ગુજરાતને ગતિશીલનું બિરૂદ આપવામાં આવ્યું છે. પણ ગુજરાતનાં મોટા શહેરો કરતા અમુક નાના ગામડા તો એટલા ગતિશીલ થયા છે કે ભલભલા મોટા અને સુવિધાસભર શહેરોને પાછળ છોડીને વિકાસમાં જેટ ગતિ પકડી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સાંસદોને અલ્પ વિકસિત ગામોને દત્તક લઈ તેનો યોગ્ય વિકાસ કરવાનું સૂચન કર્યું હતું. ગુજરાતમાં એવા ઘણા ગામો છે કે જે ગામ લોકોના સહયોગથી આપમેળે જ વિકાસ સાધી શહેરોની સુવિધાઓને ઝાંખી પાડી રહ્યાં છે. આવું જ ગુજરાતનું એક ગામ મલાતજ સૌપ્રથમ ઈ-ગ્રામ તરીકે જાણીતું બન્યું છે. મલાતજ એ ચરોતરના આણંદ જિલ્લાનું ગામ છે. અા ગામનાં લંડનસ્થિત એક દાતાએ ગામની સીકલ બદલી દીધી છે. અાજે અા મલાતજ ગામ ‘પિંક વીલેજ' તરીકે જાણીતુ બન્યું છે.
ચરોતર વિસ્તારનાં મોટા ભાગનાં લોકો વિદેશમાં વસવાટ કરે છે. જેઓ પોતાનાં વતનનું ઋણ અદા કરવા માટે કરોડો રૂપિયાના દાન થકી ગામમાં અનેક સુવિધાઓ વિકાસાવે છે. મલાતજ ગામનાં ૪૦૦ જેટલા પરિવારો લંડનમાં વસવાટ કરે છે, જ્યારે ૨૫૦ જેટલા પરિવારો યુએસમાં વસવાટ કરે છે. તેમાંના ઘણા એનઆરઆઈ દાતાઓએ અા ગામનાં વિકાસ માટે દાન કર્યું છે પણ લંડનસ્થિત ૮૩ વર્ષના ડાહ્યાભાઈ ચતુરભાઇ પટેલે એક કરોડ રૂપિયાથી વધુનું દાન કરી ગામની સીકલ બદલી નાખી છે. મલાતજ ગામમાં પ્રવેશ કરતા જ તમને ગુલાબી માહોલ જોવા મળશે. જ્યાં જુઓ ત્યાં ઘરની દિવાલો પર ગુલાબી કલર જ જોવા મળશે. જાણે તમે પિંક સિટીમાં આવી ગયા હોય એવા અહેસાસની અનુભૂતિ થાય છે. શુક્રવારે (૧૮ ડિસેમ્બરે) અા દાનેશ્વર ડાહ્યાભાઇનો સંપર્ક કરવા અમે પ્રયાસ કર્યો. મલાતજથી ફોન દ્વારા 'ગુજરાત સમાચાર"ના મેનેજીંગ એડિટર કોકિલા પટેલ સાથે થયેલી વાતચીત દરમિયાન મલાતજ ગ્રામ પંચાયતના સરકારી ઇગ્રામ અોપરેટર જતીનભાઇ પટેલ અને ગામનાં સરપંચ દુર્ગેશભાઈએ ગામનાં વિકાસ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, અમારૂ ગામ ગુજરાતનું સૌપ્રથમ ઈ-ગ્રામ તરીકે જાણીતું થયું છે. અાફ્રિકા અને લંડનમાં વર્ષો સુધી રહેનાર વડીલ ડાહ્યાભાઈએ જાતે જ ઉભા રહીને આખા ગામનાં રસ્તાઓ અારસીસી (કોંક્રિટવાળા) કરાવ્યા છે. ઉપરાંત ગામની શેરીઓમાં થોડા થોડા અંતરે કચરાપેટીઓ મુકાવી છે તેમજ ઘરે ઘરે ડસ્ટબીન અાપ્યાં છે જેનાં કારણે ગામમાં ક્યાંય કચરો જોવા મળતો નથી. સમગ્ર ગામ અને સ્કૂલને સ્વચ્છ પાણી મળે એ માટે ૨૫૦ લાખ લીટરની ટાંકીનો મિનરલ વોટર પ્લાન્ટ ગામ અને સ્કૂલ માટે કાર્યરત છે. સ્કૂલ અને બાલમંદિરમાં શિક્ષણ માટે જરૂરી તમામ સુવિધાઅો પણ પૂરી પાડી છે. મલાતજની