લંડનઃ ગયા વર્ષમાં પ્રદૂષણ અને ગટરો ઉભરાવાના મહત્વના લક્ષ્યાંક ચૂકી જનાર વોટર કંપનીઓને સાગમટે 157.6 મિલિયન પાઉન્ડ ચૂકવવા પડશે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રેગ્યુલેટરી સંસ્થા ઓફવેટે જણાવ્યું છે કે વોટર કંપનીઓ દ્વારા પોલ્યૂશનમાં 30 ટકા સુધીનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો પરંતુ તેઓ બે ટકા જ ઘટાડી શકી છે. આ પરિણામો હતાશાજનક છે. કંપનીઓએ વધુ આધુનિક અને આક્રમક વલણ અપનાવવું પડશે. ચાર વર્ષ પહેલાં માપદંડો નક્કી કરાયા બાદ ગ્રાહકોના સંતોષનું સ્તર તળિયે બેઠું છે.
ઓફવેટે જણાવ્યું હતું કે વોટર કંપનીઓને પેનલ્ટીના કારણે પરિવારોના પાણીના બિલમાં વર્ષ 2025-26માં ઘટાડો થશે. દંડની રકમ કંપનીઓમાં તેમના ગ્રાહકોની સંખ્યા પ્રમાણે વહેંચી નંખાશે. થેમ્સ વોટરે 57 મિલિયન, એન્ગલિયન વોટર અને યોર્કશાયર વોટરે 40 મિલિયનની પેનલ્ટી ચૂકવવી પડશે.
ઓફવેટના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ બ્લેકે જણાવ્યું હતું કે, વોટર કંપનીઓની આ વર્ષની કામગીરી એ વાતનો પુરાવો છે કે ફક્ત નાણાથી સુધારા થઇ શક્તાં નથી. કંપનીઓએ તેમની કામગીરીમાં બદલાવ લાવવા પડશે અને ચિંતાઓ પર ધ્યાન આપવું પડશે.