કોર્નવોલ, લંડનઃ કોર્નવોલમાં આયોજિત જી-૭ શિખર પરિષદમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયે શુક્રવાર, ૧૧ જૂનની રાત્રે વિશ્વનેતાઓ માટે કોર્નવોલના એડન પ્રોજેક્ટ ઈનડોર રેઈનફોરેસ્ટ ખાતે ડિનર સમારંભ યોજ્યો હતો અને તેમણે બધા નેતાઓ સાથે હસીમજાક કરીને વાતાવરણ હળવું બનાવ્યું હતું. ક્વીનના આ પાસાથી જો અને જિલ બાઈડેન, ઈમાન્યુએલ મેક્રોં સહિત વિશ્વનેતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા.
શાહી પરિવારની ત્રણ પેઢીઓ નેતાઓના સ્વાગત માટે કોર્નવોલમાં ઉપસ્થિત રહી હતી. ક્વીને કોર્નવોલમાં એડન પ્રોજેક્ટ ખાતે ઓપન-એર રિસેપ્શનનું આયોજન કરાવ્યું હતું. ક્વીનની સાથે પ્રિન્સ ઓફ વેલ્સ, ડચેસ ઓફ કોર્નવોલ, ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ હાજર રહ્યાં હતાં.
આખા દિવસની ભારેખમ રાજકીય વાટાઘાટો અને વાતો પછી થાકેલા વિશ્વનેતાઓ માટે ક્વીન દ્વારા આયોજિત ડિનર ટોનિક સમાન બની રહ્યું હતું. નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગ્રૂપ ફોટો માટે પોઝ કેવી રીતે આપવો તેની મથામણમાં હતા ત્યારે ૯૫ વર્ષીય ક્વીને બધાના મગજમાં રમતો પ્રશ્ન કરીને વાતાવરણ હળવું બનાવ્યું હતું. ક્વીને પ્રશ્ન કર્યો હતો કે, ‘શું આપણે બધાએ આનંદિત હોઈએ તેવું દેખાવાનું છે?’ આ સાથે જ બોરિસ જ્હોન્સને ભારપૂર્વક કહ્યું હતું કે ‘ચોક્કસ.’ આ સાથે જ ક્વીન તેમજ પ્રમુખો અને વડા પ્રધાનો હાસ્ય ખાળી શક્યા ન હતા.
યુએસ પ્રમુખ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ પણ ક્વીનની અન્ય મજાક સાંભળી મોટેથી હસતાં જણાયાં હતાં. ક્વીનની પ્રમુખ બાઈડેન સાથે આ પ્રથમ મુલાકાત છે. પ્રિન્સ વિલિયમ અને કેટ માટે સીનિયર રોયલ્સ તરીકે આ પ્રથમ જી-૭ શિખર પરિષદ છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો તેમની સાથે વાતચીતમાં પરોવાયાં હતાં. અગાઉ, ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેને જી-૭ સમિટમાં બાળવિકાસની ચર્ચા સંદર્ભે કોર્નવોલના હેઈલ ખાતેની કોનોર ડેવોન્સ એકેડેમીની મુલાકાત લીધી હતી.