ગાંધી નિર્વાણ દિન પ્રસંગે ભારતીય હાઇકમિશન અને ઇન્ડિયા લીગના ઉપક્રમે સેન્ટ્રલ લંડનના ટેવિસ્ટોક સ્કવેર ખાતે યોજાયેલા એક સમારોહમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અંજલિ અર્પણ કરાઇ હતી. આ ઉપરાંત વેસ્ટ મિન્સ્ટર સ્થિત પાર્લામેન્ટ સ્કવેર ખાતે ગત વર્ષ જ સ્થાપિત કરાયેલ ગાંધીજીની પ્રતિમા સમક્ષ પણ પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી.
ટેવિસ્ટોક સ્કવેર ખાતે તા. ૩૦ જાન્યુઆરીના રોજ યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા નવનિયુક્ત ભારતીય હાઇકમિશ્નર શ્રી નવતેજ સિંઘ સરનાએ જણાવ્યું હતું કે 'આલ્બર્ટ આઇનસ્ટાઇને મહાત્મા ગાંધીજી વિષે જે જણાવ્યું હતું તેમાં તેઅો મહદ અંશે સાચા હતા. ૬૮ વર્ષ પહેલા ગાંધીજી હત્યારાની ગોળીએ હણાયા હતા અને પ્રાર્થનાના માર્ગે જતા તેમનું મરણ થયું હતું.'
ઇન્ડિયા લીગના ચેરમેન અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલે જણાવ્યું હતું કે 'ગાંધીજી આજે ભલે આપણી સાથે નથી પરંતુ તેમના વિચારો આપણી સાથે છે.' કેમડેનના મેયર કાઉન્સિલર લેરેઇન રેવાહનો આભાર માનતા સીબી પટેલે જનાવ્યું હતું કે 'ભારત બહાર યુકેમાં આ સ્થળ મહાત્મા ગાંધીજીની પ્રતિમા માટે સૌથી વધારે મહત્વ ધરાવે છે. આ સ્ટેચ્યુ માટે ઇન્ડિયા લીગ અને કેમડેન કાઉન્સિલે આમ આદમીઅો પાસેથી £૮૦,૦૦૦ જેટલી માતબર રકમ એકત્ર કરી હતી. શ્રી સરનાના વખાણ કરતા શ્રી સીબીએ જણાવ્યું હતું કે તેઅો શબ્દોના માણસ છે અને તેમણે કેટલાક પુસ્તકો પણ લખ્યા છે.
કેમડેનના મેયર કાઉન્સિલર રેવાહે જણાવ્યું હતું કે 'મહાત્મા ગાંધી ખાસ કરીને તેમના અહિંસાના સંદેશ માટે વિશ્વભરના ઘણા લોકો માટે પ્રેરણા સ્ત્રોત સમાન હતા. તેથી જ તો અહિંસક વિરોધ હિંસા કરતા વધારે સફળ થાય છે.'
આ પ્રસંગે લોર્ડ રણબીર સિંઘે પ્રાસંગીક વક્તવ્ય આપ્યું હતું. ભારતીય વિદ્યાભવનના એક્ઝીકયુ્ટીવ ડાયરેક્ટર શ્રી નંદ કુમારે 'અસતો મા સદ્ગમય' પ્રાર્થના રજૂ કરી હતી તેમજ ભવન્સની બે બહેનોને ગાંધીજીને પ્રિય ભજન 'રઘુપતિ રાઘવ' રજૂ કર્યું હતું. જ્યારે બૌધ મઠના ભીખ્ખુ જી નાગસેએ બૌધ્ધ પ્રાર્થના રજૂ કરી હતી.
આ પ્રસંગે શ્રી નવતેજ સિંઘ સરના, સીબી પટેલ, મેયર રેવાહ, ડે. હાઇ કમિશ્નર વિરેન્દ્ર પૌલ તેમજ સ્થાનિક અગ્રણીઅોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હેડ અોફ ચાન્સેરી અને મિનિસ્ટર ફોર કો-અોર્ડીનેશન શ્રી સુનિલ કુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. આજ રીતે પાર્લામેન્ટ સ્કવેર ખાતે સર્વશ્રી નવતેજ સરના, વિરેન્દ્ર પૌલ, એએસ રાજન અને અન્ય અગ્રણીઅોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.