જીસીએસઇની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં ગ્રેડ નાઇન પ્રાપ્ત કરનાર દર્શ પટેલે ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં વિદેશમાં અને વિશેષ કરીને યુકેમાં વસતા ગુજરાતી પરિવારોના બાળકો માટે ગુજરાતીના જ્ઞાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે ગુજરાતી બાળકો અને યુવાઓને માતૃભાષાની જાણકારી પ્રાપ્ત કરવા માટે પ્રેરણાદાયી વાતો કરી હતી.
ગુજરાત સમાચાર – એશિયન વોઇસઃ જીસીએસઇ ગુજરાતી પરીક્ષામાં મેળવેલા પરિણામ બાદ કેવી અનુભૂતિ કરી રહ્યાં છો?
દર્શ પટેલઃ જીસીએસઇ પરીક્ષામાં ગુજરાતી વિષયમાં મેળવેલા પરિણામથી હું ઘણો રોમાંચિત છું. ગુજરાતીમાં ગ્રેડ 9 પ્રાપ્ત કરવો એક ગૌરવપૂર્ણ અને આનંદની ક્ષણ છે. મને લાગે છે કે આ પરિણામ મારી અપેક્ષા કરતાં ઘણું સારું છે.
ગુજરાત સમાચાર – એશિયન વોઇસઃ ગુજરાતીની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવામાં પરિવાર તરફથી કેવો સહકાર પ્રાપ્ત થયો?
દર્શ પટેલઃ આ એક એક્સટર્નલ શિક્ષણ હોવાથી મેં આ પરીક્ષા સામાન્ય કરતાં વહેલી હતી. મને ગુજરાતી વિષય ઘણો પડકારજનક હતો. જોકે પ્રથમ 3 વર્ષ દરમિયાન મારા માતાપિતાના સહકાર અને ફાઇનલ વર્ષોમાં મારા દાદા-દાદીના મૂલ્યવાન માર્ગદર્શન સાથે હું આ પડકારોનો સામનો કરી શક્યો અને પરીક્ષામાં સફળતા હાંસલ કરી.
ગુજરાત સમાચાર – એશિયન વોઇસઃ તમારા મતે શા માટે યુવાઓએ તેમની માતૃભાષાનો અભ્યાસ કરી તેમાં નિપુણ થવું જોઇએ?
દર્શ પટેલઃ મારું માનવું છે કે યુવાઓએ ન કેવળ ગુજરાતી જ નહીં પરંતુ તેમની માતૃભાષાઓનો અભ્યાસ કરીને નિપુણ થવું જોઇએ. એક કરતાં વધુ ભાષામાં નિપુણ બનવું એક મૂલ્યવાન કૌશલ્ય છે જે ભવિષ્ય માટે સંખ્યાબંધ લાભ લઇને આવે છે. મજબૂત સંબંધો અને સાંસ્કૃતિક સંબંધો જાળવી રાખવા માટે મિત્રો અને પરિવારના સભ્યો સાથે માતૃભાષામાં વાતચીત કરવામાં સક્ષમ હોવું જરૂરી છે.