લંડનઃ ગેરકાયદેસર કામદારોને કામ પર રાખવા માટે હોમ ઓફિસે ઇસ્ટબોર્નના ભારતીય રેસ્ટોરન્ટ કેરાલા ફ્લેવર્સનું લાયસન્સ રદ કરવાની ભલામણ કરી છે. આ પહેલાં રેસ્ટોરન્ટને 40,000 પાઉન્ડની સિવિલ પેનલ્ટી પણ ફટકારવામાં આવી હતી. હવે ઇસ્ટબોર્ન બરો કાઉન્સિલની લાયસન્સિંગ પેનલ દ્વારા રેસ્ટોરન્ટના લાયસન્સ અંગે નિર્ણય લેવાશે.
હોમ ઓફિસના ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ દ્વારા જૂન 2024માં રેસ્ટોરન્ટ પર દરોડો પડાયો હતો જેમાં 3 ગેરકાયદેસર કામદાર ઝડપાયા હતા. જેના પગલે રેસ્ટોરન્ટને 40,000 પાઉન્ડની સિવિલ પેનલ્ટી ફટકારાઇ હતી. હોમ ઓફિસનું માનવું છે કે રેસ્ટોરન્ટે પેનલ્ટી તો ચૂકવી દીધી છે પરંતુ અન્ય બિઝનેસ માટે નમૂનો બને તે સારુ રેસ્ટોરન્ટનું લાયસન્સ રદ કરી નાખવું જોઇએ.