લંડનઃ વડાપ્રધાન બનતાની સાથે જ કેર સ્ટાર્મરે મોટા નીતિવિષયક નિર્ણયમાં પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકની મહત્વાકાંક્ષી રવાન્ડા યોજનાને અભેરાઇ પર ચડાવી દીધી છે. સ્ટાર્મરે જણાવ્યું હતું કે, રાજ્યાશ્રય ઇચ્છતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલવાની વિવાદાસ્પદ કન્ઝર્વેટિવ નીતિને હું રદ કરી રહ્યો છું. રવાન્ડા યોજના મૃતપાય છે અને તેનો પ્રારંભ થાય તે પહેલાં જ દફનાવી દેવામાં આવી છે.
સ્ટાર્મરે જણાવ્યું હતું કે, હું રવાન્ડા યોજનાને રદ કરી દેવાનો છું. આ યોજનાના કારણે હજુ એક પણ ફ્લાઇટ રવાન્ડા રવાના ન થઇ હોવા છતાં સરકારી તિજોરી પર સેંકડો મિલિયન પાઉન્ડનો બોજો પડી ચૂક્યો છે.
ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડાપ્રધાન બન્યા બાદ સૌપ્રથમ પત્રકાર પરિષદને સંબોધન કરતાં સ્ટાર્મરે જણાવ્યું હતું કે, રવાન્ડા યોજના બિનઅસરકારક હતી અને તેના દ્વારા ગેરકાયદેસર માઇગ્રેશન પર નિયંત્રણ પ્રાપ્ત કરી શકાયું હોત નહીં. હું આ પ્રકારના હાસ્યાસ્પદ નિર્ણયોને આગળ ધપાવવા માટે તૈયાર નથી.
રિશી સુનાક સરકારે 2022માં રવાન્ડા યોજના રજૂ કરી હતી જે અંતર્ગત બ્રિટનમાં આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને ઇસ્ટ આફ્રિકાના રવાન્ડામાં રાજ્યાશ્રય આપવાનો હતો. આ યોજના પાછળનો મૂળ હેતૂ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને ભયજનક રીતે ઇંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટન આવતા અટકાવવાનો હતો.
હોમ સેક્રેટરી કૂપરે નવા બોર્ડર સિક્યુરિટી કમાન્ડની રચના કરી
હોમ સેક્રેટરી ય્વેટ કૂપરે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને લઇને ઇંગ્લિશ ચેનલ પાર કરતી નાની હોડીઓને અટકાવવા માટે નવા યુકે બોર્ડર સિક્યુરિટી કમાન્ડની રચના કરી દીધી છે. હોમ સેક્રેટરી દ્વારા બોર્ડર સિક્યુરિટી કમાન્ડરની નિયુક્તિ સોમવારે કરવામાં આવી હતી. તેઓ આગામી સપ્તાહોમાં તેમની કામગીરી સંભાળી લેશે. નવા કમાન્ડર નેશનલ ક્રાઇમ એજન્સી, ઇન્ટેલિજન્સ એજન્સીઓ, પોલીસ, ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એન્ડ બોર્ડર ફોર્સની સાથે સંકલન કરીને દેશની સરહદો સુરક્ષિત રાખવાનું કામ કરશે.
સ્ટાર્મર સરકાર 1 લાખ કરતાં વધુ માઇગ્રન્ટસને રાજ્યાશ્રયની અરજીની પરવાનગી આપશે
રવાન્ડા સ્કીમ રદ કરી નાખ્યા પછી લેબર સરકાર હવે 1 લાખ કરતાં વધુ માઇગ્રન્ટ્સને રાજ્યાશ્રય માટે અરજી કરવાની પરવાનગી આપશે. કેર સ્ટાર્મરના પ્રવક્તાના જણાવ્યા અનુસાર સુનાક સરકારની રવાન્ડા યોજના અંતર્ગત 90,000 માઇગ્રન્ટને રવાન્ડા મોકલી આપવાન હતા હવે તેમની પણ રાજ્યાશ્રયની અરજી પ્રક્રિયામાં સામેલ કરાશે.