ગ્રૂમિંગ ગેંગ્સ માટે “એશિયન” શબ્દપ્રયોગથી વંશીય સમુદાયોમાં ભારે રોષ

સબહેડઃ વડાપ્રધાન પાકિસ્તાની મૂળના નરાધમો દ્વારા આચરાયેલા અપરાધો માટે તમામ એશિયન સમુદાયોને અન્યાયી રીતે દોષી ઠેરવી રહ્યાં છેઃ એશિયન કોમ્યુનિટી લીડર્સ, ગ્રૂમિંગ ગેંગ્સ માટે એશિયન શબ્દ વાપરવો એ તમામ એશિયન સમુદાયોનું અપમાન છેઃ ક્રિશ્ના ભાન

Tuesday 14th January 2025 08:35 EST
 
 

લંડનઃ વડાપ્રધાન કેર સ્ટાર્મરે પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સ માટે એશિયન ગ્રૂમિંગ ગેંગ્સના શબ્દપ્રયોગને જારી રાખતાં બ્રિટિશ ભારતીયો અને અન્ય સાઉથ એશિયન સમુદાયોમાં ઉગ્ર રોષ અને નારાજગી પ્રવર્તી રહ્યાં છે. કોમ્યુનિટી લીડર્સે વડાપ્રધાન સ્ટાર્મર પર આરોપ મૂક્યો છે કે તેઓ પાકિસ્તાની મૂળના નરાધમો દ્વારા આચરાયેલા અપરાધો માટે તમામ એશિયન સમુદાયોને અન્યાયી રીતે દોષી ઠેરવી રહ્યાં છે.

2008થી 2013 વચ્ચે ડિરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશન્સ તરીકેના પોતાના કાર્યકાળનો બચાવ કરતાં સ્ટાર્મરે ગ્રૂમિંગ ગેંગ્સને એશિયનો સાથે સાંકળતા વિવાદ ઘેરો બન્યો હતો. બ્રિટિશ ભારતીય અને શીખ અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારના જધન્ય અપરાધોમાં પાકિસ્તાની મૂળના લોકો સામેલ હોવા છતાં એશિયન ગ્રૂમિંગ ગેંગ્સ શબ્દપ્રયોગ ભારતીય, શ્રીલંકન અને અન્ય એશિયન સમુદાયોને પણ અન્યાયી રીતે આરોપીના કઠેડામાં ધકેલી રહ્યો છે.

હિન્દુ કાઉન્સિલ યુકેના અધ્યક્ષ ક્રિશ્ના ભાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા આ પ્રકારના જધન્ય અપરાધો આચરનારા માટે એશિયન શબ્દનો પ્રયોગથી અમે ઘણા હતાશ થયાં છીએ. અમારી હિન્દુ અને શીખ સગીરાઓ પણ આ પ્રકારની ગ્રૂમિંગ ગેંગ્સનો શિકાર બની હતી. ગ્રૂમિંગ ગેંગ્સ માટે એશિયન શબ્દ વાપરવો એ તમામ એશિયન સમુદાયોનું અપમાન છે.

ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી ઇન્ટરનેશનલ યુકેના પ્રવક્તા જય શાહે જણાવ્યું હતું કે, શા માટે અમને પણ ગ્રૂમિંગ ગેંગ્સનો હિસ્સો હોઇએ તે રીતે વર્ગીકૃત કરવામાં આવી રહ્યાં છે. ગ્રૂમિંગ ગેંગ્સની વાત આવે છે ત્યારે અમે એશિયન થઇ જઇએ છીએ અને જ્યારે કાશ્મીરનો મુદ્દો આવે છે ત્યારે અમને ભારતીય ગણાવવામાં આવે છે. આ પ્રકારનો ભેદભાવ અત્યંત વિચલિત કરનારો છે.

કોમ્યુનિટી લીડર્સે જણાવ્યું હતું કે, આ પ્રકારના શબ્દપ્રયોગને કારણે વંશીય સમુદાયો વચ્ચે પ્રવર્તતા વિશ્વાસમાં ઘટાડો થાય છે. શીખ ફેડરેશન યુકેએ રાજકીય નેતાઓની ટીકા કરતાં આરોપ મૂક્યો હતો કે તેઓ મુદ્દાના મૂળમાં રહેલા કારણો શોધી કાઢવામાં નિષ્ફળ રહ્યાં છે.

શીખ યૂથયુકેના દીપા સિંહે જણાવ્યું હતું કે, અસલ અપરાધીઓને સંરક્ષણ આપવામાં આવે છે ત્યારે આ પ્રકારની ભાષા તમામ સમુદાયોને લાંછન લગાવે છે. તેનાથી શીખ અને હિન્દુ સગીર પીડિતાઓની પીડામાં પણ વધારો થાય છે. ભૂતકાળના વિવાદો બતાવે છે કે સરકાર અને વંશીય સમુદાયો વચ્ચે સમજણ અને સાંસ્કૃતિક સંવેદનશીલતા વધારવાની જરૂર છે. વડાપ્રધાન સ્ટાર્મર સતત નિષ્ફળ જઇ રહ્યા છે ત્યારે પારદર્શકતાની માગ બુલંદ બની રહી છે.

એક નિષ્ફળ દેશના લોકોની કરતૂત માટે તમામ એશિયન કેવી રીતે જવાબદારઃ પ્રિયંકા ચતુર્વદી

શિવસેના (યુબીટી)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ યુકેમાં સક્રિય પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સને એશિયન ગેંગ્સ ગણાવનાર બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટાર્મર સામે ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો. સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, આ એશિયન ગ્રૂમિંગ ગેંગ્સ નહીં પરંતુ પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સ છે. એક નિષ્ફળ દેશ માટે તમામ એશિયનને શા માટે જવાબદાર ઠેરવવા જોઇએ. પ્રિયંકાની પોસ્ટ પર એક્સના માલિક ઇલોન મસ્કે પ્રત્યુત્તર આપ્યો હતો કે, હા આ સાચી વાત છે.

ગ્રૂમિંગ ગેંગ્સને એશિયન સમુદાય સાથે સાંકળવી હિન્દુ અને શીખ સમુદાયો માટે અન્યાયીઃ લોર્ડ ઇન્દ્રજિત  સિંહ

વિમ્બલ્ડનના લોર્ડ ઇન્દ્રજિત સિંહે જણાવ્યું હતું કે, યુકેમાં ગ્રૂમિંગ ગેંગ્સને એશિયન સમુદાય સાથે સાંકળવી હિન્દુ અને શીખ સમુદાયો માટે અન્યાયી છે. આ તો એવું થયું કે બધા યુરોપિયનને હોલોકોસ્ટ માટે બદનામ કરવા. પાકિસ્તાની મૂળના લોકો સાથે ગ્રૂમિંગ ગેંગ્સને સાંકળવી તદ્દન યોગ્ય છે પરંતુ કલ્ચર અને ધર્મની ભૂમિકાની પણ સંપુર્ણ તપાસ થવી જોઇએ. પાકિસ્તાની મૂળના મોટાભાગના લોકો સારા છે અને કાયદાનું પાલન કરનારા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter