લંડનઃ યુકેમાં રાજ્યાશ્રય મેળવવા માટે ગેરકાયદેસર રીતે આવતા વિદેશી નાગરિકોને હવે ઇસ્ટ આફ્રિકાના દેશ રવાન્ડામાં રાજ્યાશ્રય માટે દાવો કરવો પડશે. બ્રિટન સરકાર હવે ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા રવાના કરી દેશે. આ માટે સુનાક સરકારે રવાન્ડા સાથે સંધિ પણ કરી લીધી છે. રવાન્ડા ખરડો પસાર થઇ જવાના કારણે સરકાર હવે અદાલતોને રવાન્ડાને સુરક્ષિત દેશ ગણવા કહી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, માઇગ્રન્ટ્સને દેશનિકાલ કરવા માટે રવાન્ડા સુરક્ષિત દેશ નથી. તેમને તેમના વતનના દેશમાં પાછા મોકલવામાં આવી શકે છે અને તેમની હેરાનગતિ પણ થઇ શકે છે.
રવાન્ડા સરકારે જણાવ્યું છે કે બ્રિટનથી મોકલાનારા તમામ માઇગ્રન્ટ્સને દેશમાં રહેવાની પરવાનગી અપાશે અને તેમને નાગરિકતા પણ અપાઇ શકે છે. બ્રિટન અને રવાન્ડા વચ્ચે થયેલી સંધિ પ્રમાણે વધારાના સુરક્ષાના માપદંડો સાથેનું કાયદાકીય માળખું તૈયાર કરવામાં આવ્યું છે અને રવાન્ડાની સરકાર ઇલલીગલ માઇગ્રેશન એક્ટ અમલમાં મૂકી શકે છે.
બ્રિટનમાં રવાન્ડા ખરડો કાયદો બનતા હવે ગેરકાયદેસર રીતે બ્રિટનમાં આવતા કોઇપણ વિદેશી નાગરિકની ધરપકડ થઇ શકે છે અને તેને રવાન્ડા જેવા સુરક્ષિત દેશમાં દેશનિકાલ કરી શકાય છે જે ત્યાં રાજ્યાશ્રયની માગ કરી શકે છે.
સૌથી પહેલાં કયા માઇગ્રન્ટસને રવાન્ડા મોકલાશે?
સુનાક સરકાર આગામી ઉનાળા સુધીમાં રવાન્ડાની ફ્લાઇટો શરૂ કરી દેવા માગે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર કિગાલી જનારી પ્રથમ બે કે ત્રણ ફ્લાઇટમાં 150 માઇગ્રન્ટ્સને મોકલી અપાશે. વડાપ્રધાન સુનાક 10થી 12 સપ્તાહમાં રવાન્ડાની ફ્લાઇટો શરૂ કરી દેવા માગે છે. હવે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને તેમને રવાન્ડા મોકલવામાં આવી રહ્યાં છે તે અંગેની નોટિસો પાઠવવામાં આવશે. સરકારે 5000 માઇગ્રન્ટ્સને આ માટે ચિહ્નિત કર્યાં છે. આ કાયદા દ્વારા લગભગ 40,000 માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલવાની તૈયારી ચાલી રહી છે.
ગંભીર બીમાર માઇગ્રન્ટ્સ દેશનિકાલ સામે અપીલ કરી શકશે
સરકારની યોજના પાર પડી તો 12 સપ્તાહમાં રવાન્ડા માટેની ફ્લાઇટોનો પ્રારંભ કરી દેવાશે. આ કાયદો માઇગ્રન્ટ્સને અદાલતમાં પડકાર આપવાની બહુ ઓછી તકો આપે છે. જેથી તેઓ પોતાના દેશનિકાલમાં વિલંબ કરાવવામાં સફળશ થઇ શક્શે નહીં. જોકે જે માઇગ્રન્ટ્સ માટે રવાન્ડામાં રહેવું અત્યંત જોખમી હોય તેઓ તેમના દેશનિકાલ સામે અપીલ કરી શકશે. ગંભીર માનસિક અને શારીરિક બીમારી ધરાવતા માઇગ્રન્ટ્સ પણ અપીલ કરી શકશે. નોટિસ મળ્યાના 7 દિવસમાં અપીલ કરી શકાશે.
કાયદાકીય પડકારો ફ્લાઇટમાં વિલંબ કરી શકશે?
રવાન્ડા ખરડો પસાર થયા બાદ સીનિયર ઇમિગ્રેશન વકીલો કાયદાને પડકાર આપી શકાય છે કે કેમ તેની શક્યતાઓ ચકાસી રહ્યાં છે. ઇમિગ્રેશન ચેરિટીઓ પણ દેશનિકાલનો સામનો કરી રહેલા માઇગ્રન્ટ્સને કાયદાકીય સલાહ આપવા અને તેમનો દેશનિકાલ અટકાવવા કમર કસી રહી છે. પૂર્વ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિક અગાઉ ચેતવણી આપી ચૂક્યાં છે કે આ કાયદો નિરર્થક છે. મોટી સંખ્યામાં દાવાઓ થશે તેના કારણે દેશનિકાલ થનારાની સંખ્યા ઘણી ઓછી રહેશે.
કેટલા માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી શકાશે?
કેટલા માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી શકાશે તેનો આંકડો આપવાનો સરકારે ઇનકાર કર્યો છે પરંતુ તેનું કહેવું છે કે આ સ્કીમમાં કોઇ મર્યાદા નથી. બોરિસ જ્હોન્સનના જણાવ્યા અનુસાર આ સંખ્યા હજારોમાં હોઇ શકે છે. કેટલાક દસ્તાવેજો અનુસાર રવાન્ડા સંધિ અંતર્ગત પ્રથમ પાંચ વર્ષમાં 30,000 કરતાં વધુ માઈગ્રન્ટ્સને સ્વીકારશે.
સરકાર કોમર્શિયલ ચાર્ટર પ્લેનની મદદ લેશે?
વડાપ્રધાન સુનાકના જણાવ્યા અનુસાર સરકાર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલવા માટે કોમર્શિયલ ચાર્ટર પ્લેનોની મદદ લેશે. આ માટે એક સ્પેશિયલ એરફિલ્ડ પણ તૈયાર કરાશે. સરકાર આ માટે સેનાની મદદ પણ લઇ શકે છે. આ માટે આરએએફના મિલિટરી અને ફ્યુઅલ એર ટ્રાન્સપોર્ટની પણ મદદ લેવાય તેવી સંભાવના છે.
માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલવા સરકાર સેનાની મદદ લઇ શકે
લંડનઃ રવાન્ડા યોજનાના અમલ માટે માઇગ્રન્ટ્સને આફ્રિકન દેશમાં મોકલી આપવા સુનાક સરકાર સેનાની મદદ લે તેવી સંભાવના છે. એકવાર રવાન્ડા બિલ સંસદમાં પસાર થઇ જાય ત્યારબાદ થોડા સપ્તાહમાં જ સુનાક સરકાર રવાન્ડાની ફ્લાઇટો શરૂ કરી દેવા માગે છે. માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલવા માટે સરકાર કોમર્શિયલ એરલાઇન્સો પાસેથી વિમાનો ભાડે લેશે કે કેમ તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.
શું રવાન્ડા યોજનાથી ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સંખ્યા ઘટાડી શકાશે
હવે સવાલ એ છે કે શું રવાન્ડા યોજનાથી ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સંખ્યા ઘટાડી શકાશે. હોમ ઓફિસના વરિષ્ઠ અધિકારી સર મેથ્યૂ રાયક્રોફ્ટના જણાવ્યા અનુસાર રવાન્ડા યોજનાના કારણે ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા માઇગ્રન્ટ્સની સંખ્યામાં ત્રીજા ભાગનો ઘટાડો કરી શકાશે. ગયા વર્ષે 30,000 ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ ચેનલ પાર કરીને બ્રિટન પહોંચ્યા હતા.