લંડનઃ ગ્રૂમિંગ ગેંગ અંગે ચાલી રહેલા વિવાદ મધ્યે નેશનલ પોલીસ ચીફ કાઉન્સિલે જણાવ્યું છે કે મોટાભાગના ગ્રૂમિંગ ગેંગ અપરાધ શ્વેત અપરાધીઓ દ્વારા આચરવામાં આવે છે. પોલીસ ડેટાબેઝ અનુસાર 2024ના પ્રથમ ત્રિમાસિકમાં ચાઇલ્ડ એબ્યુઝના 85 ટકા અપરાધોમાં શ્વેત અપરાધીઓ સંડોવાયેલા હતા. કોઇ ચોક્કસ વંશીય સમુદાય ગ્રૂમિંગ ગેંગ અપરાધો આચરી રહ્યો હોવાનો કોઇ મુદ્દો જ નથી.
વર્ષ 2023ના આંકડા પણ દર્શાવે છે કે 83 ટકા ગ્રૂમિંગ ગેંગ અપરાધોમાં શ્વેત અપરાધીઓની સંડોવણી હતી. કાઉન્સિલના ડિરેક્ટર રિચર્ડ ફ્યૂકેસે જણાવ્યું હતું કે, ગ્રૂમિંગ ગેંગ અપરાધોમાં કોઇ ચોક્કસ વંશીય સમુદાયની સંડોવણીનો મુદ્દો જ નથી.
શુક્રવારે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, આંકડા દર્શાવે છે કે તમે વંશવાદની નજરે દેશમાં શું જોવા માગો છો. ગ્રૂમિંગ ગેંગ અપરાધોમાં સંડોવાયેલા મોટાભાગના અપરાધીઓ તો શ્વેત લોકો હોય છે.
કાઉન્સિલે જણાવ્યું હતું કે, આ રીતે પહેલીવાર જ આંકડા એકઠાં કરાયાં છે. હવે તેનો ઉપયોગ નવા અધિકારીઓને તાલીમ આપવામાં અને પોલીસ વડાઓને મદદ માટે કરાશે.