લંડનઃ સેંકડો સબ પોસ્ટમાસ્ટર્સને ખોટી રીતે સજા અને નાણાકીય નુકસાનમાં સંડોવી દેતા હિસાબી ગરબડોના કૌભાંડથી કુખ્યાત બનેલી પોસ્ટ ઓફિસ તેની ખોટ ખાઈ રહેલી 6000થી વધુ બ્રાન્ચીસને સિક્રેટ પ્લાન હેઠળ વેચી દેવા માગતી હોવાનો આક્ષેપ કેમ્પેઈનર્સે લગાવ્યો છે. હાલ પોસ્ટ ઓફિસ 11,000થી વધુ બ્રાન્ચ ધરાવે છે.
હિસાબી ગરબડોની કોમ્પ્યુટર સિસ્ટમની ભૂલ હજારો પોસ્ટ માસ્ટર્સની માથે નાખી તેમને સજા કરાવનારી પોસ્ટ ઓફિસની કોર્ટમાં હાર થઈ છે અને તેમને અપાનારા વળતર અને કાનૂની ફી પાછળ કરદાતાઓના આશરે 1 બિલિયન પાઉન્ડનો જંગી ખર્ચ થવાનો છે. આ પરિસ્થિતિમાં પોસ્ટ ઓફિસ નેટવર્કની અડધાથી વધુ એટલે કે ખોટ કરી રહેલી 6,000 બાન્ચને વેચવાની યોજના આકાર લઈ રહી છે. કેમ્પેઈનર્સ માને છે કે પોસ્ટ ઓફિસને જ્હોન લેવિસ સ્ટાઈલમાં સ્ટાફ દ્વારા સંચાલિત ‘મ્યુચ્યુઅલ’ કંપનીમાં તબદીલ કરવામાં આવશે.
આ કૌભાંડની પબ્લિક ઈન્ક્વાયરી સમક્ષ જુબાની આપતાં ગ્લોસ્ટરશાયરના બેકફોર્ડમાં ૨૦ વર્ષથી પોસ્ટઓફિસ ચલાવતાં પૂર્વ પોસ્ટમિસ્ટ્રેસ સોલી સ્ટ્રિંગરે જણાવ્યું હતું કે સત્તાવાળાઓ સરકારી માલિકીના નેટવર્કને ઘટાડવાની ચર્ચા કરી રહ્યા હતા તેનાથી મોટો આંચકો લાગ્યો હતો. અન્ય વર્કર્સ સાથે મધ્યસ્થીની વાતચીત દરમિયાન એક એક્ઝિક્યુટિવે તેમને જણાવ્યું હતું કે મ્યુચ્યુલાઈઝ થયા પછી પણ આપણી પાસે 5,000 ઓફિસીસ રહેશે.
લગભગ એક દાયકા અગાઉ, પોસ્ટ ઓફિસના મ્યુચ્યુલાઈઝેશનનો પ્રસ્તાવ મૂકાયો હતો પરંતુ, પાછળથી તેને પડતો મૂકાયો હતો. કોમ્યુનિકેશન વર્કર યુનિયનના માર્ક બેકરના માનવા અનુસાર પોસ્ટ ઓફિસ પોસ્ટમાસ્ટર્સને તેની માલિકીમાં હિસ્સો આપવા માગે છે. જોકે, નફો ન કરતી બ્રાન્ચીસ વેચી દેવાય અને સરકાર લોકલ લાઈબ્રેરી સર્વિસની માફક તેમને ચલાવે તો જ આ વિચાર સફળ થઈ શકે તેમ છે.