લંડનઃ ૩૫૦મા પ્રકાશપર્વ અથવા ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતીના પાવન પ્રસંગે યુકેના જ નહિ પરંતુ, સમગ્ર યુરોપના સૌથી જૂના અને ઐતિહાસિક ગુરુદ્વારા શેફર્ડ્સ બુશ ગુરુદ્વારા સાહિબ ખાતે પ્રાર્થના સભાનું આયોજન થયું હતું. તેમાં હાઈ કમિશનર વાય કે સિંહા, ડેપ્યુટી હાઈ કમિશનર દિનેશ કે પટનાયક અને હાઈ કમિશનના અન્ય સિનિયર અધિકારીઓએ અન્ય શ્રદ્ધાળુઓની સાથે ભાગ લીધો હતો. આ પ્રસંગે ગુરુદ્વારા કમિટી દ્વારા વાય કે સિંહાને ‘શિરોપા’ અપાયો હતો.
ગુરુ ગોવિંદસિંહને શ્રદ્ધાંજલિ અર્પતા હાઈ કમિશનર સિંહાએ તેમના ઉમદા ગુણો અને માનવજાતના કલ્યાણ માટે તેમણે આપેલા યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. સિંહાએ તેમના પેરન્ટ્સે બાળપણથી જ તેમનામાં ગુરુના ઉપદેશોનું સિંચન કર્યું હતું તે વાત યાદ કરી ૧૦મા શીખ ગુરુના જન્મસ્થળ પટણાના વતની તરીકે પોતાને ગૌરવ થતું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતીના ઐતિહાસિક દિવસે હરમીન્દરજી પટણા સાહિબ ખાતે ભારત અને વિશ્વભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓની સાથે યુકેથી આવેલા સેંકડો શીખોનો ભારત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આદર સત્કાર કરવામાં આવ્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે ગુરુ ગોવિંદસિંહના સત્ય, ન્યાય, હિંમત, બલિદાન, ભક્તિ અને વિશ્વ કલ્યાણના ઉપદેશો આગામી સમયમાં શ્રદ્ધાળુઓના જીવનમાં માર્ગદર્શન પૂરું પાડશે.