લંડનઃ ઘણા વર્ષોથી સગીરાઓનું સેક્સ્યુઅલી શોષણ કરતી ગ્રુમિંગ ગેંગોની પ્રવૃત્તિઓની સ્થાનિક તપાસોમાં સરકારના વલણ પર શંકાઓ સેવાઇ રહી છે. ઘણા કેસોમાં પાકિસ્તાની મૂળના પુરુષો સંડોવાયેલા છે અને શ્વેત સગીરાઓ તેમનો શિકાર બની છે. નોર્થ ઇંગ્લેન્ડના શહેરોમાં આ પ્રકારના અપરાધ અવારનવાર નોંધાયેલા છે.
ગ્રુમિંગ ગેંગોનો મામલો લાંબાસમયથી વિવાદાસ્પદ બની રહ્યો છે. એવા આરોપ મૂકાઇ રહ્યાં છે કે સત્તાવાળા, પોલીસ, સામાજિક કાર્યકરો અને રાજકીય નેતાઓ આ મામલે આંખ આડા કાન કરી રહ્યાં છે. જાન્યુઆરીમાં હોમ સેક્રેટરી કૂપરે વચન આપ્યું હતું પરંતુ હવે સરકાર સ્થાનિક ઇન્કવાયરીઓ પડતી મૂકી રહી હોવાના આરોપ મૂકાઇ રહ્યાં છે. તેના કારણે લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે અને રાષ્ટ્રીય તપાસની માગ ઉઠી રહી છે.
સરકાર દ્વારા સ્થાનિક તપાસો પડતી મૂકાઇ હોવાની છાપ ઉપસી રહી છે જો કે કૂપર કહે છે કે પાંચ શહેરોમાં લોકલ ઇન્કવાયરી જારી છે. આવું માનવા પાછળ ઘણા પરિબળો કામ કરી રહ્યાં છે. લોકલ ઇન્કવાયરીઓ શરૂ કરવામાં મદદરૂપ થવા માટે નિયુક્ત લોયર ટોમ ક્રોધર કેસીએ કોમન્સની સિલેક્ટ કમિટીને જણાવ્યું હતું કે, મને મારી કામગીરી અંગે બહુ ઓછી માહિતી અપાઇ છે. હું સરકારને પૂછવા માગુ છું કે શું તેમને ખરેખર મારી જરૂર છે.
અત્યાર સુધીમાં પાંચ શહેરોમાંથી ફક્ત ઓલ્ડહામની જ પસંદગી કરવામાં આવી છે. શેડો હોમ મિનિસ્ટર કેટી લેમ આ મામલે સરકાર પાસે જવાબ માગી રહ્યાં છે. સેફગાર્ડિંગ મિનિસ્ટર જેસ ફિલિપ્સ દ્વારા પણ લોકલ ઇન્કવાયરીઓ મુદ્દે ઝાઝો ફોડ પાડવામાં આવી રહ્યો નથી. ટીકાકારોને શંકા છે કે સરકાર મામલાને દબાવવાના પ્રયાસો કરી રહી છે.
ઇક્વાલિટી એન્ડ હ્યુમન રાઇટ્સ કમિશનના પૂર્વ અધ્યક્ષ ટ્રેવર ફિલિપ્સે આરોપ મૂક્યો છે કે આ શહેરોમાં બહુમતીમાં રહેલા લોકો સંડોવાયેલા હોવાના કારણે સરકાર પીછેહઠ કરી રહી છે. મુખ્યત્વે પાકિસ્તાની મૂળના મુસ્લિમો તેમાં સંડોવાયેલા છે. આ વિસ્તારોમાં લેબર પાર્ટી પ્રભુત્વ ધરાવે છે.
જોકે સરકાર પોતાના બચાવમાં કહી રહી છે કે અમે લૂઇસ કેસી દ્વારા ચાલી રહેલી ઇન્કવાયરીના રિપોર્ટની રાહ જોઇ રહ્યાં છીએ. આગામી મહિને આ રિપોર્ટ આવી જશે જે યુકેમાં સક્રિય ગ્રુમિંગ ગેંગો અંગેની સાચી માહિતી આપશે.
ગ્રુમિંગ ગેંગના નરાધમોને લીગલ એઇડ પેટે 6,11,204 પાઉન્ડ ચૂકવાયા
સગીરાઓને શિકાર બનાવનાર રોધરહામની ગ્રુમિંગ ગેંગના સભ્યોને 6,11,204 પાઉન્ડ લીગલ એઇડ પેટે ચૂકવાયા હોવાનું સામે આવ્યું છે. 1998થી 2005 વચ્ચે સાઉથ યોર્કશાયરમાં પાંચ સગીરાઓને પોતાનો શિકાર બનાવવા માટે આ ગેંગના 7 સભ્યોને વર્ષ 2018માં કુલ 101 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.
23 વર્ષની કેદની સજા મેળવનાર આ ગેંગના લીડર એવા મોહમ્મદ ઇમરાન અલી અખ્તરને લીગલ એઇડ પેટે 1,43,696 પાઉન્ડ ચૂકવાયાં હતાં. 10થી 20 વર્ષની સજા મેળવનારા અન્ય પાંચ અપરાધીને લીગલ એઇડ પેટે 60,147થી 99,168 પાઉન્ડ ચૂકવાયાં હતાં. સાતમા અપરાધીને 90,849 પાઉન્ડની લીગલ એઇડ મળી હતી.