લંડનઃ ઉદ્યોગપતિ સંજીવ ગુપ્તાના મેટલ તથા એનર્જી ગ્રુપ ગુપ્તા ફેમિલી ગ્રુપ (GFG) એલાયન્સ પર ભારે કાનૂની સકંજો કસાવાની સ્થિતિ ઊભી થઈ છે. સિરિયસ ફ્રોડ ઓફિસ (SFO) દ્વારા 27 એપ્રિલ બુધવારે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ તથા વેલ્સ ખાતે દરોડા પાડીને ઉત્તરી ઇંગ્લેન્ડમાં સ્ટોકબ્રીજ, હાર્ટલપુલ અને સ્કનથોર્પી તથા વેલ્સમાં ન્યુપોર્ટ સહિત કેટલાંક સ્થળોની તપાસ કરાઈ હતી.
SFO તપાસકર્તા અધિકારીઓએ ગુપ્તાની માલિકીની GFG ગ્રુપની કંપનીઓની બ્રિટિશ ઓફિસોમાં પૂછપરછ કરીને દસ્તાવેજો માગ્યા છે. જોકે, આ કામગીરીને દરોડા નહિ ગણાવતાં તપાસપ્રક્રિયાના ભાગરૂપ ગણાવાઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, યુકેમાં તપાસ અધિકારીઓએ ક્રિમિનલ જસ્ટિસ એક્ટ-1987 હેઠળ સંજીવ ગુપ્તાની કંપનીઓના સરનામે નોટિસો પાઠવી હતી. ગુપ્તાને સંડોવતા અન્ય કેસમાં ગત સપ્તાહે નાણાંના દુરુપયોગ અને ગેરકાયદે હેરાફેરીના આરોપ સાથે એક ફ્રેન્ચ ફરિયાદીની રજૂઆતના પગલે તપાસ કરાઈ હતી. ફ્રેન્ચ સરકારે દાવો કર્યો હતો કે, GFG એલાયન્સ દ્વારા રોમાનિયાસ્થિત સ્ટીલ પ્લાન્ટની સાથે નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી છે.
તપાસકર્તા ટુકડીએ જણાવ્યું હતું કે, GFG એલાયન્સ દ્વારા ગ્રીનસીલ કેપિટલ યુકે સાથેના શંકાસ્પદ આર્થિક વ્યવહારો સહિત GFG ની કંપનીઓ દ્વારા કરાયેલા અન્ય વ્યાપારી વ્યવહારો તથા નાણાંકીય લેવડદેવડની તપાસ કરવામાં આવી છે. ગ્રીનસીલ કેપિટલ GFG નું મુખ્ય આર્થિક પીઠબળ છે અને તેના પતન પછી મે-2021માં SFO દ્વારા આ તપાસની વિગતો જાહેર કરાઈ હતી.
યુકેમાં ગુપ્તાની મુખ્ય સંપત્તિ લિબર્ટી સ્ટીલના બેનર હેઠળના સ્ટીલ પ્લાન્ટ તથા દક્ષિણ યોર્કશાયરમાં રોથરહામ તથા સ્ટોકબ્રીજ ખાતેના મોટા ઓપરેશન છે. સાથોસાથ વેલ્સ અને મિડલેન્ડ્સમાં નાનાં વ્યાપારી ગૃહો આવેલાં છે. ગુપ્તાને 77 યુકે કંપનીઓના ડિરેક્ટર તરીકે લિસ્ટેડ કરાયેલ છે, જોકે તેમાંની ઘણી બધી કંપનીઓનું સંચાલન સિંગાપોરથી થાય છે. લિબર્ટી સ્ટીલ બિઝનેસ તરફથી જણાવાયું હતું કે, તેમણે કોઈ ભંગ કે ઉલ્લંઘન કર્યા નથી અને તપાસમાં પૂરો સહકાર આપ્યો છે. આ તપાસથી ગ્રુપના ઉત્પાદનકાર્ય ઉપર કશી અસર પડવાની નથી.