ગુજરાત ભારતનું આર્થિક પાવર હાઉસ, રાજ્યમાં બ્રિટિશ યુનિવર્સિટીઓના કેમ્પસની ઇચ્છાઃ સ્કોટ

ગુજરાત સાથે ઓફશોર વિન્ડ, શિક્ષણ અને સાયબર સિક્યુરિટી ક્ષેત્રે વધુ ભાગીદારી થશેઃ બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશ્નર

Tuesday 16th July 2024 05:58 EDT
 
 

લંડનઃ યુનાઈટેડ કિંગડમ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે બન્ને પક્ષે ભાગીદારી વધારે મજૂબત બને અને 2036માં ભારતની અમદાવાદ ખાતે ઓલિમ્પિક યોજવાની બિડિંગ તથા તેના આયોજનમાં મદદરૂપ થવા તૈયાર છે એમ બ્રિટનના નવી દિલ્હી ખાતેના ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટીના સ્કોટે અમદાવાદની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. ડેપ્યુટી હાઈ કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત અને તમિલનાડુ ભારતમાં પવન ઉર્જા ક્ષેત્રે સૌથી અગ્રેસર છે જયારે બ્રિટન ઓફશોર વિન્ડ ફાર્મિંગ ક્ષેત્રે આગળ છે તો એ દિશામાં પણ આગળ વધવા તેમનો દેશ ઉત્સુક છે.
તેમણે જણાવ્યું હતું કે, લેબર પાર્ટીની નવી સરકાર માટે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વધારે મજબૂત બને એ સૌથી મોટી પ્રાથમિકતા છે. બન્ને દેશ વચ્ચે માત્ર વ્યક્તિથી વ્યક્તિ નહી પણ સાંસ્કૃતિક, આર્થિક વિકાસને વેગ મળે, આંતરિક અને વૈશ્વિક સુરક્ષા તેમજ કલાયમેટ ચેન્જ જેવા વિવિધ મુદ્દા છે. માત્ર બ્રિટન એક એવો દેશ છે જેની અમદાવાદ ખાતે કાયમી ડિપ્લોમેટિક ઓફીસ છે. ગુજરાત સાથેના સંબંધો અંગે ક્રિસ્ટીના સ્કોટે જણાવ્યું હતું કે રાજ્ય અને દેશ વચ્ચે મજબૂત વ્યક્તિગત સંબંધો છે. ત્રીજા ભાગના બ્રિટીશ ઇન્ડિયન ગુજરાતી છે. ગુજરાત આર્થિક રીતે એક પાવરહાઉસ છે અને ગુજરાતના જન પ્રતિનિધિઓ ભારતમાં મહત્વની ભૂમિકા ઉપર છે. વિદ્યાર્થીઓ, વ્યાપારીઓ પણ સતત બન્ને તરફ પ્રવાસ કરે છે. બ્રિટીશ કંપનીઓ માટે ગુજરાતમાં અનેક તક રહેલી છે, રોકાણ કરેલું છે અને હવે ગિફ્ટ સિટી પણ અમારા માટે મહત્વનું છે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણમાં વધારે કામગીરી થાય એવી ચર્ચા ચાલી રહી છે.
આ ઉપરાંત અમે સાયબર સિક્યુરીટીમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી સાથે કામગીરી કરી રહ્યા છીએ. શિક્ષણમાં વધુને વધુ વિદ્યાર્થીઓ ગુજરાતથી યુકે આવે, બન્ને દેશની યુનિવર્સિટી વચ્ચે કોઈ લીંક અપ થાય, અહીના વિદ્યાર્થીઓ અહી રહીને જ અનુભવી બ્રિટીશ પ્રોફેસર પાસે ભણે, બ્રિટીશ અભ્યાસ કરે એ અંગે ચર્ચા ચાલી રહી છે. અહી યુકેની યુનિવર્સીટીના કેમ્પસ હોય, વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિક અને એન્જિનિયર સાથે ભણે એટલું જ નહી પણ રિસર્ચ ક્ષેત્રે પણ જોડાય એવો ઉદ્દેશ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter