લંડનઃ રોજિંદા ખોરાકમાં ખાદ્યતેલનો ઉપયોગ કરતા બ્રિટિશરોને એક ટોચના ડોક્ટર દ્વારા ચેતવણી અપાઇ છે કે આ તેલોમાં કેન્સરકારક તત્વ રહેલું છે. નિષ્ણાતોનું માનવું છે કે તેલીબિયાંમાંથી તૈયાર થતા ખાદ્યતેલમાં લિનોલેસિક એસિડ નામનું કોમન ફેટ રહેલું છે જે કેન્સરના કોષોને જન્મ આપે છે અને તેમને ઝડપથી વધવામાં મદદ કરે છે. આજે કરોડો લોકો દ્વારા ખાદ્યતેલોનો ઉપયોગ કરાય છે જે તેમનામાં બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે છે.
ઓન્કોલોજિસ્ટ પ્રોફેસર જસ્ટિલ સ્ટેબિંગે ચેતવણી આપી છે કેલોકોએ ખાદ્યતેલના ઉપયોગને ઘટાડવો જોઇએ જેથી ભવિષ્યમાં જોખમને નિવારી શકાય. રિસર્ચમાં સામેલ ડો. જ્હોન બ્લેનિસે જણાવ્યું છે કે આપણે હવે જાણીએ છીએ કે લિનોલેસિક એસિડ કેન્સરના કોષોને વૃદ્ધિમાં ચોક્કસ પ્રકારે મદદ કરે છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ પશ્ચિમી સ્ટાઇલના ખોરાકમાં સૌથી ખરાબ અનસેચ્યુરેટેડ ફેટ છે. તે એનિમલ પ્રોડક્ટ્સ અને વેજિટેબિલઓઇલમાંથી તૈયાર કરાતા પ્રોસેસ્ડ ફૂડમાં સૌથી વધુ હોય છે.