્રાન્સની ત્રણ દિવસની સત્તાવાર રાજકીય મુલાકાત લીધી હતી. મુલાકાતના પ્રથમ દિવસે પેલેસ ઓફ વર્સેઇલ્સ ખાતેના હોલ ઓફ મિરર્સમાં આયોજિત ભોજન સમારોહ પહેલાં ગેસ્ટ ઓફ ઓનરથી રાજવી દંપતીને સન્માનિત કરાયું હતું. કિંગ ચાર્લ્સે જુદા જુદા સ્થળ પર જઇને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્રણ દિવસની ઐતિહાસિક યાત્રાના ત્રીજા દિવસે કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ બોર્ડેક્સમાં એચએમએસ આયર્ન ડ્યુકના ફ્લાઇટ ડેક પર આયોજિત રિસેપ્શનમાં હાજરી આપી હતી. તેમની ફ્રાન્સની યાત્રાથી બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો નવી ઊંચાઇ પર પહોંચે તેવી શક્યતા છે.