લંડનઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ તેમની આઠ વર્ષની મુદત પૂર્ણ કરવાનો સંકેત આપ્યો છે. કાર્ની ૨૦૧૨માં થ્રેડનીડલ સ્ટ્રીટમાં ગવર્નર તરીકે નિયુક્ત થયા ત્યારે તેમણે આ હોદ્દા પર પાંચ વર્ષથી વધુ સમય નહિ રહે તેમ જણાવ્યું હતું. કાર્નીએ ગવર્નરપદે આઠ વર્ષની પૂર્ણ મુદતની સેવાનો સંકેત આપતા જણાવ્યું છે કે હજુ ઘણું કાર્ય કરવાનું બાકી છે.
એક અખબારી મુલાકાતમાં કાર્નીને પૂછાયું હતું કે તેઓ પાંચ વર્ષની મુદત વધારશે કે કેમ? જેના ઉત્તરમાં ગવર્નરે કહ્યું હતું કે,‘હજુ તો પાંચ વર્ષના અર્ધા રસ્તે પણ પહોંચ્યો નથી. આથી જવાબ આપવો ઘણો વહેલો છે.’ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને કેનેડાની સેન્ટ્રલ બેન્કના પૂર્વ વડા કાર્નીએ એક વર્ષ સુધી સમજાવ્યા હતા અને તેઓ પાંચ વર્ષથી વધુ સેવા નહિ આપે તેમ જણાવી આ હોદ્દા માટે રાજી થયા હતા.