લંડનઃ હાઉસિંગ, એનએચએસ અને ક્લાઇમેટ ક્રાઇસિસ માટે વધુ ભંડોળ ફાળવી શકાય તે માટે કરવેરામાં વધારો કરવાનું વચન ગ્રીન પાર્ટીએ આપ્યું છે. બુધવારે જારી કરેલા ચૂંટણી ઢંઢેરામાં ગ્રીન પાર્ટીએ જણાવ્યું હતું કે, જો તે સત્તામાં આવશે તો નવો વેલ્થ ટેક્સ લાગુ કરશે અને વાર્ષિક 50,270 પાઉન્ડની આવક પર નેશનલ ઇન્શ્યુરન્સમાં વધારો કરશે.
પાર્ટીએ 2030 સુધીમાં હેલ્થ અને સોશિયલ કેર સેક્ટર પર પ્રતિ વર્ષ 50 બિલિયન પાઉન્ડનો ખર્ચ કરવાનું વચન આપ્યું છે. ગ્રીન પાર્ટી ઇચ્છે છે કે 10 મિલિયન પાઉન્ડ કરતાં વધુ મૂલ્યની સંપત્તિ પર નવો 1 ટકા અને 10 બિલિયન પાઉન્ડ કરતાં વધુની સંપત્તિ માટે 2 ટકાનો વેલ્થ ટેક્સ લાદવો જોઇએ. જેના દ્વારા સરકારને પ્રતિ વર્ષ 15 બિલિયન પાઉન્ડની આવક થશે જેને એનએચએસ માટે વાપરી શકાય. નવા વેલ્થ ટેક્સની અસર દેશના એક ટકા કરતાં ઓછા લોકોને થશે.
ગ્રીન પાર્ટીના અન્ય વચનો
- મકાન ભાડા પર નિયંત્રણ લાદવા અને દર વર્ષે 1,50,000 નવા સોશિયલ હોમનું નિર્માણ
- એનએચએસ ડેન્ટિસ્ટની એપોઇન્ટમેન્ટની ગેરેંટી
- પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે વધુ ભંડોળની ફાળવણી અને રેલવેને સરકારી માલિકી હેઠળ લાવવી
- પરમાણુ ઉર્જાનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવો
- નદીઓમાં ગટરના પાણી ઠાલવવા પર પ્રતિબંધ લાદવો
- યુકેમાં નવા તમામ ફોસિલ ફ્યુઅલ પ્રોજેક્ટ પર પ્રતિબંધ
- ટ્રેનમાં 3 કલાકથી ઓછો સમય લાગતો હોય તેવી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ પર પ્રતિબંધ