અાજુબાજુના નાના કસબાઅોમાંથી સ્કૂલે જતા ગરીબ વિદ્યાર્થીઅો શિયાળામાં ખુલ્લા નળ નીચે ન્હાતા હતા એમના માટે ગરમ પાણીની સુવિધાવાળી ટાંકીઅો મૂકાવી છે. અા ઉપરાંત પંચાયતમાં અદ્યતન સુવિધા સજ્જ રૂમો (તલાટી રૂમ, ઇન્ટરનેટ રૂમ ઇત્યાદિ) બનાવી છે. ગામમાં બેસવા ઠેર ઠેર નવી બેન્ચીસની વ્યવસ્થા પણ કરાવી છે. જતીનભાઇએ વધુમાં એમ પણ કહ્યું કે, “અહીંથી ઇન્ટરનેટ દ્વારા પાસપોર્ટ સર્વિસ, એરટિકિટ તેમજ તમામ સરકારી ડોક્યુમેન્ટની સેવા પૂરી પાડીએ છીએ.”ડાહ્યાભાઇ પટેલે એમના સ્વર્ગસ્થ દિકરા દુષ્યંતને નામે ગામને ૧ કરોડનું દાન કર્યું છે. ડાહ્યાભાઈ ૨૦૦૭માં પોતાના ૪૬ વર્ષના દિકરાના લગ્ન કરાવવા માટે મલાતજ આવ્યા હતા. ત્યારે પોતાના પાડોશમાં રહેતા બ્રાહ્મણના દીકરાને દવાખાને કંપની આપવા ગયેલા દુષ્યંતભાઇને ૨૨ અોકટોબરની રાત્રે હોસ્પિટલમાં જીવલેણ હાર્ટએટેક આવ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી લગ્ન કરવા આવેલા દિકરાને ગુમાવી દેનાર ડાહ્યાભાઈએ પોતાના દિકરાની કમાણી અને વિમો ગામનાં વિકાસ અર્થે વાપરવાની નેમ લીધી. માદરે વતનનું ઋણ અદા કરનાર અા ઉદારમના દાનવીર વડીલશ્રી ડાહ્યાભાઈએ જણાવ્યું કે, "મેં મારૂ કશું આપ્યું નથી, ગામનું જ ગામને આપ્યું છે. ગામ પ્રત્યેની મારી ફરજ જ મેં અદા કરી છે. ડાહ્યાભાઇ કહે છે કે, '૧૮ વર્ષની ઉંંમરે હું અાફ્રિકા ગયેલો. કંપાલાથી થોડેદૂર કીયુન્ગામાં વર્ષો સુધી રહી ૧૯૭૦માં હું લંડન અાવ્યો. અહીંં સાઉથ લંડનના ટૂટીંગ ખાતે ગેરેટ લેન ઉપર દુકાન ઘણા લાંબા સમય સુધી દુકાન ચલાવી પરિવાર પગભર થયો છે હું દશેક વર્ષથી મોટાભાગે ઇન્ડિયા જ રહું છું અને ગામની સેવા થાય એટલી કરુ છુંં" ડાહ્યાભાઇનાં પત્ની ઇન્દીરાબેન ગયા વર્ષે જ સદગતિ પામ્યાં છે. અત્રેના સમાજમાં સક્રિય ઇન્દિરાબહેને પણ અત્રેના મલાતજ ગામના પ્રમુખપદે રહીને સમાજ માટે સમયદાન અાપ્યું છે. સાઉથ લંડનના સ્ટ્રેધામ ખાતે રહેતા પોતાનાં નાના દિકરા હેમંતભાઇ-પુત્રવધૂ સોનલબહેન અને પરિવારની સહમતિથી શ્રી ડાહ્યાભાઇએ લીધેલા વિકાસનાં નિર્ણયથી આજે આ નાનકડું ગામ ભલભલા શહેરોને પણ ઝાંખા પાડે છે. દિલ્હી સરકાર અાયોજિત સ્વચ્છતા અભિયાન સ્પર્ધામાં મલાતજને કેન્દ્ર સરકાર તરફથી રૂા. ૨૦ લાખનું ઇનામ અાપવામાં અાવ્યું છે. ગુજરાતના અા ગામને ત્રીજા નંબરના બેસ્ટ પરફોર્મન્સ તરીકે સરકારે રૂા. ૧ લાખનું ઇનામ અાપ્યું છે. અા મલાતજ ગામ મગરો માટે વિખ્યાત છે. અહીંના તળાવમાં મોટી સંખ્યામાં મગર રહે છે પણ તે કોઇને હાનિકારક બનતા નથી એમ ત્યાના સ્થાનિક લોકોનું કહેવું છે.