વાર્કે જેમ્સ ફાઉન્ડેશનના એવોર્ડની ટોપ-૧૦ શિક્ષકોની યાદી ફેબ્રુઆરી ૨૦૧૫માં અને આખરી વિજેતાની જાહેરાત દુબઈમાં ગ્લોબલ એજ્યુકેશન એન્ડ સ્કિલ્સ ફોરમમાં ૧૬ માર્ચ, ૨૦૧૫ના રોજ થશે. નોબેલ પુરસ્કારની સમકક્ષ ગણાતા શિક્ષણ માટેના આ એવોર્ડ તેની કક્ષાનો સૌથી મોટો છે અને વિશ્વના દરેક દેશની દરેક શાળાના શિક્ષકો માટે ખુલ્લો છે. શિક્ષકો તેમના વિદ્યાર્થીઓના દિલોદિમાગને કેવી રીતે ખુલ્લાં કરે છે, સમાજને કેટલું પ્રદાન કરે છે અને અન્યોને શિક્ષક બનવા કેવું પ્રોત્સાહન આપે છે તેને એવોર્ડ માટે ધ્યાનમાં લેવાશે. યુએસએના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટ્ન Varkey GEMS ફાઉન્ડેશનના માનદ ચેરમેન છે.
અમદાવાદનાં શિક્ષિકા કિરણ બીર સેઠી શાળાની ‘ડિઝાઈન થિન્કિંગ’ શિક્ષણમાં કેન્દ્રસ્થાને છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને માત્ર બૌદ્ધિક રીતે જ નહિ, હેતુપૂર્વક સમજવા પર પ્રોત્સાહન અપાય છે. અન્યોને કેવી રીતે મદદરુપ બનવું તે સમજતા ભાવિ સહયોગી અને નાગરિક નેતાઓના સર્જનને ઉત્તેજન મળે છે. કિરણ કહે છે કે ‘ડિઝાઈન થિન્કિંગ’ પદ્ધતિમાં પરિસ્થિતિઓને સમસ્યા નહિ, પરંતુ તક તરીકે જોવામાં આવે છે. જો તેને આ ઈનામ મળશે તો તેના ભંડોળનો ઉપયોગ સમગ્ર વિશ્વની શાળાઓમાં આ પદ્ધતિને ફેલાવવામાં કરશે.
રાજકોટનાં ટીચર બીજલ દામાણી વિદ્યાર્થીઓને કોમર્સ શીખવે છે. બાળકોને અભ્યાસ રોમાંચક બનાવવા તેણે કરેલી એક પહેલનું નામ ‘પ્રોજેક્ટ ગેલેક્સી બાઝાર’ છે. સામાજિક ઉદ્યોગસાહસિકતા પ્રોજેક્ટમાં બાળકોને વેપારની રીતરસમ જાણવા મળે છે. આ માટે તેમણે આશરે ૬૦,૦૦૦ ડોલર એકત્ર કર્યાં છે. બીજલ ઈનામના નાણાનો ઉપયોગ ‘Bridge The Gap’ પ્રોગ્રામ સ્થાપવા કરશે, જેમાં વિદ્યાર્થીઓ પેરન્ટ્સ અને શિક્ષકોને પણ સૂચનાઓ આપશે.
કોલકાતાનાં હીરા પ્રસાદ બાળકોને ગણિત શીખવે છે. તેઓ ગણિત શીખવવામાં નૃત્ય અને સંગીતનો પણ ઉપયોગ કરે છે, જેનાથી બાળકોમાં ગણિત વિશેનો ડર દૂર થાય છે. તેમને ૨૦૦૪માં બેસ્ટ ઈન્ટિગ્રેશન ઓફ ટેકનોલોજી ઈન ક્લાસરૂમ લર્નિંગ માટે ઈન્ટેલનો નેશનલ એવોર્ડ એનાયત કરાયો હતો. આ પ્રકારની પહેલનો ઉપયોગ કરવા તેમણે કોલકાતાના ૩૦૦ શિક્ષકને તાલીમ આપી છે. હીરા પ્રસાદ ઈનામના નાણાનો ઉપયોગ સમગ્ર ભારતમાં તેમની શિક્ષણપદ્ધતિના પ્રસાર માટે ટીમના નિર્માણમાં કરવા માગે છે.